Home Current ચોક્કસ ગુન્હાઓમાં કચ્છ પોલિસની માનસિકતા,વ્યવહાર અને નિયમો કેમ બદલાઇ જાય છે?

ચોક્કસ ગુન્હાઓમાં કચ્છ પોલિસની માનસિકતા,વ્યવહાર અને નિયમો કેમ બદલાઇ જાય છે?

1697
SHARE
અખબાર,ટીવી માધ્યમો અને સોશિયલ મીડીયા મારફતે આજે દરેક સમાચાર તેના ફોટો અને તે ગુન્હાની વિસ્તૃત માહિતી લોકો પાસે ઝડપી રીતે પહોંચી રહી છે.પરંતુ કેટલાક કિસ્સા એવા છે. જે લોકો સુધી પહોંચે છે. પરંતુ અધુરા.. ત્યારે ચોક્કસ લોકોને પ્રશ્ર્ન થાય કે આ કિસ્સામાં આવુ કેમ ? આમતો એવા કિસ્સા અનેક છે અને તેનુ લિસ્ટ લાંબુ છે  સંમયાતરે આવી ઘટના બનતી રહે છે પરંતુ હાલમાં જ્યારે પોલિસ જુગારીઓ પર ત્રાટકી રહી છે ત્યારે પોલિસના ભેદભાવ કહો કે કામગીરીની વ્યસ્તતા પરંતુ કામગીરી બાદ એ પ્રશ્ર્ન ચોક્કસ થાય કે આ કિસ્સામાંજ કેમ પોલિસનો વ્યવહાર પોલિસની નિતી અલગ તરી આવે છે? પશ્ર્ચિમ કચ્છ પોલિસે તાજેતરમાંજ આવી એક જુગાર ક્લબ પકડી જેમાં શિવસેનાના કચ્છ જીલ્લાના પ્રમુખ જુગાર રમતા ઝડપાયા પરંતુ જ્યારે પ્રેસનોટ જાહેર થઇ ત્યારે ફોટામાં શિવસેના પ્રમુખ માધુભા સોઢા ગાયબ હતા તો પુર્વ કચ્છ પોલિસે પાડેલા એક દરોડામા તો હદ્દ કરી નાંખી મુદ્દામાલના ફોટો અને પ્રેસનોટ તો ઇસ્યુ કરી પરંતુ આરોપીના ફોટો જ નહી……કદાચ માની લઇએ કે આ કિસ્સામાં પોલિસનો કોઇ ખરાબ ઉદ્દેશ નહી જ હોય.પરંતુ, પ્રશ્ર્ન ચોક્કસ થાય કે આ કિસ્સામાંજ કેમ આવુ બન્યુ….?

ગુનો દાખલ કર્યા પછી ઢાંકપીછોડો કરવાનો પોલિસનો શું ઉદ્દેશ્ય?

તાજેતરમાં જ શ્રાવણની શરૂઆત સાથે પુર્વ અને પશ્ર્ચિમ કચ્છની મહત્વની બ્રાન્ચ અને પોલિસ સ્ટેશન દ્વારા અનેક દરોડોની કાર્યવાહી થઇ જેની પ્રેસનોટ અને ફોટો પણ ઇસ્યુ કરાયા પરંતુ જ્યારે વાત વગદાર વ્યક્તિઓની ચર્ચામા આવી ત્યારે એવા ઘણા કિસ્સામાં એવુ બન્યુ કે જુગારી મહાશયો ક્યાંય દેખાયા નહી. જેમાં ભુજના ઝુરા ગામે પોલિસે પાડેલા દરોડામા માધુભા સોઢા ક્યાય દેખાયા નહી તો બીજી તરફ આડેસર પોલિસે મધરાતે એક ફાર્મહાઉસ પર દરોડો પાડી 14 જુગારીઓને 17.59 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા જેની પ્રેસનોટ પણ ઇસ્યુ કરી કારના ફોટા પણ મોકલાયા. પરંતુ કચ્છભરમાંથી જુગારનો શોખ પુરો કરવા આવેલા જુગારીઓનો ફોટો ક્યાય દેખાયો નહી. જો કે આ અંગે આડેસર પોલિસના અધિકારીનો સંપર્ક કરવા પ્રયત્ન કરાયો પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો નહી. આમ તો, આ લિસ્ટ લાંબુ છે. ગાંધીધામ એ ડીવીઝન પોલિસે ઝંડાચોકમાંથી આવીજ પ્રતિષ્ઠીત વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી હતી પરંતુ તેમાય ક્યાય આરોપીઓ દેખાયા નહી. જ્યારે જુગારની નાની-નાની કાર્યવાહીમા પણ પોલિસ પ્રેસનોટ સાથે ફોટો મુકવાનુ ચુકતી નથી. નામ સાથે પણ આરોપીની ઓળખ તો થવાની જ છે. તો પછી શા માટે પોલિસે ચોક્કસ કિસ્સામાં ગુન્હેગારની ફોટોરૂપી ઓળખ ન આપી પોતાની છબી સમાજમાં ખરડે છે.

પોલિસે પ્રજા સમક્ષ ખરડાયેલી છબી સુધારવા આ માનસિકતા અને ભેદભાવ બદલવાની પણ જરૂર છે

કાયદો તમામ માટે સરખો હોય છે. તેવુ પોલિસ ભલે કહેતી હોય પરંતુ એવા કિસ્સાઓ પણ અનેક છે. જેમા કાયદાના દાયરામા આવેલા લોકોને પોલિસની ભેદભાવ ભરી નિતીનો સામનો કરવો પડ્યો હોય અને ક્યાક આમ પ્રજા પણ માધ્યમો મારફતે સમાચાર જોઇ આ ભેદભાવને પારખી ગઇ હોય ત્યારે સવાલ એ ચોક્કસ છે. કે શા માટે હિસ્ટ્રીશીટર ગુન્હેગારો પર પોલિસ આવી મીઠી નઝર રાખી પોતાની છબી ખરડે છે. તેનો ઉદ્દેશ શુ છે? તે તો પોલિસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી જાણે. પરંતુ આમ પ્રજાના મનમાં એ પ્રશ્ર્ન જરૂર થાય કે શા માટે ચોક્કસ કિસ્સામાં આવા ગુન્હેગારના ચહેરા બેનકાબ થતા નથી. કદાચ પોલિસની આ માનસિકતા પ્રજાને પોલિસ થીદુર લઇ જઇ રહી છે. ત્યારે વિવિધ કાર્યક્રમો કરી પ્રજા સાથે સેતુ બાંધવા સાથે પોલિસે આ માનસિકતા અને વ્યવહાર બદલવાની પણ જરૂર છે.
પોલિસની આવી તમામ કાર્યવાહી પર આ સવાલો ઉઠાવવાનો ઉદ્દેશ પોલિસનુ મોરલ તોડવાનો નથી. પરંતુ પ્રશ્ર્ન ચોક્કસ થાય કે શા માટે એક સમાન ગુન્હા એક સમાન કાયદા હેઠળ થયેલી કાર્યવાહીમાં પોલિસની નિતી-વ્યવહાર અને માનસિકતા જુદ્દી હોય છે. શુ નાના માણસો કરે એજ ગુન્હો છે. મોટા માથા માટે તે કાયદો વ્યવહારમાં બદલી જાય છે. એનુ આત્મમંથન પોલિસના ઉચ્ચ અધિકારીઓને કરવાની જરૂર છે. જો કે માત્ર કચ્છ નહી પરંતુ ગુજરાતના પણ અનેક એવા કિસ્સાં છે. જેમાં પોલિસે કાર્યવાહી બાદ લાજ કાઢવાનો પ્રયત્ન કર્યો હોય…. જે કિસ્સા કદાચ સમાજમાં પોલિસ ની છબી સામે સવાલ સર્જી રહ્યા છે.