Home Social વિદ્યાર્થીઓએ ચોપડા મૂકીને સોઈ દોરો, પીંછી અને બ્લોક પ્રીન્ટ ના બીબા હાથમાં...

વિદ્યાર્થીઓએ ચોપડા મૂકીને સોઈ દોરો, પીંછી અને બ્લોક પ્રીન્ટ ના બીબા હાથમાં પકડ્યા પછી શું થયું?

1227
SHARE
ભાર વગરના ભણતરની વાત તો બધા જ કરે છે,પણ એનો પ્રયોગ કરવાની પહેલ થતી નથી, એ હકીકત છે. પણ કચ્છની જાણીતી સંસ્થા LLDC એ એક નવો જ પ્રયોગ કર્યો ચોપડા અને દફતર મુકાવીને છાત્રોને હાથ માં સોઈ દોરો, પીંછી, બ્લોક પ્રિન્ટના બીબા આપ્યા, તેની સાથે આપણા કચ્છ વિશેની જાણકારી ધરાવતા પ્રશ્નો પૂછીને તેમની કલ્પનાને છૂટો દોર આપ્યો. પછી શું થયું? જ્યાં કચ્છ અને કચ્છીયત ધબકે છે તેવા રૂડા સ્થળ LLDC ના મહેશ ગોસ્વામી કહે છે, કે સૌ છાત્રોને મોજ પડી ગઈ. કારણ? તેમણે શાળા અને ઘર ના વાતાવરણ માંથી બહાર નીકળીને પુસ્તકિયા જ્ઞાન ને બદલે પોતાના વતન ની વિશેષતા ને જાણી ને તે વિશેષતાને પોતાની રીતે પ્રગટ કરી સાથે સાથે કલ્પનાશક્તિ દ્વારા પીંછીના લસરકે મન ના ભાવોને પ્રગટ કર્યા. આ અંગે વધુ વિસ્તારપૂર્વક ન્યૂઝ4કચ્છને માહીતી આપતા મહેશ ગોસ્વામી કહે છે કે અજરખપુરમાં શ્રોફ પરિવાર અને શ્રુજન દ્વારા બનાવાયેલ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટરનો હેતુ કચ્છની હસ્તકલાની જાળવણી અને તેને ઉજાગર કરવાનો છે. મહેશભાઈ કહે છે કે અમને એક વિચાર આવ્યો LLDC ના માધ્યમ સાથે કચ્છની ઉભરતી નવી પેઢીને જોડીએ. એટલે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ ના સહયોગ થી કચ્છની ૨૦ શાળાઓના ૬૫૦ જેટલા છાત્રો માટે ૬ દિવસની ‘શ્રુજન એન્ડ એલએલડીસી આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ કોમ્પિટિશન’ પ્રતિયોગીતા હેઠળ કાર્યશાળાનું અજરખપુર મધ્યે આયોજન કર્યું. જેમાં ક્રિએટિવિટી, ક્રાફટ અને કવીઝ એ ત્રણ વિભાગો હેઠળ સ્પર્ધાઓ રાખી. આ કાર્યશાળા માં છાત્રો એ સોઈ દોરો હાથ માં લઈને હસ્તગૂંથણ કર્યું, તો બ્લોક પ્રિન્ટ ના બીબા લઈને બ્લોક પ્રિન્ટિંગ કર્યું, ઘણા છાત્રોએ હાથમાં પીંછી લઈને કાન્તિસેન શ્રોફ કાકા એ દોરેલા ચિત્રો દોર્યા. તેમ જ ટીમ બનાવીને છાત્રોએ કચ્છના પ્રવાસન, હસ્તકલા વિશેના જવાબો આપ્યા. એકંદરે ૬૫૦ જેટલા છાત્રો એ કચ્છ, કચ્છીયત અને કચ્છી માહોલને આત્મસાત કર્યો. નિર્ણાયક તરીકે અજરખપુરના હસ્તકલા કસબીઓ દાઉદભાઈ ખત્રી અને ખાલિદભાઈ ખત્રી એ પોતાની સેવાઓ આપી હતી.આ કાર્યશાળા માં ભુજ વિસ્તારની ગ્રામીણ અને શહેરી વિસ્તારની શાળા ના છાત્રો સયુંકત રીતે જોડાયા હતા. આ અનોખી કાર્યશાળામાં ભાગ લેનાર છાત્રોને પ્રોત્સાહિત કરવા શ્રોફ પરિવારના મોભી કાન્તિસેન શ્રોફ કાકા, શ્રીમતી પ્રીતિબેન શ્રોફ, કેળવણી નિરીક્ષક સ્નેહાબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધામાં વિજેતા પ્રથમ, દ્વિતીય, તૃતીય છાત્રોને ઇનામો આપ્યા હતા. આ નવતર અભિગમને સફળ બનાવવામાં LLDC ના ઇવેન્ટ અને પીઆર વિભાગના વડા મહેશભાઈ ગોસ્વામીનો ફાળો મહત્વનો રહ્યો હતો. તેમની સાથે પ્રત્યશ અંજારીયા, નિકુંજભાઈ, તેમ જ LLDC અને શ્રુજન ના સ્ટાફે સહયોગ આપ્યો હતો. છાત્રોએ અજરખપુર ખાતે આવેલા LLDC મ્યુઝિયમ વિશે જાણકારી મેળવી હતી.