Home Current ભૂમાફિયાઓના કબ્જામાંથી ગૌચર જમીન છોડાવો : જંગીના માલધારીઓએ છેડયો જંગ

ભૂમાફિયાઓના કબ્જામાંથી ગૌચર જમીન છોડાવો : જંગીના માલધારીઓએ છેડયો જંગ

3024
SHARE
છેલ્લા ઘણા સમયથી જમીન દબાણના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે તંત્રના મૌનથી અકળાયેલી કચ્છની ગ્રામીણ પ્રજામાં ગુસ્સો વધતો જાય છે. આજે જંગી ગામની ગૌચર જમીનના મુદ્દે માલધારીઓ ભુજના રસ્તા ઉપર ઉતર્યા હતા.માલધારી વિકાસ સંગઠનના નેજા તળે માલધારીઓએ રેલી તેમ જ બેનર સાથે જંગી(ભચાઉ ના પશુધન માટેની ગૌચર જમીન પર કરાયેલા જમીન દબાણ સામે આક્રોશ દર્શાવ્યો હતો. કચ્છ જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોરતા કલેકટરને અપાયેલા લેખિત આવેદનપત્રમાં જંગી ગામમાં ૨૯૦૦૦ જેટલા પશુધન માટેની ગૌચર જમીન ઉપર ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોએ કબજો કરી લીધો હોવાની ફરિયાદ કરી હતી. ઉંટ, ઘેટાં-બકરા અને ગાયો ધરાવતા જંગીના પશુપાલકો માટે માત્ર ૯૦ એકર જમીન જ છે. પરિણામે ૨૯૦૦૦ પશુઓને ચરાવવા કેમ? એ પ્રશ્ન માલધારીઓને સતત મૂંઝવે છે. માલધારી વિકાસ સંગઠને સરકારી સર્વેને ટાંકતા જણાવ્યું છે કે ૧૦૦ પશુઓ માટે ૪૦ એકર જમીન જોઈએ પણ જંગીમાં ૨૯૦૦૦ પશુઓ માટે માત્ર ૯૦ એકર જ જમીન ઉપલબ્ધ છે. ચારિયાણના અભાવે પશુપાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે. વિશાળ સંખ્યામા ઉપસ્થિત માલધારીઓ વતી લેખિત સહી સાથેનું આવેદનપત્ર આપતા માલધારી વિકાસ સંગઠનના કન્વીનર ગોવાભાઈ રબારી, કચ્છના પ્રમુખ વિભાભાઈ રબારી, કાનાભાઈ રબારી અને જેસાભાઈ રબારી સહિતના આગેવાનોએ ચીમકી આપી છે કે જો ૧૦ દિવસમાં તંત્ર પગલા નહીં ભરે તો ગાંધી ચીંધ્યા માર્ગે માલધારીઓ આંદોલન કરશે.