અત્યારે વર્તમાન અછત અને દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે ચારે તરફ ઘાસની બુમરાણ છે, ત્યારે કચ્છના વન વિભાગે છેલ્લા સાત વર્ષ માં કરોડો રૂપિયા ખર્ચીને ઘાસ ઉગાડ્યું તો છે, પણ એ ઘાસ જમીન ઉપર ઓછું અને કાગળ ઉપર વધુ દેખાઈ રહ્યું છે.
હા, આ કચ્છના વન વિભાગનો જાદુ છે. કારણકે, જે ઘાસ ઉગાડવા માટે કરોડો રૂપિયા ખર્ચાયા છે, તે ઘાસ ક્યા ગોડાઉન મા રખાયું? તેનો કેટલો સ્ટોક છે? એની વિગતો ખુદ વનવિભાગ પાસે પણ ઉપલબ્ધ નથી. આશ્ચર્યજનક વાસ્તવિકતા કહો કે પછી કૌભાંડ કહો તો કૌભાંડ, આંકડાકીય હકીકત સાથે કચ્છના વનવિભાગ ઉપર આ આક્ષેપ કચ્છના જાહેરજીવન ના કોંગ્રેસી આગેવાન આદમ ચાકીએ કર્યો છે.
ઘાસ માટે ના ખર્ચના આંકડા વાંચીને આપ પણ ચોંકી જશો…
રાજ્યના વનવિભાગના વિજિલન્સ અને પ્રોટેક્શનના મુખ્ય વન સંરક્ષક રામનમૂર્તિ ની સાથે મુખ્યમંત્રી, વનમંત્રી સહિતનાઓ ને લેખિત ફરિયાદ સ્વરૂપે આંકડાકીય હકીકતો સાથે આદમ ચાકીએ કરેલા કચ્છના વનવિભાગ સામેના કૌભાંડના આક્ષેપો ચોંકાવનારા છે. આ સમગ્ર કૌભાંડની તપાસ માંગતી લેખિત ફરિયાદ મા આદમ ચાકીએ આપેલી વિગતો અનુસાર ૨૦૧૪/૧૫ ના વર્ષ દરમ્યાન બન્ની ગ્રાસલેન્ડ વિભાગ અંતર્ગત સરાડો, બેરડો, તુગા(લુણા), સરગુ, ભીંરડીયારા રેન્જ મા ૫૦૦ હેકટર (૧૨૫૦ એકર) જમીન મા ઘાસ ઉગાડવા માટે વનવિભાગે ૮૨,૬૨,૧૬૯ ₹ ની જંગી રકમનો ખર્ચ કર્યો હતો. જે તેના પછીના વર્ષ દરમ્યાન ઘાસના વાવેતરના ખર્ચની રકમ અને જમીનનો વિસ્તાર પણ વધતો ગયો. ૨૦૧૫/૧૬ ના વર્ષ દરમ્યાન બેરડો, તુગા અને ભીંરડીયારા રેન્જ મા ૧૫૫૦ હેકટર (૩૮૭૫ એકર) જમીન મા ઘાસના વાવેતર માટે ૨,૩૬,૪૦,૮૪૮ ₹ નો ખર્ચ કરાયો, વર્ષ ૨૦૧૬/૧૭ દરમ્યાન સરાડો, બેરડો, તુગા(લુણા), સરગુ, ભીંરડીયારા રેન્જ મા ૧૪૬૦ હેકટર (૩૬૫૦ એકર) જમીનમાં ઘાસનું વાવેતર કરવા ૨,૯૫,૮૧,૩૩૨ ₹ નો ખર્ચ કરાયો, ૨૦૧૭/૧૮ ના વર્ષ દરમ્યાન સરગુ, ભીંરડીયારા રેન્જમાં ૧૩૦૦ હેકટર (૩૨૫૦ એકર) જમીન માં ઘાસનું વાવેતર કરવા ૩,૦૩,૧૦,૬૫૨ ₹ નો ખર્ચ કરાયો, ૨૦૧૮/૧૯ મા સરાડો, બેરડો, તુગા(લુણા) રેન્જ માં ૭૬૦ હેકટર (૧૯૫૦ એકર) જમીન માં ઘાસનું વાવેતર કરવા ૧,૭૭,૧૩,૧૫૧ ₹ નો ખર્ચ કરાયો, આજ વર્ષ ૨૦૧૮/૧૯ દરમ્યાન ગ્રાસલેન્ડ રિસ્ટોરેશન માટે ગીર ફાઉન્ડેશન યોજના તળે સરગુ, તુગા(લુણા), સરાડો રેન્જ મા ૨૫૦ હેકટર (૬૨૫ એકર) જમીન માં ઘાસના વાવેતર માટે ૬૭,૧૭,૮૧૧ ₹ નો ખર્ચ કરાયો. પણ, ઘાસ ક્યાં? આ ઘાસ ઉગ્યા પછી ક્યાં ગયું? તેનો સ્ટોક ક્યાં રાખ્યો? આદમ ચાકી સ્પષ્ટ શબ્દો માં કહે છેકે, કચ્છના વનવિભાગ પાસે હિસાબ નથી, એટલું જ નહીં, હમણાં ની અછતની પરિસ્થિતિમાં કચ્છના વનવિભાગ પાસે બન્ની માં વાવેલા ઘાસનો સ્ટોક પણ નથી. અરે, જમીન ઉપર ઘાસ કેટલું ઉગ્યું ,ગોડાઉન મા આ ઘાસનો કેટલો સ્ટોક છે, તે વિશે પણ કંઈ માહિતી નથી.
દુનિયાની શ્રેષ્ઠ ચારિયાણ ભૂમિ બન્ની માં અ.. ધ..ધ..૧૨ હજાર એકર જમીન મા ઘાસ વાવેલું ઘાસ કાગળ ઉપર જ ઉગ્યું ??
કોંગ્રેસી અગ્રણી આદમ ચાકીએ જે લેખિત ફરિયાદ કરી છે તે અનુસાર કુલ ૧૨ હજાર એકર જેટલી અ..ધ..ધ જમીન કે જેના ઉપર એક આખું નવું શહેર વસી જાય તેટલી જમીન ઉપર ઘાસ નું વાવેતર કરવા વનવિભાગે કરોડો ₹ નો ખર્ચ કર્યો, પણ પરિણામ ? બન્ની જેવી દુનિયાની શ્રેષ્ઠ ઘસિયા જમીન ઉપર ઉગેલું ઘાસ વાઢવા મા વનવિભાગ નિષફળ રહ્યું. આદમ ચાકીનો આક્ષેપ રાજકીય હોય તો પણ તે એક મોટા ઘાસકૌભાંડ ને ખુલ્લું પાડે છે. લાલુ જેવું મીની ઘાસચારા કૌભાંડ બન્ની માં આચરાયું છે જે માનવું એટલે પડે કે આટલા કરોડો ₹ ખર્ચ્યા પછી પણ કચ્છમા ઘાસ નો સ્ટોક જ નથી, અછત દરમ્યાન ઘાસ બહાર થી જ આવ્યું. વનવિભાગ પાસે પણ પોતે ઘાસ ઉગાડવા ખર્ચ કર્યો તેની વિગતો છે, પણ ઘાસ ના સ્ટોક ની માહિતી નથી. આદમ ચાકી એ તમામ ખર્ચ માટેના વાઉચરો તપાસવાની માંગ કરી છે, જેસીબી, ટ્રેકટર, જમીન લેવલીંગ, પાણી ના ટેન્કર સહિત ના બિલો ખોટા બન્યાની આશંકા વ્યક્ત કરી છે. ૨૦૧૪ થી કરીને ૨૦૧૮ દરમ્યાન બન્ની ઘાસ વાવેતર માટે ખર્ચ કરનાર વનવિભાગ ના પૂર્વ અને વર્તમાન અધિકારીઓ થી માંડીને વનકર્મચારીઓ સામે પગલાં ભરવાની માંગણી આદમ ચાકીએ કરી છે.