કચ્છ ભાજપના આંતરિક જૂથવાદ નો ચરુ ધીરે ધીરે આંતરિક આંતરિક ધૂંધવાટ સાથે બહાર આવી રહ્યો છે. ભુજ નગરપાલિકામા નગરસેવકોના આંતરિક ધૂંધવાટ, મુંદરા તાલુકા પંચાયતમાં સભ્યો દ્વારા પોતાની મરજીથી કરાયેલી પ્રમુખની વરણી, રાપર એપીએમસીનો આંતરિક બળવા જેવી પરિસ્થિતિ હોય કે અબડાસા ના બે પૂર્વ ધારાસભ્યોની રાજ્યભર મા ચર્ચાયેલ રાજકીય લડાઈ હોય કચ્છ જિલ્લા ભાજપ ની જુથબંધી ચર્ચામાં રહી છે. પણ કયાંયે કોઈએ રાજીનામુ નહીં આપતા કચ્છ ભાજપ ની જૂથબંધી જાહેરમાં ચર્ચાયા પછી પણ ઘી ના ઠામ મા ઘી પડી રહ્યું. પણ, આજે નખત્રાણા તાલુકા પંચાયતના ભાજપના બે પાટીદાર સભ્યોએ એક સાથે રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે.
ભરત સોમજીયાણીએ શું કહ્યું?
આજે સવાર થી જ સોશ્યલ મીડીયા મા નખત્રાણા તાલુકા પંચાયતના બે સભ્યો ભરત સોમજીયાણી અને ચન્દ્રીકાબેન જેન્તીલાલ પોકાર દ્વારા રાજીનામુ આપવાના સમાચારે કચ્છ માં રાજકીય ખળભળાટ સર્જ્યો હતો. દરમ્યાન રાજકીય આગેવાનો અને કાર્યકરો રાજીનામા ની હકીકત જાણવા અને તેના પાછળ નુ કારણ જાણવા સતત મીડીયા નો સંપર્ક કરતા રહ્યા હતા. રાજીનામા સંદર્ભે ભરત સોમજીયાણીએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમની સાથે ચન્દ્રીકાબેન પોકારે પણ રાજીનામુ આપ્યું હોવાના સમાચાર સાચા છે. રાજીનામા નુ કારણ શું? ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા ભરત સોમજીયાણીએ કહ્યું હતું કે, લોકોના કામ નથી થતા, અત્યારે ઘાસચારા અને પાણીની ખૂબ જ તંગી છે, આ સિવાય નખત્રાણા જીએમડીસી કોલેજ નો પ્રશ્ન, બાયપાસ નો પ્રશ્ન, એપીએમસી નો પ્રશ્ન તમામ અદ્ધર લટકે છે, કોઈ પ્રશ્નો કે મુશ્કેલીઓ નો નિકાલ થતો નથી. જોકે, આ પ્રશ્નો સંદર્ભે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા ભરત સોમજીયાણીએ મોઘમ માં એ ઘણું બધું કહી દીધું, કે સાંસદ વિનોદ ચાવડા તેમ જ કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ નો તાલુકો હોવા છતાં પ્રજાકીય સમસ્યાઓની વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિકાલ નથી આવ્યો. પોતે (ભરત સોમજીયાણીએ) સાંસદ વિનોદ ચાવડા તેમ જ પક્ષ પ્રમુખ કેશુભાઈ પટેલનું અનેક વાર ધ્યાન દોર્યું હોવા છતાંયે કોઈ પરિણામ આવ્યું નથી. નખત્રાણા ભાજપના આંતરિક રાજકારણ ના ગરમાટા વચ્ચે પોતે ભાજપ પક્ષના સભ્ય તરીકે તો ચાલુ જ છે એવો ખુલાસો શ્રી સોમજીયાણીએ કર્યો હતો. દરમ્યાન નખત્રાણા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોની સંખ્યા એકસરખી ૯ – ૯ થતા તાલુકા પંચાયતમાં નવજુનીની અટકળો પણ થઈ રહી છે. જોકે, સવાર થી જ ભારે રાજકીય ખળભળાટ સર્જતાં બે સભ્યોના રાજીનામા પછી પણ કચ્છ ભાજપે સતાવાર સ્પષ્ટતા કરવાનું હજી સુધી ટાળ્યું છે.