કચ્છ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રીયાથી માંડીને પસંદગી સુધીની રાજકીય હલચલ ભારે ઉતારચડાવ ભરી રહી. અંદરની રાજકીય વાત જાણીએ તે પહેલાં વરણીની વિધિ વિશે વાત કરી લઈએ. પંચાયત અધિનિયમ ધારા અન્વયે જિલ્લા કલેકટર રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં અઢી વર્ષની મુદ્દત માટે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે લક્ષમણસિંહ સોઢા અને ઉપપ્રમુખ તરીકે નિયતિબેન પોકારને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. તેમની સાથે ઇન્ચાર્જ ડીડીઓ એન.કે. જોશી અને અન્ય કર્મચારીઓએ કામગીરીમાં જોડાયા હતા.
કોણ હાજર? કોણ ગેરહાજર? મીડીયાને અટકાવાયું? પ્રમુખ ખુરશી ઉપર શા માટે ન બેઠા?
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી દરમ્યાન જિલ્લા પંચાયત ભવનમાં ૧૧ વાગ્યા સુધી રાજકીય માહોલ સુસ્ત જણાતો હતો. જોકે, ત્યારબાદ લક્ષમણસિંહના ટેકેદારો આવવાના શરૂ થયા હતા પણ મોટેભાગે રાપરના જ હતા. એક માત્ર વજનદાર નેતા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા શરૂઆતથી જ આવી ગયા હતા. સામાન્ય રીતે આથી અગાઉની વરણી દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખની ચેમ્બરમાં પક્ષ પ્રમુખ અને આગેવાનો સાથે બેઠક યોજવામાં આવતી હતી. પરંતુ,આ વખતે જિલ્લા ભાજપ પ્રમુખની અને અન્ય ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી. બે મહામંત્રીઓ વલ્લમજી હુંબલ અને શૈલેન્દ્રસિંહ હાજર હતા. જ્યારે સાંસદ વિનોદ ચાવડા ગઈકાલે ફોર્મ ભરવા દરમ્યાન હાજર રહ્યા હતા. રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા પણ દેખાયા નહોતા. જોકે, વેલુભા સોઢા ઉપરાંત રાપરના આગેવાનો અંબાવી પટેલ, વીરજી મોર, વાઘજી પ્રજાપતિ કેશુભા વાઘેલા હાજર હતા.ભાજપના ભુજ સહિતના અન્ય તાલુકા મથકોના આગેવાનો અને કાર્યકરોની હાજરી પાંખી હતી. જોકે, પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રીયા બિનહરીફ થવાની હોવા છતાંયે સભાખંડમાં કવરેજ માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડીયાને ઇન્ચાર્જ નાયબ ડીડીઓ કે. જી. બ્રહ્મક્ષત્રિયએ અટકાવતાં પત્રકારો ગિન્નાયા હતા પરંતુ કોંગ્રેસના કિશોરસિંહ જાડેજા અને નવનિયુક્ત પ્રમુખના ભાઈ પ્રદીપસિંહ સોઢાએ દરમ્યાનગીરી કરી હતી. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમ્યાન ૪૦ પૈકી જિલ્લા પંચાયતના ૨૮ સભ્યોજ હાજર હતા. ગેરહાજર ૧૨ સભ્યોમાં શાસકપક્ષ ભાજપના ૫ હતા સામાન્યરીતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં સૌ સભ્યો હાજર રહે તેવો પક્ષનો આદેશ હોય છે. છેલ્લે સુધીની રાજકીય ખેંચતાણને કારણે ચર્ચામાં રહેનાર અરવિંદ પીંડોરીયા અને ભીમજી જોધાણી એક જ બેઠક પર બેઠા હતા. ઉપપ્રમુખ તરીકે નિયતિબેન પોકારને વધાઈ આપવા સમયે મહિલા મોરચાના પ્રમુખ દિવ્યબા જાડેજાની ગેરહાજરી હતી. જોકે,નવા પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન તેમજ ચાર્જ આપતી વખતે પણ સૌથી વધુ ખુશ વિદાય લેતા પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા હતા. નવનિયુક્ત પ્રમુખ લક્ષમણસિંહે વરણી થયા બાદ પ્રમુખની ચેમ્બરમાં તો ગયા પણ ખુરશી ઉપર બેસવાનું ટાળ્યું હતું વિધિવત તેઓ ૨૨ મી શુક્રવારે ખુરશી સંભાળશે. જોકે તેમણે પ્રમુખ તરીકે એક મહત્વની જાહેરાત કરી હતી કે હવે થી જિલ્લા પંચાયત દરેક તાલુકા મથકોએ સામે થી જશે અરજદારોએ કામ માટે ભુજ આવવું નહીં પડે.
વિરેન્દ્રસિંહની મહેનતે લક્ષમણસિંહને અપાવી ગાદી, જિલ્લા પંચાયતની અંદરની વાત
કચ્છ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે લક્ષમણસિંહ સોઢાની વરણી માટે જિલ્લા ભાજપ સંગઠનની સાથે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની છેક છેલ્લી ઘડી સુધી મહેનત રહી હતી. ફોર્મ ભર્યાના આગલા દિવસે પણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ અને લક્ષમણસિંહના ભાઈ પ્રદીપસિંહ સોઢા ગાંધીનગર હતા. જ્યારે લેવા પટેલ સમાજના દાવેદારો અને સામેના ગ્રુપ વચ્ચે હું નહીં તો તું નહીં જેવો માહોલ હોઈ ઉપપ્રમુખપદ પણ કડવા પાટીદારને અપાયું. જોકે, નિયતિબેન માટે મંત્રી વાસણભાઇ આહીર અને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલની ભલામણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એ વળી એક એવી ચર્ચા પણ થઈ રહી છેકે, નિયતિબેન પોતે પ્રમુખ તરીકે પોતાને દાવેદાર માનતા હતા. જુના ચહેરાઓની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવાનો ભાજપનો નિર્ણય બળવાખોર જૂથના દબાણ હેઠળ કરાયો છે એવી ચર્ચા પણ છે. સાથે સાથે રાપરમાં ભાજપનું પ્રતિનિધીત્વ નથી ત્યારે લક્ષમણસિંહ સોઢા અને વિરેન્દ્રસિંહ જાડેજા બંને ૨૦૧૯ માટે વાગડ વિસ્તારમાં ભાજપનો ગઢ સાચવવામાં મદદરૂપ બને તેવું રાજકીય ગણિત પણ મંડાઇ રહ્યું છે. હવે કોંગ્રેસની વાત કરીએ તો વિકાસ કામો થી માંડીને ભ્રષ્ટાચારના મુદ્દે જિલ્લા પંચાયત સામે આક્ષેપો કરનાર કોંગ્રેસના આગેવાનો ભાજપની જૂથબંધી હેઠળ રાજકીય સોગઠા ગોઠવતા નજરે પડ્યા. ફોર્મ ભરીને ભાજપ વાળા આવ્યા અને કોંગ્રેસી નેતા વી. કે. હુંબલે કહ્યું અરવિંદ પીંડોરીયા રેસમાં નથી. ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની ઘોષણા કરતા વિપક્ષીનેતાએ તેમના ઓવારણાં લીધા. હવે એ જોવાનું રહે છે કે વિરોધપક્ષ તરીકે કોંગ્રેસની ભૂમિકા શું હશે? ભાજપનો જૂથવાદ નવો નથી પણ વિપક્ષ કોંગ્રેસના એકાએક બદલાયેલા સૂર રાજકીય વિશ્લેષકો માટે મનોમંથન નો વિષય છે.