એક ગામ થી બીજે ગામ પગપાળા વિહાર કરતા જૈન સાધુ સાધ્વીજી ના વાહન અકસ્માતની દુઃખદ ઘટનાઓ અવારનવાર સર્જાય છે. આજે લાકડીયા પાસે વહેલી સવારે બનેલી આવી જ એક દુઃખદ ઘટનામાં જૈન સાધ્વીજી નું મોત નીપજતાં કચ્છ સહિત ગુજરાતભર ના જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતનો ભોગ બનનાર સાધ્વીજીશ્રી પૂર્ણશ્રધ્ધાશ્રીજી મ.સા. વાગડ સમુદાયના આચાર્ય ભગવંત પૂ. વિજયકલાપુર્ણ મ.સા.ના આજ્ઞાનુંવર્તિ પરિવારના સુશિષ્યા હતા. તેઓ સાધ્વીજીશ્રી પ્રસન્નરહ્દ્યા શ્રીજી ના શિષ્યા હતા. વહેલી સવારે અન્ય સાધ્વીજીઓ અને સંઘ સાથે લાકડીયા થી ચિત્રોડ વિહાર કરતી વેળાએ ટ્રેઇલરે તેમને હડફેટે લેતા તેમનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેઇલર ચાલક નાસી છૂટ્યો હતો. મૃત્યુ પામનારા સાધ્વીજીશ્રી પુર્ણશ્ર્ધ્ધાશ્રીજીની ઉમર ૩૪ વર્ષ ની હતી અને તેમના દીક્ષા જીવનનો સંયમ પર્યાય ૧૬ વર્ષનો હતો. ( તેમનું સંસારી નામ તારકેશ્ર્વરીબેન મુળ વતન હુબલી કર્ણાટક હતું.) અકસ્માત બાદ સાધ્વીજીના પાર્થિવ દેહને ભચાઉ લવાયો હતો. તેમની પાલખીયાત્રા આજે ગુરુવારે બપોરે ૨ વાગ્યે ભચાઉ થી નીકળશે. વિહાર દરમ્યાન જૈન સાધ્વીજીના અકસ્માત મા નિપજેલા મોતને પગલે સમસ્ત જૈન સમાજમાં રોષનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ થતાં લાકડીયા પોલીસે અકસ્માત નો ગુનો નોંધીને અજાણ્યા ટ્રેઇલર ચાલક સામે તપાસ હાથ ધરી છે.