Home Special એવું તે શું થયું કે સરકારને IASની બદલીના ફરીથી ઓર્ડર કરવા પડયા...

એવું તે શું થયું કે સરકારને IASની બદલીના ફરીથી ઓર્ડર કરવા પડયા ?

2140
SHARE
માત્ર એક અઠવાડિયામાં જ રાજ્ય સરકારને તેણે કરેલા બદલીના હુકમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. ત્યારે પ્રશ્ન થાય કે એવું તે કયું જાહેર હિતનું વહીવટી કારણ હતું કે જેને લઈને આઈએએસની ટ્રાન્સફરના ઓર્ડરને રિવાઇઝડ કરવા પડ્યા છે. સરકારના આ હુકમને પગલે સચિવાલય સહિત રાજ્યભરમાં પડઘા પડ્યા છે.
ગુરુવારે જે બદલીના હુકમ કરવામાં આવ્યા છે તેમાં ત્રણ આઈએએસ અધિકારીને બદલવામાં આવ્યા છે. જેમાં એક નામ ધ્યાન ખેંચે તેવું છે. અને તે નામ છે વિનોદ રાવ નામના અધિકારીનું કારણ કે તેમને એક સપ્તાહ પહેલા જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરથી બદલીને કૃષિ વિભાગમાં સચિવ તરીકે મુકવામાં આવ્યા હતા. એક અઠવાડિયા પહેલા કરવામાં આવેલી આ ટ્રાન્સફરમાં વિનોદ રાવ સહિત 21 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી. જેમાં માત્ર ત્રણને ઇન્ટર ચેન્જ કરવામાં આવ્યા છે. સરકારના આ ઇન્ટર ચેન્જને સમજવા માટે એક ફલેશ બેકને જાણવું જરૂરી છે.
વર્ષ 2014માં જયારે ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી
લોકસભાની ચૂંટણી વડોદરા સંસદીય ક્ષેત્રમાંથી લડી રહયા હતા ત્યારે રાવ વડોદરાના કલેક્ટર હતા. ત્યારબાદ જ્યારે મોદીએ વડોદરાની સીટ છોડી અને પેટા ચૂંટણી આવી ત્યારે ત્રણ વર્ષના નિયમને કારણે રાવને વડોદરાથી ખસેડીને ભરૂચના કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા હતા. જેના દોઢેક મહિનાના ટૂંકા સમયગાળા બાદ જ રાવને ફરીથી વડોદરાના કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા હતા. વડોદરાના વહીવટી તંત્રમાં રાવ કદાચ એક અનિવાર્ય પરિબળ તરીકે ઉભરી આવ્યા હોય તેમ જ્યારે તેમને સેક્રેટરી કક્ષાનું પ્રમોશન આવ્યું ત્યારે પણ તેમને વડોદરાથી ખસેડયા વિના મ્યુનિસિપલ કમિશનર તરીકેનું પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. આમ જોવા જઈએ તો પાંચેક વર્ષથી પણ વધુ સમયથી વિનોદ રાવ નામના આ આઈએએસ ઓફિસર તેમની સેવા આપી રહયા હતા. છેલ્લે જયારે તેમને કૃષિ વિભાગમાં મુકવામાં આવ્યા ત્યારે પણ સરકારના વહીવટને નજીકથી જોનારા અને જાણનારાને ખબર જ હતી કે રાવ સાહેબને લઈને સરકારે ટ્રાન્સફર ઓર્ડરમાં કાંઈક ચૂક થઈ ગઈ છે. અને થયું પણ એવું જ કે માત્ર એક સપ્તાહમાં બદલીના ફેર હુકમ કરવા પડયા હતા.

હાઇકોર્ટના જજને SMS કરતા વિવાદ થયેલો

વર્ષ 2000ની બેચના IAS અધિકારી વિનોદ રાવની કામગીરી કરવાની અનોખી સ્ટાઇલ પણ વિવાદનું કારણ બનતી રહી છે. જેમાં આમ તો ઘણી ઘટનાઓ બની છે જે સમયાંતરે અખબારોમાં પણ આવી છે. જેમાં હાઇકોર્ટના એક કેસમાં જજને SMS કરવાનું પ્રકરણ બહુ ચર્ચામાં આવ્યું હતું. અલબત્ત તેમાં રાવે માફી માંગી લેતા સમગ્ર પ્રકરણ સમેટાઈ ગયું હતું.

કેકે અને રાવને બદલી સાથે કોઈ સંબંધ છે ?

કે.કે.એ ગુજરાતના વહીવટી તંત્ર માટે અજાણ્યું નામ નથી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને આનંદીબેન પટેલ હોય કે વિજયભાઈ રૂપાણી, કે. કૈલાશનાથનનું નામ સત્તાના ગલીયારામાં હંમેશા ચર્ચામાં રહ્યું છે. સાચું – જૂઠું ભગવાન જાણે, પરંતુ જ્યારે પણ ગુજરાતમાં અધિકારીઓની પોસ્ટિંગ કે બદલીની વાત આવી છે ત્યારે કે.કે.નું નામ ચર્ચામાં જરૂર આવે છે. ખાસ કરીને દક્ષિણ ભારતનાં IASની પોસ્ટિંગની વાત આવે અથવા તો ગુજરાતના પ્રમોટી સનદી બાબુઓને સાઈડ પોસ્ટિંગ આપવાની વાત આવે ત્યારે તેમાં કે,કે,ની ભૂમિકા અંગે ચર્ચા જરૂર થાય છે. રાવના આ રિવાઇઝડ ઓર્ડર પાછળ પણ કે.કે.ની ભૂમિકા હોવાની વાતો વહેતી થઈ છે.