Home Current મહિલાઓ સાથે દુષ્કર્મ આચરનારા ભાજપના નેતાઓએ કર્યું કચ્છને બદનામ-જાણો કોંગ્રેસે શું કર્યા...

મહિલાઓ સાથે દુષ્કર્મ આચરનારા ભાજપના નેતાઓએ કર્યું કચ્છને બદનામ-જાણો કોંગ્રેસે શું કર્યા આક્ષેપો?

2584
SHARE
પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેન્તીભાઈ ભાનુશાલી વિરુદ્ધ સુરતમા થયેલ દુષ્કર્મની ફરિયાદ અને તેના પગલે તેમણે આપેલા રાજીનામાથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ ખળભળાટ હજી શમે તે પહેલા જ કચ્છ કોંગ્રેસે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય વિરૂદ્ધ મોરચો માંડી ને હવે કચ્છના રાજકારણમા હલચલ મચાવી દીધી છે. બબ્બે મહિલાઓએ કરેલા આક્ષેપોના કારણે જેન્તીભાઈ વધુ વિવાદમા આવી ગયા છે. ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસે ભુજ મધ્યે આવેલા કચ્છ ભાજપના મધ્યસ્થ કાર્યાલય સામે સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા.

શું છે કોંગ્રેસનો આક્ષેપ?

કોંગ્રેસના વિરોધ અંગે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, કચ્છ ભાજપના નેતાઓના દુષ્કર્મકાંડ થકી કચ્છ બદનામ થયું છે. કચ્છના પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને વર્તમાન પ્રદેશ ઉપપ્રમુખ જેન્તીભાઈ ભાનુશાલી સામે ૨૧ વર્ષની યુવતીએ એડમીશનની લાલચ આપીને કરેલા દુષ્કર્મના આક્ષેપને પગલે લાગે છે કે હવે ગુજરાતમા મહિલાઓ સલામત નથી. આથી અગાઉ પણ ભાજપના નેતા જેન્તીભાઈ તેમના ભાઈ અને ભત્રીજા વિરુદ્ધ મનીષા ગોસ્વામી નામની પરિણીત મહિલાએ કરેલા આક્ષેપોએ સર્જેલો વિવાદ હજીયે ચર્ચામાં છે. બહુચર્ચિત નલિયા કાંડમા એક યુવતી સાથે કચ્છ ભાજપના તાલુકા અને શહેર કક્ષાના નેતાઓ તેમ જ જિલ્લા કક્ષાના આગેવાનો ઉપર દુષ્કર્મના આક્ષેપોએ તો દેશભરમા ચકચાર સર્જી હતી. કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ માંડવી તાલુકા પચાયતના આદિવાસી મહિલા સદસ્યએ ભાજપ નેતા ઉપર કરેલ દુષ્કર્મની ફરિયાદ સહિતના મુદ્દે જણાવ્યું હતું કે ભાજપના રાજમા મહિલાઓ સુરક્ષિત નથી. કચ્છ કોંગ્રેસ મહિલાઓના સ્વાભિમાન માટે ભાજપ હટાવો કચ્છ બચાવો એવી લડત ચલાવશે. આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી, આદમ ચાકી, વી. કે. હુંબલ, રવિન્દ્ર ત્રવાડી, ફકીરમામદ કુંભાર, ઘનશ્યામસિંહ ભાટી, ગની કુંભાર સહિતના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. જોકે, અઢી મહીના થયા મનીષા ગોસ્વામીનું પ્રકરણ ગુજરાતભરમા ચર્ચાઈ રહ્યું હોવા છતાંયે કચ્છ કોંગ્રેસની ચુપકીદી સામે અને સવાલો ચર્ચાઈ રહ્યા છે.