વર્તમાન અછત અને દુષ્કાળ ના સમય માં કચ્છ ની ગૌમાતાઓ ઉપર મોતનું જોખમ મંડરાઈ રહ્યું છે. આ કપરી પરિસ્થિતિ ને પહોંચી વળવા સરકાર તેમ જ કચ્છ ના અલગ અલગ દાતાઓ અને ગામ લોકો દ્વારા પોતપોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. આવો જ એક સુંદર પ્રયાસ કર્યો છે, કચ્છની કોલેજીયન વિધાર્થીનીઓએ !! સ્હેજ માંડી ને વાત કરીએ તો મુન્દ્રા ની આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પીટીસી કોલેજ ની છાત્રાઓએ વર્તમાન દુષ્કાળની પરિસ્થિતિ નિહાળી, જાણી અને તેમને થયું આપણે પણ કંઈક કરવું જોઈએ. આ પ્રયત્નો અંગે મુન્દ્રા આર ડી એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ ધર્મેન્દ્ર જેસર કહે છે કે, આ વિદ્યાર્થીનીઓ સતત બે દિવસ સુધી ડબ્બા લઈને મુન્દ્રા ના અલગ અલગ વિસ્તારો માં ફરી અને લોકો પાસે ગૌસેવા માટે ફંડ ની ટહેલ નાખી. કહેવાય છે ને કે, સારા કામ માં હંમેશા કુદરત નો સાથ મળી જ રહે છે. બે દિવસ માં આ વિદ્યાથીનીઓએ એકઠા કરેલ ફંડ ની રકમ થઈ, ૧,૧૨,૭૪૮ ₹. કોલેજ ના ટ્રસ્ટીઓએ પણ પીટીસી કોલેજની આ વિધાર્થીનીઓ અને ભાવિ શિક્ષિકાઓ ના માનવીય અભિગમ ને બિરદાવ્યો. એકઠું કરેલ આ ફંડ મુન્દ્રા ના અબોલ પશુઓ માટે કાર્ય કરતી પાંજરાપોળો ને આપવાનું નક્કી કર્યું, અને મુન્દ્રા ના પ્રાંત અધિકારી એ. કે. વસ્તાણી ના હસ્તે અને સંસ્થાના પ્રમુખ ધર્મેન્દ્ર જેસર ની ઉપસ્થિતિ માં મુન્દ્રા તાલુકાની ૧૦ પાંજરાપોળો ને ૧૧,૧૧૧ ₹ નો ચેક અર્પણ કરાયો. અત્યારે જયારે કચ્છ ઉપર દુષ્કાળ નું સંકટ ઝળુંબી રહ્યું છે, ત્યારે કોલેજીયન વિધાર્થીનીઓએ કરેલ આ પ્રયાસ સૌ માટે રાહ ચીંધનારો છે. જો આપણે સૌ આપણાં થી જે થઈ શકે ,જેટલું થઈ શકે એ પ્રમાણે મદદ નો હાથ જો ગૌમાતા ઓ માટે લબાવીશું તો, ચોક્કસપણે આપણે મુંગા અબોલ પશુઓને જીવનદાન આપી શકીશું.