Home Social જો આપ કચ્છી છો, તો આપે ન્યૂઝ4કચ્છના કચ્છી નવા વર્ષના આ સમાચાર...

જો આપ કચ્છી છો, તો આપે ન્યૂઝ4કચ્છના કચ્છી નવા વર્ષના આ સમાચાર જોવા જ રહ્યા !!!

2785
SHARE

આ હેડીંગ વાંચીને આપ સમાચાર વાંચવાનું શરૂ કરી રહ્યા છો, ત્યારે ન્યૂઝ4કચ્છ પરિવાર વતી આપ સૌને કચ્છી નવા વરસની ‘લખ લખ વધાઈયું’  અષાઢીબીજ એ દેશ-વિદેશ મા વસતા ૩૦ લાખ થી પણ વધુ કચ્છી માડુઓ માટે આનંદ, ઉલ્હાસ અને ઉમંગ નો અવસર છે, તેનુ કારણ છે નવા વરસનો પ્રારંભ!! હરખ ના આ અવસરે કચ્છી નવું વરસ અને તેની સાથે સંકળાયેલી પરંપરા અને માન્યતા વિશેની આ માહીતી દ્વારા ન્યૂઝ4કચ્છે જૂની પેઢી સાથે સંસ્મરણો વાગોળવાનો અને નવી પેઢી સુધી માહીતી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ કર્યો છે.

જાણો અલગ અલગ માન્યતાઓ..

અષાઢીબીજ ના દિવસે કચ્છી માડુઓ ના ઘરમાં લાપસી ના આંધણ મુકાય છે. તેનું કારણ વરસાદ વરસ્યાનો આનંદ પણ સંકળાયેલો છે. કચ્છી માડુઓ અવશ્ય એ માને છે કે, અષાઢીબીજ થી કચ્છમા ચોમાસાની શરૂઆત થઈ જાય છે. એટલે જ એ કહેવત પણ કચ્છમા જાણીતી છે, “અષાઢીબીજ કાં વાદળ કાં વીજ” !! કચ્છી નવા વરસની ઉજવણી સાથે સંકળાયેલી માન્યતાઓ વિશે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કચ્છી સાહિત્યકાર ગૌતમ જોશી કહે છે કે, મુખ્યત્વે કચ્છ એ સૂકો મુલક છે અને આપણા વડવાઓ ના જુના સમયમા ખેતીવાડી, પશુપાલન અને વહાણવટું એ મુખ્ય વ્યવસાય હતો. એટલે, ઉનાળો પૂરો થાય અને ચોમાસાની શરૂઆત અષાઢ મહીના થી થાય એટલે અષાઢીબીજ એ વિશેષ દિવસ બની રહેતો. બીજ ના ચંદ્ર સમયે ખેતરમા બીજ વાવીને સારા વરસાદ તેમ જ સારા પાક અને ઘાસચારાની પ્રાર્થના સૌ કરતા. એટલે અષાઢીબીજ નો દિવસ ખાસ બની રહેતો. તે જ રીતે, દરિયો ખેડવા જતા આપણા વડવાઓ અષાઢ મહીનાથી ચોમાસું શરૂ થાય એટલે દરિયાઈ સફર પૂર્ણ કરી ઘેર પરત ફરતા વર્ષ મા આઠ આઠ મહીના બહાર રહેતા ઘરના પુરુષો ઘેર આવે એ માહોલ ઉત્સવ જેવો હોય અને ‘અષાઢીબીજ’ થી પારિવારિક સબંધો પાકા થતા.
કચ્છની જાણીતી પ્રેમકથા ‘હોથલ પદમણી અને ઓઢા જામ’ ની ઐતિહાસિક વાર્તા મા પણ મોર નો ટહુકાર અષાઢ ની શરૂઆત અને વરસાદની વાત આવે છે. જે એ સંકેત આપે છે કે, અષાઢીબીજ એ કચ્છ માટે પારંપરિક રીતે ખાસ અવસર છે.
અન્ય એક દંતકથા પ્રમાણે કચ્છના પૂર્વ રાજવી લાખા ફુલાણીએ કચ્છ ની ઉન્નતિ માટે આફ્રિકા સુધીનો પ્રવાસ કર્યો હતો. એ પ્રવાસની ફલશ્રુતિ રૂપે તેઓ બાજરી નું ધાન્ય લઈ આવ્યા હતા. એ દિવસ પણ બીજ હતી અને કચ્છી પ્રજાએ તેની ઉજવણી દિવાળી જેવી કરી હોઈ ત્યારથી અષાઢીબીજ ની ઉજવણીની શરૂઆત નવા વરસ જેવી થઈ.

કચ્છીયત ને જીવંત બનાવતા સંગીત વગર કચ્છની ઓળખ અધૂરી…

કોઈ પણ પ્રદેશની ખાસિયત અને વિશેષતા તેના સંગીતના ધબકાર માં ઝીલાય છે. એટલે જ એ તળપદુ સંગીત લોકસંગીત અને અંગ્રેજીમા કહીએ તો ફોકમ્યુઝિક તરીકે ઓળખાય છે. વિશ્વસ્તરે જાણીતા ભારતીય સંગીતકાર એ. આર. રહેમાન પણ કચ્છી સંગીત થી પ્રભાવિત થઈને તેનો ઉપયોગ ફિલ્મમા કરી ચુક્યા છે. અત્યારે વતનપ્રેમી કચ્છી માડુઓ ના સહયોગ થી ‘કલાવારસો’ સંસ્થા ના માધ્યમ થી કચ્છી સંગીતનો ધબકાર જીવંત છે. વિવિધ વાદ્યો અને અલગ અલગ પ્રકારની કચ્છી ગાયકી ધરાવતા કચ્છી સંગીત કલાકારોને ‘કલાવારસો‘ ના માધ્યમ થી એક કરનારા કચ્છી કલાકાર ભારમલ સંજોટ ના સહકાર થી કચ્છીયતનો જીવંત ધબકાર અનુભવીએ !!!

ન્યૂઝ4કચ્છ ના આપ સૌ દર્શકો માટે ખાસ કચ્છી સંગીતની રેયાણ !