૯૩ વર્ષની વયના અટલજી ના દુઃખદ નિધન પછી જે રીતે સોશ્યલ મીડીયા ઉપર યુવાનો થી માંડીને વૃદ્ધો સહિત લાખોની સંખ્યામાં શ્રદ્ધાંજલી અર્પી છે એ દર્શાવે છે કે આ કવિ હ્ર્દયી રાજનેતા તેમના મૃત્યુને પણ અમર કરી ગયા છે. પહેલા જનસઘ અને પછી ભાજપ સાથે સંકળાયેલા અટલજી મુઠી ઉંચેરા નેતા હતા તેનો અનુભવ કચ્છે પણ કર્યો હતો.
જ્યુબિલી ગ્રાઉન્ડમાં ૨૧ લાખ ₹ લેતી વખતે અટલજીએ શું કહ્યું?
અટલજી ૧૯૯૮માં પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે પણ કચ્છ આવ્યા હતા. ભુજ ના જ્યુબિલી ગ્રાઉન્ડમાં કચ્છ ભાજપે તેમને ૨૧ લાખ ₹ ની થેલી અર્પણ કરી હતી. તત્કાલીન કચ્છ ભાજપ પ્રમુખ સ્વ. નરેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી અરુણ વછરાજાની પાસેથી ૨૧ લાખ ₹ લેતા પહેલા અટલજીએ તેમની પાસેથી બેંક ની પાસબુક માંગી હતી, અને કારણમાં કહ્યું હતું કે બેંક માં બેલેન્સ હોય તો જ હું ચેક લઈશ. જોકે, વાત અહીં પુરી થતી નથી. તત્કાલીન વડાપ્રધાન અટલજીએ કચ્છ ભાજપ પાસે થી મળેલા ૨૧ લાખ ₹ માંથી ૬ લાખ ₹ ગાયો ના ઘાસચારા માટે આપ્યા હતા,અને બાકીના ૧૫ લાખ ₹ કચ્છ ભાજપ ના કાર્યાલય માટે આપ્યા, જેમાંથી ભુજ માં ભાજપ કાર્યાલય બન્યું છે.
ભૂકંપ સમયે કેશુભાઈ અને સુરેશભાઈને શું કહ્યું?
૨૦૦૧ ના ગોઝારા ભૂકંપ સમયે કચ્છ ના પ્રવાસે આવેલા તત્કાલીન વડાપ્રધાન અને કવિ અટલજીના ઋજુ હૃદયનો અનુભવ સૌને થયો હતો. કચ્છ માટે તેમણે જે એક મોટું કામ કર્યું એ હતું ભૂકંપ પછી લોકોની હિજરત રોકવા કચ્છ માટે જાહેર કરેલ ‘ટેક્સ હોલી ડે’ !! તે માટે કચ્છ હંમેશા અટલજીનું ઋણી રહેશે. ભુજ ના ઉમેદભુવન મા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાને અટલજીએ વ્યથિત હૃદયે પૂછ્યું હતું કે બોલો કચ્છને બેઠું કરવા શું કરવાનું છે? ત્યારે તેમણે પહેલું કામ કર્યું હિજરત રોકવા માટે ટેક્સ હોલી ડે જાહેર કરવાનું અને બીજું કામ કર્યું અદ્યતન જિલ્લા સરકારી હોસ્પિટલ બનાવવાનું!! વાત વાતમાં તેમણે જાણ્યું કે ઘાયલોની સારવાર માટેની હોસ્પિટલ જ ભૂકંપમાં પડી ગઈ છે. ત્યારે તેમણે તુરત જ વડાપ્રધાન રાહત ભંડોળ માંથી ૧૨૫ કરોડના ખર્ચે ભૂકંપપ્રુફ ભુજની હાલની જી. કે. જનરલ હોસ્પિટલના નિર્માણ ની અને એઇમ્સ હોસ્પિટલની જાહેરાત કરી એટલું જ નહીં ઝડપભેર બને તે સુનિશ્ચિત કર્યું. જોકે, અટલજીનું એઇમ્સ નું સપનું સાકાર કરવામાં ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફળ રહી .આ સિવાય ભુજને આધુનિક એરપોર્ટ, ગાંધીધામ ભુજ વચ્ચેની બ્રોડગેજ લાઇન, સુવર્ણ ચતુર્ભુજ યોજના અંતર્ગત કંડલા થી દેશના વિવિધ શહેરોને જોડતા એક્સપ્રેસ હાઈ વે, આ બધુ જ અટલજીના કાર્યકાળ માં બન્યું.
કચ્છનું અટલનગર આપશે રવિવારે અટલજી ને અંજલી..
ભુજ તાલુકા નું ચપરેડી ગામ ભૂકંપ માં ધ્વંશ થયું હતું. જેનું નવનિર્માણ સેવાભારતી દ્વારા કરાયું હતું. આજે અટલનગર તરીકે જાણીતા એ ગામનું લોકાર્પણ પણ તત્કાલીન વડાપ્રધાન અટલજીએ જ કર્યું હતું. તેમના દુઃખદ નિધન ના સમાચારને પગલે ગ્રામજનોએ તેમને અંજલી આપવા રવિવારે અટલનગર માં શોકસભાનું આયોજન કર્યું છે.
કચ્છ કી ધરતી દેશ કી ધરતી
પાકિસ્તાન સાથેના ૧૯૬૫ ના યુદ્ધ પછી કચ્છના છાડબેટનો હિસ્સો પાકિસ્તાન ને સોંપવાના નિર્ણય સામે તે સમયે મોટું આંદોલન થયું હતું. ‘કચ્છ કી ધરતી દેશ કી ધરતી’ એ સૂત્ર સાથે થયેલા આંદોલન દરમ્યાન દેશના ધુરંધર નેતાઓ તેમાં જોડાયા હતા. અટલજી તે સમયે ખાસો સમય કચ્છમા રોકાયા હતા. આજે અટલજી આપણી વચ્ચે સદેહે નથી પણ તેમના કચ્છ સાથેના સંસ્મરણો હમેંશા આપણા હૃદયમાં રહેશે.