કચ્છ યુનિવર્સિટી અને ABVP ના છાત્રો વચ્ચે સેનેટની ચૂંટણીના ડખામાં પ્રો. બક્ષીનું મોઢું કાળું કરવાની ઘટનાએ ઘેરા પ્રત્યાઘાતો સર્જ્યા છે. નાગર સમાજે કલેકટર અને ડીએસપીને આવેદન પત્ર આપીને ઘટનાને વખોડી કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી છે. બીજી બાજુ NSUI દ્વારા ધરણા યોજીને આ બનાવને વખોડવામાં આવ્યો છે. તો પોલિસે પ્રો. બક્ષીની ફરિયાદને પગલે ABVP ના પાંચ છાત્રો રામ ગઢવી, તેજસ પાવાગઢી, રવિ ગઢવી, કિરીટસિંહ જાડેજા, ધ્રુવ જોશીની ધરપકડ કરી છે. તો ભાર્ગવ શાહ ફરાર છે. જોકે, સમગ્ર કચ્છમાં ચકચાર અને ચર્ચા સર્જનાર આ બનાવને સૌ પ્રથમ ન્યૂઝ4કચ્છે શૈક્ષણિક જગત માટે કલંક સમાન ગણાવી. હવે આ ઘટના વિશે ન્યૂઝ4કચ્છે વધુ જાણવાનો પ્રયાસ કર્યો છે, આ એવી માહિતી છે કે જે આપ પણ કદાચ પહેલી જ વાર જાણશો.
સરકારે નીમેલા સેનેટ મેમ્બરનું પ્રથમ જાહેર નિવેદન
વર્તમાન ટર્મમાં સરકારે કચ્છ યુનિવર્સિટીમાં નીમેલા સેનેટ મેમ્બર શ્રવણસિંહ વાઘેલાએ ન્યૂઝ4કચ્છ સાથેની ટેલિફોનિક વાતચીત માં કહ્યું હતું કે મેમ્બરશીપ ડ્રાઇવ દરમ્યાન જે વિદ્યાર્થીઓ મતદાર ફોર્મ ભરે તે ચકાસ્યા બાદ જેના ફોર્મ મંજુર થાય તેમની પાસેથી ૫૦ રૂપિયા ફોર્મ ના લેવાના હોય છે. જે મેમ્બરશીપના રૂપિયા ભરે તે મતદાર તરીકે માન્ય રહે છે. પણ આ વખતે સમય ઓછો પડ્યો એટલે છેલ્લે ધસારો થતાં દરેકના ફોર્મ અને રૂપિયા લઈ લેવાયા અને હવે નામો રદ કરાયા એટલે આ ડખો થયો છે. બાકી મતદાર યાદી બદલી ગયાનો ABVP નો આક્ષેપ સાચો છે એવું કહેતા શ્રવણસિંહે ખુલાસો કર્યો હતો કે અજય ગઢવી અને અન્ય સભ્યો સાથેની ફેબ્રુઆરી ની છેલ્લી EC બેઠકમાં મતદાર યાદી ફાઇનલ થઈ ગઈ હતી. જોકે, પ્રો. બક્ષી સાથે કરાયેલી ગેરવર્તણૂક ને શ્રવણસિહે વખોડી હતી અને ABVP ના છાત્રોએ સંયમ અને સન્માનપૂર્વક રજુઆત કરવી જોઈએ એવું જણાવ્યું હતું.
મતદારયાદી અને કોંગ્રેસના ઈશારે કામ કરવાના આક્ષેપ સંદર્ભે કુલપતિ નો સૌ પ્રથમ ખુલાસો
કચ્છ યુનિવર્સિટી ના ૬ સેનેટ મેમ્બરની ચૂંટણી ૨૨ જુલાઈના થશે. તેની મતદાર યાદી બાબતે ABVP એ કરેલા આક્ષેપ સંદર્ભે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કુલપતિ સી. બી. જાડેજા એ કહ્યું હતું કે મતદાર યાદી કરતા રદ કરાયેલા મતદારોના નામોની સંખ્યા વધુ છે, જે કદાચ ૬૦% હોઈ શકે છે. પણ, નિયમ પ્રમાણે જ અમે કામ કર્યું છે, જે ફોર્મ માં અધૂરાશો હતી તે જ રદ કર્યા છે. છતાંય ચકાસણીની છેલ્લી તારીખ ૨૬ હતી અને ABVP ની ફરિયાદ બાદ EC બેઠકમાં નક્કી કરાયેલા ૧૦ સભ્યો દ્વારા ફરીવાર આ ચકાસણી થઈ રહી છે. જો ક્યાંય ભૂલ હશે તો સુધારીશું અને મતદાર યાદી સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહી કરીશું. મતદાર યાદીના ફોર્મ NSUI છાત્ર સંગઠનને નહીં પણ વાંધો લેનાર વિદ્યાર્થીઓને બતાવ્યા હતા. પોતે કોંગ્રેસના ઈશારે કામ કરતા હોવાના ABVP ના આક્ષેપનો રદિયો આપતા કુલપતિએ ખુલાસો કર્યો હતો કે રદ થયેલા મતદાર ફોર્મમાં બન્ને સંગઠનના છાત્રો છે. જોકે, ABVP ના છાત્રો દ્વારા થયેલા કૃત્યને પગલે પ્રો. બક્ષીની સારવારના ખર્ચ અને યુનિવર્સિટીમાં બનેલી ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ પોલીસને મોકલીને કચ્છ યુનિવર્સિટી દેખાવો અને વિરોધ કરનારા ABVP ના છાત્રો ઉપર બીજો પોલીસ કેસ કરશે એવો ખુલાસો કુલપતિ શ્રી જાડેજાએ ન્યૂઝ4કચ્છ સમક્ષ કર્યો હતો. ગત ફેબ્રુઆરી ૧૮ માં છેલ્લી EC બેઠકમાં મતદાર યાદી તૈયાર થઈ હોવાની વાતને સમર્થન આપતા કુલપતિએ કહ્યું હતું કે ચૂંટણી જુલાઈમાં થઈ એટલે અમે આખરી મતદારયાદીના નામોમાં ફેરફાર કર્યા છે જે નિયમ પ્રમાણે છે.તો, વિધાર્થીઓ પાસે થી ૫૦ રૂપિયા મતદાર યાદી રજિસ્ટ્રેશન ફોર્મના લઇ લીધા બાદ તેમના નામો રદ કરવાના મુદ્દે કુલપતિએ કહ્યું હતું કે ચકાસણી દરમ્યાન અધૂરાશો હોય તો નામો રદ થઈ શકે છે. એક શિક્ષક તરીકે નિખાલસતાથી કુલપતિ શ્રી જાડેજાએ ગળગળા સાદે આ ઘટનાને કમનસીબ ગણાવી કહ્યું હતું કે અમારે એ સંશોધન કરવું પડશે કે છાત્ર સંગઠન શા માટે ઉગ્ર વર્તન કરી રહ્યા છે. પ્રો બક્ષીનું મોઢું કાળું કર્યા પછી ABVP ના છાત્રોએ તેમની સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાનો ખુલાસો પણ તેમણે કર્યો હતો. જે છાત્રો સામે પોલિસ કેસ થયા છે તેમના એડમીશન રદ કરવાના નિર્ણય કરાયો હોવાનું કહેતા શ્રી જાડેજાએ કહ્યું હતું કે તેમનું શૈક્ષણિક ભવિષ્ય બગડશે એનું અમને દુઃખ છે પણ ગેરશિસ્ત ન ચલાવી લેવાય.