અત્યારે સમગ્ર દેશમાં ચર્ચા ઇન્ડોનેશિયા ના જાકાર્તા માં રમાતી એશિયન ગેમ્સ ની થઈ રહી છે. આ એશિયન ગેમ્સમાં ગુજરાતના ડાંગ ની સરિતા ગાયકવાડે રિલે દોડ મા ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું અને દેશનું ગૌરવ વધાર્યું છે. એ જ રીતે એશિયન ગેમ્સ માં પ્રથમ જ વાર સમાવેશ કરાયેલ ઇ-સ્પોર્ટ્સ ની ડેમો ગેમ માં કચ્છી યુવાન તીર્થ મહેતાએ બ્રોન્ઝ મેડલ મેળવીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. તીર્થ મહેતાએ ઇ-સ્પોર્ટ્સ એટલે કે કોમ્પ્યુટર ઉપર રમાતી ગેમ ‘હાર્થસ્ટોન’ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે”હાર્થસ્ટોન’ માં ભારત નો નંબર ત્રીજો રહ્યો છે. તીર્થ મહેતા હવે એશિયન ગેમ્સ માં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી હવે ૨૦૨૧ માં રમાનાર ઓલિમ્પિક માં ભારત વતી રમશે.
આપણા ભુજ ના તીર્થ ની શું છે સિદ્ધિ ?
તીર્થ મહેતાએ નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવી છે. ઇન્ડોનેશિયા માં એશિયન ગેમ્સ માં ‘હાર્થસ્ટોન’ ગેમ માં દેશનું પ્રતિનિધિત્વ કરનાર તીર્થ મહેતા એક માત્ર ઇ-સ્પોર્ટ્સ પ્લેયર છે. સાઉથ એશિયા વતી પણ એશિયન ઇ-સ્પોર્ટ્સ ફેડરેશન AESF દ્વારા આયોજિત શ્રીલંકા અને પાકિસ્તાન ને હરાવી ને ઇ-સ્પોર્ટ્સ ‘હાર્થસ્ટોન’ માં એશિયન ગેમ્સ માં સિલેક્ટ થનાર તીર્થ પ્રથમ ખેલાડી છે. એશિયન ગેમ્સ માં તીર્થ મહેતાનો મુકાબલો ટફ હતો ઈન્ડોનેશિયા, વિયેતનામ, જાપાન, હોંગકોંગ ના ખેલાડીઓ વચ્ચે તીર્થ ની ટક્કર હતી. જેમાં તીર્થ મહેતાએ ત્રીજે નંબરે આવીને એશિયન ગેમ્સ માં કાંસ્ય ચંદ્રક મેળવીને કચ્છ, ગુજરાત અને ભારતનું નામ પ્રથમ જ વાર ખેલાયેલ ઇ-સ્પોર્ટ્સ માં રોશન કર્યું છે. ભુજ ના તીર્થ મહેતા ના મમ્મી ઇલાબેન અંજારીયા મહિલા કલ્યાણ કેન્દ્ર માં ફરજ બજાવે છે. જ્યારે પપ્પા હિરેન મહેતા સેલ્સ ટેક્સ કચેરી માંથી નિવૃત થયા પછી એસ્ટેટ બ્રોકર ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેના કાકા કપિલ મહેતા અને અતુલ મહેતા કચ્છ માં ક્રિકેટ ના સારા ખેલાડી તરીકે જાણીતા છે. તીર્થ હિરેન મહેતાને ઇ-સ્પોર્ટ્સ માં મળેલ બ્રોન્ઝ મેડલ ની સિદ્ધિ બદલ વડનગરા નાગર સમાજ, હાટકેશ યુથ ક્લબ અને મહિલા મંડળે અભિનંદન આપ્યા છે. દરમ્યાન તીર્થ ના પરિવાર વતી તેના ભાઈ દક્ષ મહેતાએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ‘હાર્થસ્ટોન’ ની આ ડેમો ગેમ હતી હવે એશિયન ગેમ્સ માં તે સફળ રહી એટલે તેને હવે ઓલિમ્પિક માં રમવા માટેની માન્યતા મળશે. ૨૦૨૧ માં ઓલિમ્પિક ગેમ્સ માં ‘હાર્થસ્ટોન’ ની ગેમ માં ભારતનું નેતૃત્વ કરી સફળતા અપાવે એવી શુભેચ્છા. આમેય એશિયન ગેમ્સ માં પહોંચીને સમગ્ર દેશ વતી પ્રતિનિધિત્વ કરવાની સિદ્ધિ નાની સુની તો નથી જ. કચ્છ ને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર તીર્થ ને અભિનંદન.