Home Current દેના,વિજયા અને બરોડા બેંક ના મર્જર સામે ભુજ માં બેંક યુનિયન દ્વારા...

દેના,વિજયા અને બરોડા બેંક ના મર્જર સામે ભુજ માં બેંક યુનિયન દ્વારા વિરોધ-હજી બીજી ૩ બેંકોનું મર્જર?

1366
SHARE
મોદી સરકાર દ્વારા સરકારી બેંકો દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડા ના થઇ રહેલા મર્જર વિરૂદ્ધ ભુજમાં બેંક યુનિયન દ્વારા દેખાવો કરાયા હતા. આ અંગે UFBUના કચ્છના કન્વીનર અશોક ભટ્ટના જણાવ્યા પ્રમાણે દેશની ૨૧ રાષ્ટ્રીયકૃત બેંકો ના તમામે તમામ ૯ યુનિયનો ના ફેડરેશન યુનાઇટેડ ફોરમ ઓફ બેંકસ યુનિયન ના દેશના ૯ લાખ જેટલા બેંક કર્મચારીઓ મોદી સરકારના આ નિર્ણય સામે નારાજ છે. સૂત્રોચ્ચાર સાથે કરાયેલા આ વિરોધમાં કચ્છ માં કાર્યરત સરકારી બેંકો ના યુનિયન ના આગેવાનો અશોક ભટ્ટ (દેના બેંક), રિતેશ શાહ (બેંક ઓફ બરોડા), નરેશ દાવડા (યુનિયન બેંક), સુનિલ ઠક્કર (સિન્ડિકેટ બેંક), સાગર જોશી (કેનેરા બેંક), વિશાલ મકવાણા (બેંક ઓફ ઇન્ડિયા), મહિલા હોદ્દેદાર ઊર્મિલાબેન ઠક્કર ઉપરાંત અધિકારી સંવર્ગના રવિ અગ્રવાલ (દેના બેંક), દુષ્યંતસિંહ રાણા (બેંક ઓફ બરોડા), જીજ્ઞેશ કંસારા (બેંક ઓફ ઇન્ડિયા), હમીર મહેશ્વરી (કેનેરા બેંક) ની ઉપસ્થિત માં કેન્દ્ર સરકારના મર્જર નો ઉગ્ર વિરોધ કરી ને ભવિષ્ય માં બેંક હડતાલ સહિતની ચીમકી આપવામાં આવી હતી.

મર્જર થી બેંકોને, ગ્રાહકોને નુકસાન ઉપરાંત બેરોજગારી વધશે

ત્રણેય બેંકો ના મર્જર થી તેમાં કામ કરતા લગભગ ૮૫ હજાર બેંક કર્મચારીઓ માટે કામ કેવી રીતે કરવું એ સમસ્યા થશે. એવું કહેતા અશોક ભટ્ટે જણાવ્યું હતું કે,ત્રણ બેંકો દેના, વિજયા અને બરોડા બેંક મર્જર થઈ ને નવી બેંક બનાવાશે પરિણામે ત્રણેય બેંકની જ્યાં શાખાઓ છે ત્યાં ત્રણ ને બદલે એક જ શાખા થશે. એટલે કર્મચારીઓ ની છટણી પણ થઈ શકે છે તો નવી ભરતી બંધ થશે એટલે રોજગારી ઘટશે. તો ગામડાઓ ની બેંક શાખાઓ બંધ થશે. મોનોપોલી વધવાના કારણે ખાનગી બેંકોની જેમ ગ્રાહકોને વધુ બેન્કિંગ ચાર્જ ચુકાવવો પડશે. બેંક યુનિયન ના આક્ષેપ પ્રમાણે સરકાર NPA વસૂલવા ને બદલે કરજદારો ને રાહત આપી રહી છે. જો, લેણા વસુલવામાં સરકાર કડકાઈ દાખવે તો બેંકો નું NPA ઘટી જાય તેમ છે. આ ઉપરાંત અગાઉ સ્ટેટ બેન્ક ની સબસીડીયરી બેંકો નું મર્જર થયું તેમાં NPA ઘટવાને બદલે સ્ટેટ બેંકનું NPA વધી ગયું છે. મર્જર થી બેંક કર્મચારીઓ ઉપરાંત ગ્રાહકોને નુકસાન જ જશે.

વધુ ત્રણ બેંકોના મર્જર ની ચર્ચા

મોદી સરકાર નોટબંધી, GST પછી પણ હજી આકરા પગલાંઓ ભરી રહી છે. ખાસ કરીને વિજય માલ્યા અને નીરવ મોદી ના બેંક ઘોટાળાઓ એ મોદી સરકાર ને બચાવ ની સ્થિતિ મા મૂકી દીધી છે. સામાન્ય લોકો ના મનમાં મોટા ડિફોલ્ટરો અને બેન્કિંગ સિસ્ટમ પ્રત્યે પણ તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે. જોકે, સરકારી બેંકો ના કર્મચારી યુનિયન નું કહેવું છે કે અમુક મુઠીભર ઉદ્યોગપતિઓ એ જ કરોડો ની લોન લીધી છે એમની પાસે સરકારે કડકાઈ થી પૈસા વસૂલવા જોઈએ. તો, NPA ઘટી જશે અને બેંકો નું મર્જર કરવાની જરૂર નહીં પડે. પણ, મોદી સરકાર હવે વધુ ૩ સરકારી બેંકો ના મર્જર કરશે એવી ચર્ચા છે. આ ત્રણ બેંકો મા યુકો બેંક, અલ્હાબાદ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, ૨૦૧૯ લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર ૨૧ સરકારી બેંકોનું મર્જર કરીને માત્ર ૯ જ સરકારી બેંકો રહે તેવું વિચારી રહી છે. લોન કૌભાંડો એ બેંકો ને વગોવી છે એ કડવું સત્ય છે, એટલે જ કદાચ બેંકિંગ ની મર્જર પ્રક્રિયા દરમ્યાન બેંક કર્મચારીઓ ના વિરોધને બેંકના ગ્રાહકોનું પણ પૂરતું સમર્થન નથી મળતું. સરકારી બેંકોએ પહેલાંની જેમ જ ગ્રાહકોનો વિશ્વાસ જીતવાની જરૂર છે અને સરકારી બેંકોના કર્મચારીઓએ આ વાત સમજવી પડશે.