છેલ્લા ૩૦ વર્ષથી ઓમાન ના મસ્ક્ત મધ્યે યોજાતો ‘કોસમોસ નવરાત્રિ મહોત્સવ’ કચ્છી અને ગુજરાતી સમાજમાં ભારે લોકપ્રિય છે. સાત સમંદર પાર ઓમાનની ધરતી ઉપર ગરવી ગુજરાતની ગરબી પરંપરા ને જીવંત બનાવવાનો શ્રેય કચ્છી ઉદ્યોગપતિ અને દાનવીર શ્રેષ્ઠી ધનસુખભાઈ હરજી લીંબાણીને જાય છે. મૂળ માનકુવા (ભુજ) ના વતની ધનસુખભાઈએ મસ્ક્ત ને કર્મભૂમિ બનાવ્યા બાદ પોતાની કોસમોસ કન્સ્ટ્રકશન કંપની દ્વારા મસ્ક્ત મા નવરાત્રિ મહોત્સવ ઉજવવાની શરૂઆત કરી. પરંપરાગત રીતે ઉજવાતા આ નવરાત્રિ મહોત્સવની વિશેષતા એ છે કે અહીં ખેલૈયાઓ માટે અને ગરબી જોવા આવનારાઓ માટે તમામ વ્યવસ્થા નિઃશુલ્ક છે, સાથે ચા નાસ્તાની વ્યવસ્થા દ્વારા સૌનું આતિથ્ય ભાવના સાથે સ્વાગત કરાય છે. ‘કોસમોસ’ નવરાત્રિ મહોત્સવ મધ્યે કચ્છના જાણીતા નોબતવાદક શૈલેષ જાની ના સંગીત નિર્દેશન હેઠળ ખેલૈયાઓ ગરબે ઘૂમે છે મસ્ક્ત મા નવરાત્રિ દરમ્યાન જાણે નાનકડું ગુજરાત ધબકે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંદેશમાં શું કહ્યું?
કોસમોસ’ નવરાત્રિ મહોત્સવ ને શુભેચ્છા પાઠવતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને યાદ કરીને લખ્યું કે, નરેન્દ્રભાઈનીમાં પ્રત્યેની ભકિત ભાવનાને કારણે નવરાત્રિનો ઉત્સવ વિશ્વસ્તરે ખ્યાતિ પામ્યો છે. ત્યારે દેશની સાથે વિદેશની ધરતી ઉપર થઇ રહેલી આ નવરાત્રિ પર્વની ધામધૂમપૂર્વક થતી ઉજવણી આપણાં માટે ગૌરવની બાબત છે.
‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ ની ભાવના સાથે કોસમોસ કોન્ટ્રાકટીંગ કંપની દ્વારા આ પરંપરાને ઉજાગર કરવાનું કાર્ય આવકાર્ય છે નવરાત્રિ પર્વ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મસ્ક્ત ના સર્વે કચ્છી ગુજરાતી પરિવારોને ખાસ શુભેચ્છાઓ પણ પાઠવી હતી. જાણીતા નોબતવાદક અને વિશ્વની સૌથી મોટી ગણેશપૂજા માટે ગીનીઝ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ મા પોતાનું નામ અંકિત કરી ગુજરાતને ગૌરવ અપાવનાર કલાકાર શૈલેષ જાની એ કલાસાધક તરીકે કોસમોસ પરિવારના અર્પિતાબેન લીંબાણી અને યશ લીંબાણી ને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કોસમોસ નવરાત્રિ ઉત્સવ ને શુભેચ્છા આપતો લખાયેલો પત્ર અર્પણ કર્યો હતો. આયોજક કોસમોસ પરિવાર ના મોભી ધનસુખભાઈ લીંબાણીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.