આ વખતે કચ્છ માં શિયાળા ની અસર વરતાશે કે નહીં? એ વિશે સતત લોકો માં ચર્ચા હતી અને છેક હમણાં સુધી ઠંડી ની અસર પણ વરતાતી નહોતી. દરમ્યાન ગઈકાદલે સહેજ ઠંડી શરૂ થઈ પણ એકાએક એક જ રાત માં જાણે શુક્રવારે ‘કોલ્ડવેવ’ ફૂંકાયો અને સમગ્ર કચ્છ માં કાતિલ ઠંડીએ ભરડો લઈ લીધો છે. આજે સવાર થી જ લોકો માં એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે, કે હવે શું થશે? ઠંડી વધશે કે ઘટશે? ન્યૂઝ4કચ્છ ને પણ અનેક વાચકો તરફથી ઠંડી સંદર્ભે પૂછ્યું, છેક મુંબઈ થી વતન કચ્છમાં ફરવા આવનારાઓ અને સફેદ રણ જોવા આવનારા પ્રવાસીઓમાં પણ ઠંડી ની અસર વિશે પૂછપરછ થતી રહી. એકાએક ઘટેલા ઉષ્ણતામાન ના પારા ની અસર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં, મુંબઈ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત દેશના ઉત્તરીય ભાગો માં અનુભવાઈ છે.
જાણો કચ્છ માં શું છે પરિસ્થિતિ? અને કેવી રહેશે ઠંડી ની અસર?
માત્ર આજે એક જ દિવસ માં કચ્છ માં ગગડેલા તાપમાને ‘કોલ્ડવેવ’ સર્જી દીધો અને નલિયામાં રાજ્યભરમાં આ સિઝનનું નીચું તાપમાન ૫.૮ ડિગ્રી નોંધાયું છે. ભુજમાં પણ પારો ૫ થી ૬ ડિગ્રી ગગડીને ૧૨.૪ ડિગ્રી ઉપર પહોચ્યો છે. જોકે, વહેલી પરોઢ થી વરતાતી ઠંડી ની અસરે આજે જાણે સૂરજ ના તાપને પણ નિસ્તેજ કરી નાખ્યો હતો. હવામાન વિભાગે ઠંડી વધવાના કારણ વિશે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ ને પગલે હવામાન માં પલટો આવ્યો છે. આકાશમાં ધાબડીયું વાતાવરણ સર્જાયું છે. ઉત્તર દિશામાં થી પવન ફૂંકાવવાની ઝડપ વધી છે. ઉત્તરીય પવનો ને પગલે ઠંડી વધી છે. આવનારા ૮ થી ૧૦ દિવસ દરમ્યાન આવું જ ઠંડક ભર્યું વાતાવરણ રહેશે. એટલે હવે ઠંડી સહન કરવા તૈયાર થઈ જજો. જોકે, લોકો આજ થી જ શાલ, ધાબળા અને સ્વેટર જેવા ગરમ કપડા સાથે ઠંડી નો સામનો કરવા સજ્જ થઈ ગયા છે.