વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કેટલી ? એ મુદ્દો હમેંશા તેમના સમર્થકો મા વિરોધીઓ મા અને અવારનવાર મીડીયા દ્વારા કરાતા ઓપિનિયન પોલ મા પણ ચર્ચાનો વિષય રહ્યો છે. જોકે, આજે પણ માસ ને એટલેકે જનસમુહ ને આકર્ષવા મા મોદી દેશના નંબર વન સફળ નેતા છે એ વાત દેશના બધા જ વિરોધ પક્ષો માને છે. લાંબા સમય બાદ કચ્છ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા ૩૦ હજાર થીયે વધુ લોકો પ્રખર તાપ વચ્ચે ભૂખ અને તરસ સહન કરીને સભા ના સમય કરતા બે કલાક પહેલા થી જ ઉમટ્યા હતા. જોકે, હજારોની આ જનમેદની મા બાળકો અને મહિલાઓ હતા તો યુવાવર્ગ ની હાજરી પણ નોંધપાત્ર હતી. જોકે, વડાપ્રધાન મોદી ની આ જાહેરસભા મા બે મુસ્લિમ વામન બંધુઓ લોકો ના આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.
‘મોદી ના ફેન’ ત્રણ ફૂટ અને અઢી ફૂટની ઉંચાઈ ધરાવતા ‘વામન’ મુસ્લિમ બંધુઓ
હજારો ની જનમેદની વચ્ચે કયારેક ખુરશી ઉપર બેસીને કે ક્યારેક નીચે ઊભીને સ્ટેજ ઉપર મોદીને જોવા ડોકિયાં કરતા વામન બંધુઓ ન્યૂઝ4કચ્છ ની નજરે ચડ્યા. ૪૫ વર્ષના ઈલિયાસ નૂરમામદ ઘાંચી અને ૨૫ ના તેમના નાનાભાઈ આરીફ નૂરમામદ ઘાંચી છેક ૧૦૦ કીમી દૂર રાપરના પલાસવા ગામ થી અંજાર જાહેરસભા મા આવ્યા હતા. કારણ? ઈલિયાસ નૂરમામદ ઘાંચી ન્યૂઝ4કચ્છ ને કહે છે, મોદી ને જોવા!! ભર તડકે ભૂખ્યા તરસ્યા કાર્યક્રમ થી અઢી કલાક પહેલાં આવી ગયેલા આ બન્ને વામન બંધુઓ ને લોકો સતત જોઈ ને કઈક ને કઈક ટિપ્પણી ભલે કરતા હોય પણ આ બન્ને વામન ભાઈઓ ઈલિયાસ તેમ જ આરીફ લોકોની નજર કે ટિપ્પણી થી સહેજ પણ વિચલિત થયા વગર મોદી ને જોવા માં અને સાંભળવા માં વ્યસ્ત હતા. પોતે જાદુ નું કામ કરીને પેટિયું રળે છે એવું કહેતા આ બંધુઓ ની ઈચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની હતી. જોકે, પોતે મોદી ના ફેન છે અને મોદી ની ઝલક જોવા જ મુશ્કેલી વેઠી ને અહીં અસવ્યા હોવાનું કહેતા ‘વામન’ ઈલિયાસે ન્યૂઝ4કચ્છ સમક્ષ વાત કરતા પોતાની ‘વિરાટ’ ઇચ્છ વ્યક્ત કરતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદી સમક્ષ અમારે જાદુ ના ખેલ બતાવવા મળવું છે. આ વામન બંધુઓની ઈચ્છા પુરી થાય છે કે નહીં એ વાત તો આવનારો સમય જ કહેશે.