Home Current લક્ષમણસિંહ સોઢા અનોખી રીતે સંભાળશે કાર્યભાર-જિલ્લા પંચાયતમાં ચર્ચા

લક્ષમણસિંહ સોઢા અનોખી રીતે સંભાળશે કાર્યભાર-જિલ્લા પંચાયતમાં ચર્ચા

2731
SHARE
જે રીતે પ્રમુખપદની દાવેદારીમાં લક્ષમણસિંહ સોઢાએ સૌને આંચકો આપ્યો અને રાજકીય ચર્ચા સર્જી એવીજ રીતે હવે તેઓ જે રીતે કાર્યભાર સંભાળવાના છે તે અંગે જિલ્લા પંચાયતમાં ચર્ચા છે. ૨૫ મી જુન સોમવારે પ્રમુખ તરીકે કાર્યભાર સાંભળનારા લક્ષમણસિંહ એવું તો શું કરવાના છે? ન્યૂઝ4કચ્છે આ અંગે તેમની સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેમને વાલ્મિકી સમાજના કર્મચારી કંકુનો ચાંદલો કરશે, એ કર્મચારી તેમને ખુરશી તરફ દોરી જશે અને ત્યારબાદ તેઓ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે. વિજય મુહૂર્તના સમય અનુસાર સોમવારે બપોરે ૧૨ અને ૩૯ મિનિટે વાલ્મિકી સમાજના પ્રતિનિધિ તરીકે જિલ્લા પંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા પ્રવિણ પરમારના હસ્તે આ વિધિ સંપન્ન થશે. સંભવતઃ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં કદાચ પ્રથમ જ વખત પ્રમુખ તરીકે અનોખી રીતે કાર્યભાર સંભાળવાના નિર્ણયના કારણે જ લક્ષમણસિંહ સોઢા ચર્ચામાં છે. જોકે, નવા પ્રમુખના આ નિર્ણયના કારણે તેમનું માન વધી ગયું છે.

મુખ્યમંત્રીએ લક્ષમણસિંહને શું સલાહ આપી?

પ્રમુખપદ માટેની કાર્યવાહી સંપન્ન થયા બાદ લક્ષમણસિંહ સોઢા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાંધીનગરમા મળ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીએ તેમને શું કહ્યું? જોકે, અહીં એ વાતની યાદ કરાવી દઈએ કે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક વખતે વિજયભાઈ રૂપાણીએ ભુજ નગરપાલિકા અને કચ્છ જિલ્લા પંચાયતના વહીવટની ફરિયાદો અને ભ્રષ્ટાચારના મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ નું પૂછાણું લીધું હતું .ત્યારબાદ સંગઠનનું ચાલ્યું અને પ્રમુખ તરીકે સ્વચ્છ છબીવાળા સભ્યોને તક અપાઈ. પોતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાથે મુખ્યમંત્રી ને મળ્યા ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈએ તેમને અને અન્ય હોદ્દેદારોને સ્વચ્છ પ્રજાલક્ષી વહીવટ ચલાવવાની તાકીદ કરી હતી સાથે સાથે ૨૦૧૯ ની ચૂંટણીની યાદ અપાવીને લોકહિતના કાર્યો કરવાની ટકોર કરી હતી.

સોઢા પરિવાર અને રાજકારણ એકબીજાનો પર્યાય!!!

રાપરના સોઢા પરિવાર અને રાજકારણ જાણે એકબીજાનો પર્યાય બની ચુક્યા હોય તેમ છેક ૧૯૮૨ થી પરિવારના અનેક સદસ્યો વિવિધ હોદાઓ સંભાળી ચુક્યા છે અને હજીય સંભાળી રહયા છે. પરિવારના મોભી અલજી ખેતાજી સોઢા, હરિસિંહ ખેતાજી સોઢાનો રાપર તાલુકામાં દબદબો હતો અને અનેક મહત્વના પદો તેમણે સફળતાપૂર્વક સંભાળ્યા હતા. નવી પેઢીમાં સમરથસિંહ અલજી સોઢા અને પ્રવિણસિંહ સોઢા રાપર તાલુકા પંચાયત અને નગરપાલિકામાં જ્યારે પ્રદીપસિંહ રાણાજી સોઢા રાપર તાલુકા પંચાયત અને કેડીસીસી બેંકમાં, હઠુભા રાણાજી સોઢા રાપર નગરપાલિકામાં સક્રિય છે. જ્યારે લક્ષમણસિંહ અલજી સોઢા અત્યારે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ છે તે ઉપરાંત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. રાપર માર્કેટયાર્ડમાં પણ તેઓ સક્રિય છે.