મુંદરા ગ્રામ પંચાયતમાં સરપંચ ધર્મેન્દ્ર જેસરની સામે વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ ભાજપના ૩ બળવાખોર સભ્યોના સાથ સાથે રજૂ કરેલ અવિશ્વાસની દરખાસ્તને પગલે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો મા હલચલ સાથે ખળભળાટ સર્જ્યો હતો. અવિશ્વાસ ની દરખાસ્ત અરજી બાદ કોંગ્રેસના સભ્યોએ મીડીયા સમક્ષ પણ બળાપો વ્યક્ત કરી સરપંચ ધર્મેન્દ્ર જેસર સામે મનમાન્યો વહીવટ ચલાવવાનો આક્ષેપ પણ કર્યો હતો. કોંગ્રેસ ના તાલુકા પ્રમુખ કિશોરસિંહ જાડેજા અને જિલ્લા પંચાયતના સભ્ય સલીમ જતે પણ મુંદરા ગ્રામ પંચાયત ઉપર ૧૧ કોંગ્રેસ અને ૩ ભાજપના સભ્યો સહિત ૧૪ સભ્યો ની બહુમતીને પગલે કોંગ્રેસનું શાસન આવી જશે એવો દાવો પણ કર્યો હતો. પણ, આજે અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયું થયું હતું. ભાજપના ૩ બળવાખોર સભ્યની ગેરહાજરી તો ઠીક પણ કોંગ્રેસના ૧૧ માં થી ૧૦ સભ્યો ગેરહાજર રહ્યા અને માત્ર ૧ જ સભ્ય હાજર રહ્યા હતા. આમ ૧૩ સભ્યો ગેરહાજર રહેતા અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયું થયું હતું અને તલાટી તેમ જ વિસ્તરણ અધિકારીએ ધર્મેન્દ્ર જેસરને સરપંચ તરીકે યથાવત જ જાહેર કર્યા હતા.
ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ભાજપના એક નારાજ નેતાની ઑફિસે ગયા અને બાજી પલટાઈ?
મુંદરા ગ્રામ પંચાયતનો બળવો ઠારવા ભાજપના પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ પણ પ્રયત્નશીલ હતા. તો, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પણ પોતાના મત વિસ્તાર માં કેસરિયો ગઢ સાચવવા સક્રિય રહ્યા હતા. જોકે, મુંદરા ભાજપના આંતરિક વર્તુળોએ જે તે સમયે પણ બળવાની પાછળ પક્ષના જ એક આગેવાનની ભૂમિકા વિશે આંગળી ચીંધી હતી. દરમ્યાન ભાજપના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી પણ મુંદરા મા ગ્રામ પંચાયતનો બળવો ઠારવા પ્રયત્નશીલ હતા. જોકે, આજે અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયું થયું તેની પાછળ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ની ભૂમિકા વધુ મહત્વની રહી હોવાનું મુંદરા ભાજપ ના વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. હાલમાં ત્રણેક દિવસ સતત મુંદરા ધામ નાખનાર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની અશોક મહેશ્વરી સાથેની મુલાકાત સૂચક બની રહી હતી. જો મુંદરા ના ભાજપના કાર્યકરોની વાત માનીએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સામે થી જ અશોક મહેશ્વરી ની ઑફિસે ગયા હતા ધારાસભ્ય ની આ શુભેચ્છા મુલાકાત ટર્નીગ પોઇન્ટ બની હતી. દરમ્યાન મુંદરા તાલુકા ભાજપ ના પ્રમુખ વાલજીભાઈ ટાપરીયાની ઓફીસ પણ સતત મીટીંગો થી ધમધમતી રહી હતી. આમ ભાજપે પોતાના ત્રણ બળવાખોર સભ્યોને તો સાચવી લીધા પણ તેની સાથે કોંગ્રેસના ૧૦ સભ્યોને પણ ગેરહાજરી સાથે એ બતાવી દીધું કે કોંગ્રેસ પોતાનું ઘર સાચવવામાં પણ નિષફળ છે.