Home Social તીર્થધામ નારાયણસરોવર માં શાલિગ્રામ વિષ્ણુ સાથે થયા તુલસીના વિવાહ

તીર્થધામ નારાયણસરોવર માં શાલિગ્રામ વિષ્ણુ સાથે થયા તુલસીના વિવાહ

1513
SHARE
ભગવાન વિષ્ણુ ના પદચિહ્ન જે સ્થળે હોવાની પૌરાણિક માન્યતા છે, તેવા પવિત્ર નારાયણસરોવર મધ્યે તુલસિવિવાહ નો કાર્યક્રમ ધર્મમય માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. હિન્દુ ધાર્મિક માન્યતા અને પૌરાણિક પરંપરા પ્રમાણે કારતક સુદ ૧૧ અને દેવદિવાળી ના દિવસે તુલસી વિવાહ નું આયોજન ધાર્મિક પરંપરા અનુસાર થાય છે. તીર્થધામ નારાયણસરોવર મધ્યે ભગવાન ત્રિવિક્રમરાયજી ના સાનિધ્યમાં તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. ઊર્મિલાબેન જનકભાઈ પરમાર(માંડવી)ના મુખ્ય યજમાન પદે અને વર્ષાબેન મુકેશભાઈ જોશી(માધાપર) તેમ જ અંબા મંડળ માધાપર ના સહયજમાન પદે આયોજિત તુલસી વિવાહના કાર્યક્રમ માંબ લગ્નગીત, વરઘોડો, મંગળફેરા અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમ મા સૌ શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. નારાયણસરોવર જાગીર ના બ્રહ્મલીન ગાદીપતિ આનંદલાલજી મહારાજ ગુરુ મધુસુદનલાલજી મહારાજ દ્વારા દર વર્ષે આયોજિત કરાતી તુલસી વિવાહની ધાર્મિક પરંપરા અનુસાર જ આ કાર્યક્રમ યોજાયો હતો.

જાણો શાલિગ્રામ (પથ્થર ના) વિષ્ણુ સાથે તુલસી ના વિવાહ ની ધાર્મિક પરંપરા

પૌરાણિક કથા તુલસી (છોડ) એ વૃંદા નામની રાક્ષસ કુળ માં જન્મેલી છોકરી હતી, ભગવાન વિષ્ણુ ની પરમ ભક્ત એવી વૃંદા ના લગ્ન દાનવરાજ જલંધર સાથે થયા હતા. સમુદ્ર માં થી પેદા થયેલ જલંધર શક્તિશાળી અને મહત્વાકાંક્ષી હોઈ તેણે દેવોની સાથે યુદ્ધ શરૂ કર્યું હતું. વિષ્ણુ ભક્ત વૃંદાએ સંકલ્પ લીધો હતો કે, પતિ જલંધર વિજયી બનીને પરત ફરે નહિ ત્યાં સુધી ભગવાન વિષ્ણુ ના ધાર્મિક અનુષ્ઠાન અને પૂજા ચાલુ રાખવા. પત્ની વૃંદાની આકરી તપસ્યાના બળે દાનવરાજ જલંધરે દેવોને ત્રાહિમામ કરી મુક્યા. દેવોએ ભગવાન વિષ્ણુ ની મદદ માંગી પણ વૃંદા પોતાની પરમ ભક્ત હોઈ ભગવાન વિષ્ણુ એ કહ્યું હું તેની સાથે છળ નહીં કરી શકું. પણ, દેવતાઓએ કહ્યું જલંધર અને દાનવોને હરાવવા માટે બીજો કોઈ ઉપાય નથી એટલે ભગવાન આપ જ કંઈ કરો. એટલે, ભગવાન જલંધર નું રૂપ લઈને વૃંદા ના ઘેર પહોંચ્યા, પોતાના પતિને નિહાળી ને વૃંદા પૂજા માં થી ઉભી થઈને પગે લાગી, બીજી બાજુ વૃંદાની પૂજા બંધ થતાં જ જલંધર ની શક્તિ નબળી થઈ, દેવો ના હાથે તેનું મોત નીપજ્યું અને વૃંદા ના ચરણો માં જલંધર નું મસ્તક પડ્યું. તરત જ વૃંદાએ જલંધર નો વેશ લેનાર ભગવાન સામે ક્રોધ અને પ્રશ્નાર્થ નજરે જોયું, વૃંદા ના મુખનો ફેરફાર નિહાળી ભગવાન વિષ્ણુ કંઈ પણ બોલી ન શક્યા અને પોતાના મૂળ અવતારમાં આવી ગયા. વૃંદાએ ભગવાન ને શ્રાપ આપ્યો આપ પથ્થર ના બની જશો, ભગવાન શાલિગ્રામ (પથ્થર) ના સ્વરૂપ ના બની ગયા. દેવતાઓ માં હાહાકાર મચી ગયો. લક્ષમી રોવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા એટલે વૃંદાએ ભગવાન ને મૂળ સ્વરૂપ માં લાવી દીધા. ત્યારબાદ વૃંદા પતિ નું મસ્તક ખોળા માં લઇ ને પોતે સતી થઈ ગયા. તેમની રાખ માં થી એક છોડ નીકળ્યો ભગવાને કહ્યું આજ થી તેમનું નામ તુલસી હશે અને મારું એક સ્વરૂપ પથ્થર નું જ રહેશે, મારુ આ પથ્થર સ્વરૂપ શાલિગ્રામ નામની સાથે તુલસીજી સાથે પૂજાશે અને હું તુલસીજી ના વગર ભોગ નો સ્વીકાર નહીં કરું. ત્યાર થી તુલસીજી ની પૂજા થઈ રહી છે. તેમ જ દર કારતક સુદ ૧૧ ને દેવદિવાળી નો દિવસ ‘તુલસી વિવાહ’ તરીકે ઉજવાય છે. હિન્દુ ધર્મ પરંપરા પ્રમાણે તુલસી નો છોડ અતિ પવિત્ર મનાય છે.