સમગ્ર કચ્છમા ઉઠી રહેલી ઘાસ અને પાણી ની અછત ની બુમરાણને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આજે ભુજમાં મહત્વની બેઠક યોજી હતી. કચ્છની સ્વૈચ્છીક સંસ્થાઓ અને પ્રજાકીય પ્રતિનિધિઓની સાથે મુખ્યમંત્રી વિજયભાઈએ ચર્ચા કરીને અછતની પરિસ્થિતિ જાણી હતી. છેલ્લા ઘણા દિવસો થી કચ્છના સોશ્યલ મીડીયા, પ્રિન્ટ મીડીયા અને ઇલેક્ટ્રોનિક મીડીયા મા પણ અછતની દારુણ પરિસ્થિતિને કારણે ભૂખમરો વેઠતા પશુઓ ના અહેવાલો સતત પ્રસારિત થતા રહ્યા છે. આજે સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધિઓ અને પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ કચ્છના અધિકારીઓએ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાસ્તવિક પરિસ્થિતિ થી વાકેફ કર્યા હતા. સતત ૩ વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી અઢી કલાક કચ્છની પરિસ્થિતિ નો અભ્યાસ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડીયા સાથે કરેલી વાત દરમ્યાન મહત્વની જાહેરાત કરી હતી.
જાણો મુખ્યમંત્રી એ શું કરી જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર કચ્છ જિલ્લા ની પરિસ્થિતિ અછતગ્રસ્ત હોવાની જાહેરાત કરીને ૧લી ઓક્ટોબર થી કચ્છ જિલ્લામાં અછતની કામગીરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અછત જાહેર થતાં જ હવે સરકાર દ્વારા ઢોરવાડા શરૂ કરવાની મંજૂરી મળશે, તેમ જ પાંજરાપોળ ગૌશાળાઓ ને પશુ દીઠ સબસીડી પણ મળશે. આ સિવાય રેલવે દ્વારા વલસાડ થી ઘાસ કચ્છ મોકલવામાં આવશે અને તે માટે ઘાસના ટેન્ડર બહાર પડી ગયા હોવાનું મુખ્યમંત્રી એ જણાવ્યું હતું. અછત દરમ્યાન ગ્રામ્ય વિસ્તાર માં રોજગારી મળી રહે તે માટે ગાંડો બાવળ કાપીને કોલસા બનાવવાની મંજૂરી સરકાર આપશે. પીવાના પાણી માટે અત્યારે નર્મદાનું પાણી પૂરતું મળે અને ક્યાંય પાણી ચોરી ન થાય તેની ખ્યાલ રાખવામાં આવશે. વધારામાં કચ્છની પાણી ની સમસ્યા કાયમી રીતે હલ થાય તે માટે વધારાના ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચે સરકાર નર્મદાની લાઇન નાખશે એ મહત્વપૂર્ણ જાહેરાત પણ મુખ્યમંત્રી એ કરી હતી.
અછત માટે જિલ્લા કક્ષાની કમીટી, જેમાં મહાજન અને માલધારીઓનો સમાવેશ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અછત માટે જિલ્લા કક્ષાની ખાસ એક સમિતિ ની જાહેરાત કરી હતી. જેમાં કલેકટર,અન્ય અધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો ઉપરાંત મહાજન ના ત્રણ પ્રતિનિધિઓ અને એક માલધારી પ્રતિનિધિ નો સમાવેશ થશે. કલેકટરના અધ્યક્ષ પદે આ સમિતિ ની બેઠક દર ૧૫ દિવસે મળશે અને અછતની પરિસ્થિતિ ની ચર્ચા વિચારણા કરીને મહત્વના નિર્ણયો આ સમિતિ કરશે. પૂરતો વરસાદ ન પડે ત્યાં સુધી આ સમિતિ કાર્યરત રહેશે. કદાચ પ્રથમ જ વખત સરકારે આ રીતે લોકોને સામેલ કરીને અછત ને પહોંચી વળવા સમિતિ બનાવવાની પહેલ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડીયા ના માધ્યમ થી કચ્છ અને કચ્છ બહાર રહેતા કચ્છી દાતાઓ ને અછત દરમ્યાન પશુઓને બચાવવા વતન ની વહારે આવવા અપીલ કરી છે. કચ્છ ઉપરાંત રાજ્યના અન્ય તાલુકાઓ જ્યાં પાંચ ઇંચ થી ઓછો વરસાદ પડ્યો છે ત્યાં પણ ૧ લી ઓક્ટોબરથી અછત લાગુ પડશે. રાજ્ય સરકાર કચ્છ માં ક્યાંય એક પણ પશુ નું મોત ન થાય તે માટે ચિંતિત હોવાની અને પાણી તેમ જ રોજગારી દ્વારા અછતની પરિસ્થિતિ ને પહોંચી વળવા મક્કમ હોવાની પ્રતિતી મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કરાવી છે.
કોણ રહ્યું હાજર?
આ બેઠક મા રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે. કૈલાસનાથન, પ્રભારી સચિવ જે. પી. ગુપ્તા, રાજ્યના રાહત કમિશનર એમ. આર. કોઠારી, એડીશનલ ચીફ કન્ઝરવેટર ફોરેસ્ટ ડી. કે. શર્મા, કલેકટર રેમ્યા મોહન, ડીડીઓ પ્રભવ જોશી, અધિક કલેકટર ડી. આર. પટેલ સહિત કચ્છ જિલ્લા ના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રજાકીય પ્રતિનિધિઓમાં રાજયમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, સંતોકબેન આરેઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા ઉપરાંત સ્વૈચ્છીક સંસ્થાઓ, ગૌશાળા પાંજરાપોળ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.