દેશની રાજધાની દિલ્હીનો અનુભવ મોટાભાગે કડવો થતો હોઈ લોકો દિલ્હીને ઠગ નગરી તરીકે ઓળખે છે. પણ આજે વાત કરવી છે, કચ્છના ત્રણ યુવાનોને થયેલા દિલ્હીના અનુભવ ની !! ભચાઉના ફોટોગ્રાફર ધનસુખ સોલંકી, વિકાસ રાજગોર અને ઉમીયાશંકર જોશી હિમાચલ પ્રદેશ ગયેલા ત્યાંથી દિલ્હી જવા તેમણે ચંડીગઢ રેલવે સ્ટેશને કાલકા એક્સપ્રેસ ટ્રેન પકડી. તેઓ ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશને ઉતર્યા અને સાંસદ વિનોદ ચાવડાના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા. અહીં સુધી તો બધું જ બરાબર હતું પણ ટેક્સી માં થી સામાન કાઢતી વેળા એ બધા જ ચોંકી ગયા. કારણ? સામાન માં થી ₹ બે થી અઢી લાખની કિંમતના કેમેરા સાથેના સાધનો વાળી બેગ ગાયબ હતી. ત્રણેય મિત્રો ધનસુખ સોલંકી, વિકાસ રાજગોર અને ઉમિયાશંકર જોશી હાંફળાફાંફળા થઈ ગયા. દરમ્યાન તેમને મુકવા આવેલા મુસ્લિમ ટેક્સી ચાલક તુરત જ મદદે આવ્યો અને સૌ ફરી વાર ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશને પહોંચ્યા પણ અહીં નિરાશા સાંપડી. કારણ, કાલકા એક્સપ્રેસ ટ્રેન ન્યૂ દિલ્હી થી આગળ જવા રવાના થઈ ગઈ હતી. હવે કરવું શું? કિંમતી કેમેરા બેગ પરત મળશે કે નહીં મળે તેવા વિચારો અને ટેન્શન સાથે તેમણે કેમેરા બેગ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા. સાંસદ વિનોદ ચાવડાએ ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશનના સ્ટેશન મેનેજર સાથે વાત કરી. પણ, કેમેરા બેગ નો તો ક્યાંય પતો ન મળ્યો. છતાંય પ્રયત્નો શરૂ રાખતા આ ત્રણેય કચ્છી યુવાનો બીજે દિવસે વહેલી સવારે ન્યૂ દિલ્હી પરત આવતી કાલકા એક્સપ્રેસ ટ્રેન માં પોતાની ખોવાયેલી કેમેરા બેગ જોવા પહોંચ્યા. મનમાં તો ઉચાટ અને ચિંતા હતી આ દિલ્હી છે અને તે ઠગ નગરી તરીકે ઓળખાય છે એટલે બેગ નહીં મળે.દરમ્યાન કાલકા એક્સપ્રેસ ટ્રેન માં પ્રવાસીઓ ને કિચન સર્વિસ આપતા મેનેજર યશવીર યાદવ તેમના ૩૫ જેટલા વેઇટરો ના સ્ટાફ સાથે તેમને મળ્યા અને કહ્યું કે ખોવાયેલી કેમેરા બેગ અમારી પાસે છે. તમે રેલવેના ડબ્બામાં આ બેગ ભૂલી ગયા હતા. હવે આ ત્રણેય કચ્છી યુવાનો માટે આ આશ્ચર્યનો આંચકો હતો. કારણકે, કેમેરા બેગ પરત મળશે એ આશા તેમને નહોતી. આજે છાશવારે ટ્રેન માં સામાન ની ચોરી થઈ જતી હોય ત્યારે બે થી અઢી લાખની કિંમતના કેમેરા સાથેની બેગ ક્યાંથી પાછી મળે? અને તેમાંયે પાછું દિલ્હી માં? ધનસુખ સોલંકી ન્યૂઝ4કચ્છ સમક્ષ લાગણી વ્યક્ત કરતા કહે છે કે, કેમેરા બેગ જે રીતે રેલવે માંથી પાછી મળી એ જોઈને એવું થયું કે, દિલ્હી માં હજીયે દરિયાદીલી છે. રેલવે કિચન સર્વિસ સાથે સંકળાયેલા અંબુજ હોટલ સર્વિસના મેનેજર યશવીર યાદવ અને સ્ટાફે દિલ્હી ને ઠગોનું શહેર કહેનારા લોકો ના ગાલ પર તમાચો માર્યો છે. યશવીર યાદવ અત્યાર સુધી માં સેંકડો રેલવે પ્રવાસીઓ ને તેમનો ટ્રેન માં ભુલાયેલો સામાન પાછો આપી ચુક્યા છે. આ કિસ્સાએ ખરા અર્થમાં ‘મેરા દેશ બદલ’ રહા હૈ એવો અહેસાસ કરાવ્યો છે.