Home Current જેન્તી ભાનુશાલી અને છબીલ પટેલની રાજકીય લડાઈ પ્રદેશ ભાજપ માટે કેવી મુશ્કેલી...

જેન્તી ભાનુશાલી અને છબીલ પટેલની રાજકીય લડાઈ પ્રદેશ ભાજપ માટે કેવી મુશ્કેલી સર્જશે?

3700
SHARE
નલિયાકાંડ પછી કચ્છનાજ નેતાને સંડોવતા અન્ય એક દુષ્કર્મકાંડમાં હવે ફરીયાદ નોંધાયા બાદ ચોક્કસ આ કિસ્સામાં સંવેદનશીલતા હોય તે સ્વાભાવીક છે. પરંતુ તેના પડદા પાછળ થઇ રહેલા રાજકીય ‘ખેલ’ વિશે જાણવુ પણ એટલુજ જરૂરી છે. કચ્છ અને ગુજરાત ભાજપના નેતા જેન્તી ભાનુશાલી સામે જ્યારે મનિષા ગોસ્વામીએ આક્ષેપો કર્યા ત્યારે સૌ કોઇ એવુ માનતુ હતુ કે જેન્તીભાઇના રાજકીય દુશ્મનોની આ ઉપજાવી કાઢેલી વાત છે. તો તેમના વિરુદ્ધ જ્યારે સુરતમાં એક યુવતી દ્વારા દુષ્કર્મની અરજી થઇ ત્યારે પણ એ જ રાજકીય ચર્ચા હતી કે જેન્તીભાઇને ફસાવાઇ રહ્યા છે. પરંતુ હવે જ્યારે પોલિસ ફરીયાદ થઇ છે. ત્યારે દુધનુ દુધ અને પાણીનુ પાણી થઇ ગયુ છે. પરંતુ શુ દુષ્કર્મનો આ કેસ રાજકીય દુષ્પ્રેરણાનુ પરિણામ ન ગણી શકાય? કેમકે જેન્તી ભાનુશાલી અને તેના રાજકીય દુશ્મનો ચોક્કસ આ કિસ્સાના દુરગામી પરિણામો અને સ્થિતીથી વાકેફ હશે અને હતા, પરંતુ આમ પ્રજા માટે આ કિસ્સો સીધાસાધા દુષ્કર્મનો જ છે. પરંતુ ફરીયાદ નોંધાઇ તે પહેલા અને ફરીયાદ નોંધાયા બાદ જે પાત્રો અને રાજકીય વ્યક્તિઓની ઓડીયો ક્લીપ વાયરલ થઇ રહી છે. તે જોતા પ્રદેશ ભાજપ સુધી આ કિસ્સો વહેલો પહોંચી ગયો હોવાનુ મનાઇ રહ્યુ છે. પરંતુ રાજકીય જુથવાદમાં ડેમેજ કન્ટ્રોલ કરવામાં ક્યાંક પ્રદેશ ભાજપ નિષ્ફળ ગયુ અને ક્યાંક પ્રદેશ ભાજપમાં ચાલતી રાજકીય ખેંચતાણ આ કિસ્સાને બહાર લાવવા નિમિત્ત બની !! જોકે,હવે નલિયાકાંડ જેવુજ રાજકીય નાટક સુરત દુષ્કર્મ કેસમાં ભજવાઇ રહ્યુ છે. મીડીયા અને લોકોમા ચર્ચાઓ ચાલે છે, તે વચ્ચે કોંગ્રેસે રાજકીય માહોલને ગરમ બનાવ્યો છે,પરંતુ પ્રદેશ ભાજપ અને સરકાર બંને આ બહુચર્ચિત મામલે મૌન છે.

જેન્તી ભાનુશાલીએ પડદા પાછળ રહી છબીલ પટેલને ઉશ્કેર્યા પણ છબીલભાઈ ખુલ્લીને સામે આવી ગયા

સુરતની જે મહિલાએ જેન્તીભાઇ વિરૂધ દુષ્કર્મની ફરીયાદ કરી હતી, તે મહિલનો નો પતિ અચાનક અમદાવાદમાં મીડિયા સમક્ષ હાજર થયો અને તેની પૂર્વ પત્નીના કેરેકટર વિશે વાત કરી તેમ જ છબીલ પટેલ પર આરોપ લગાવ્યો કે તેમણે છુટાછેડા માટે દબાણ કર્યું હતું. તો પોતાની પૂર્વ પત્ની આવી રીતે અનેક લોકોને ફસાવી ચુકી છે. તેવા આક્ષેપો કર્યા. જોકે, પોતે જેન્તી ભાનુશાલીને ઓળખતો નથી તેવો પણ તેણે ખુલાસો કર્યો. પણ બીજા કોઈ ભોગ બનનારા માટે નહી બોલનાર પૂર્વ પતિ જે રીતે જેન્તીભાઈ સામેની ફરિયાદ બાદ બહાર આવ્યો એ જોતાં સહેજે’ય કહી શકાયુ કે જેન્તીભાઈનો ગોલ સીધ થયો. કારણકે ત્યાર પછી છબીલ પટેલ ખુલ્લીને સામે આવી ગયા પોતાના પર લાગેલા આક્ષેપો નકાર્યા. પરંતુ જેન્તી ભાનુશાલીના ચારિત્ર્ય વિશે ખુલ્લીને વાત કહી, તેમની સાથે રાજકીય પોતાની રાજકીય જુથબંધીની દાસ્તાન મિડીયા સમક્ષ વર્ણવી. તે સાથેજ કચ્છના આ બંને નેતાઓની રાજકીય લડાઈ ખુલ્લીને સામે આવી ગઈ. શિસ્તબદ્ધ ગણાતા પક્ષ ભાજપ નો રાજકીય તમાશો જાહેરમાં ચાલતો રહ્યો. પરંતુ પ્રદેશ ભાજપ આ મુદ્દે હજી પણ મૌન રહ્યુ છે. તો પીડીતા એ સતત પોલીસ સામે આક્ષેપો કર્યા છતાંયે સરકાર હજી મૌન રહી છે. જોકે, તે વચ્ચે પીડીતા પણ મીડીયા સામે આવી અને તેના પૂર્વ પતિના આક્ષેપો નકારવાની સાથે પોતાની ફરીયાદને વળગી રહી. પરંતુ, જેન્તીભાઇએ પડદા પાછળ રહીને પાર્ટી સુધી એ મેસેજ પહોચાડ્યો કે ક્યાંક ને ક્યાંક તેમના વિરૂદ્ધની દુષ્કર્મની ફરીયાદ રાજકારણ પ્રેરીત છે.

શું સમાધાન થાત તો દુષ્કર્મકાંડનો આ કિસ્સો સામે આવત ખરો?

ઢિચક્યાવ ઢિચક્યાવ થી શરૂ થયેલી રાજકીય લડાઇ કદાચ આ ધટનાનો આગાઝ છે કે અંત એ વિશે તરેહ તરેહની રાજકીય ચર્ચાઓ છે. અત્યારે ભલે છબીલભાઇએ ખુલાસો કર્યો હોય કે તેઓ સીધી રીતે આ મામલામાં સંડોવાયેલા નથી પરંતુ પોતાના રાજકીય દુશ્મન અને જેન્તીભાઇ સામે ઉભા થયેલા વિવાદની પળે પળની જાણકારી અને ક્યાક પડદા પાછળ તેને બળ આપવાનુ કામ તેઓ કરી રહ્યા છે. તેવુ પ્રદેશ ભાજપમાં પણ ચર્ચાઇ રહ્યુ છે. પરંતુ એક વાયરલ થયેલી ઓડીયો ક્લીપે ફરી કેસને નવો વળાંક આપ્યો છે. કેમકે આ ઓ઼ડીયો ક્લીપ જેન્તીભાઇની સેક્સલીલાની સીડી વાયરલ થઈ તે પહેલાની હોવાનુ મનાય છે. આ ઓડિયો ક્લીપમાં બે રાજકીય મોટામાથા સમાધાન માટેના પ્રયત્નો કરતા હોવાની ચર્ચા થઇ રહી છે.જોકે, ન્યુઝ4કચ્છ આ ઓડીયો ક્લિપની સત્યતાની પુષ્ટી નથી કરતુ. પરંતુ જો તે સાચી હોય તો સવાલ એ થાય છે કે રાજકીય દુશ્મની વચ્ચે સમાધાન કેમ ન થયુ? અને જો સમાધાન થયુ હોય તો દુષ્કર્મનો આ કિસ્સો શું સામે આવત?

હવે શું થશે? તેની અનેક ચર્ચાઓ થઈ રહી છે

કચ્છના બહુચર્ચીત નલિયાકાંડનો કિસ્સો સામે આવ્યા બાદ એક વર્ષ સુધી તે ગરમ રહ્યો પરંતુ જેમજેમ કેસ આગળ વધતો ગયો તેમ યુવતીના હોર્સસ્ટાઇલ થવાના અહેવાલો સામે આવતા ગયા ત્યારે પણ પોલિસબેડામાં એ ચર્ચા હતી. કે રાજકીય દબાણ વચ્ચે પોલિસે કરેલી કાર્યવાહીનુ પરિણામ આવુ કેમ.. ત્યારે આ કિસ્સામાં પણ પોલિસ અને સરકાર મૌન છે. બાકી બધા બોલી રહ્યા છે. અને રોજ નવા નવા વંણાક આવી રહ્યા છે. પહેલા પૂર્વ પતિ પછી છબીલભાઇ અને પછી પિડીતા અને ત્યાર બાદ જેન્તીભાઇના પરિવારજનો મીડીયા સમક્ષ આવ્યા તમામે પોતાના પક્ષ રજુ કર્યા. પરંતુ અત્યાર સુધીની તપાસ પછી પોલિસે કોઇ ઠોસ નિવેદન કે કાર્યવાહી કરી હોય તેવુ ક્યાંય સામે આવ્યુ નથી. તો પોતાના પક્ષના મોટા નેતાને સંડોવતા આ કેસમાં સરકારે પ્રાથમીક તપાસ બાદ કોઇ કાર્યવાહી કરી નથી. જો કે સરકારના મૌન વચ્ચે જેન્તીભાઇ અને છબીલભાઇની રાજકીય કડવાશ જાહેરમાં સામે આવી ગઇ છે. પરંતુ ભાજપે નથી પક્ષના કાર્યકરો સામે કોઇ કાર્યવાહી કરી કે નથી દુષ્કર્મકાંડમાં ઉંડા ઉતરી પોતાની ભૂમીકા સ્પષ્ટ કરી .જેની દુરોગામી અસર કે પરિણામ ચોંકાવનારું આવશે.
દુષ્કર્મ કેસની ગંભીરતાને ધ્યાને લેતા આ મામલો ન્યાયાધીન હોય તેમાં વિશેષ ટીપ્પણી કદાચ કાયદાનુ અપમાન ગણાશે. પરંતુ મહિલાના ચારિત્ર્ય મામલે પડદા પાછળ થઇ રહેલા રાજકીય ખેલ મુદ્દે પોલિસ પણ મૌન છે અને સરકાર પણ !! કેમકે ઓડીયો વીડીયોની સાથે માધ્યમો મારફતે કેસમાં રોજ નવા વળાંકો આવી રહ્યા છે. પરંતુ સરકાર કે પ્રદેશ ભાજપના મોવડીઓ આ મામલે નથી કઇ બોલવા તૈયાર કે નથી કોઇ પગલા લેવા તૈયાર!! જો કે દુષ્કર્મકાંડ બાદ જેન્તીભાઇ અને છબીલભાઇની રાજકીય લડાઇ સૌ કોઇની સામે જગજાહેર થઇ ગઇ છે. પરંતુ,મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના દાવા વચ્ચે સરકારે મૌન તોડી વાસ્તવિકતા સાથે ખુલ્લીને આવવાની જરૂર છે. જો કે ચર્ચા એવી પણ છે. કે દિલ્હી હાઇકમાન્ડના આદેશ બાદ જ પ્રદેશ ભાજપ કોઇ પગલા ભરવા સાથે મૌન તોડશે.