Home Current જેન્તીભાઈનો દેહ પંચ મહાભૂતમાં વિલીન – ૬ સામે હત્યાનો ગુનો દાખલ કરતી...

જેન્તીભાઈનો દેહ પંચ મહાભૂતમાં વિલીન – ૬ સામે હત્યાનો ગુનો દાખલ કરતી ગાંધીધામ રેલવે પોલીસ

7702
SHARE
કચ્છના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીના હત્યા પ્રકરણે કચ્છ સહિત ગુજરાતના રાજકારણ માં ખળભળાટ સર્જી દીધો છે. ગઈકાલે બનેલા હત્યાના આ બનાવ બાદ આજે જેન્તીભાઈના મૃતદેહનું વિડિઓ રેકોર્ડિંગ સાથે પોસ્ટમોર્ટમ કરાયું હતું. પીએમની વિધિ પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને નરોડા સ્થિત તેમના ઘેર લાવવામાં આવ્યો હતો. અહીં તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા રાજ્યસરકારના મંત્રીઓ, ધારાસભ્યો, ગુજરાત અને કચ્છ ભાજપના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં તેમના ટેકેદારો, મિત્રો, સ્નેહીજનો ઉમટ્યા હતા.

અગ્નિદાહ આપતી વેળાએ દીકરી ખુશાલી બેભાન થઈ ગઈ

ઘર થી તેમના પાર્થિવદેહને નરોડા મુક્તિધામ સુધી લવાયો હતો તેમની સ્મશાનયાત્રામાં રાજ્ય સરકારના મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, વાસણભાઈ આહીર, સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ નાણા મંત્રી બાબુભાઇ મેઘજી શાહ, આગેવાનો ભીખુભાઈ દલસાણીયા, ગોરધન ઝડફિયા, રણછોડ રબારી, રમણલાલ વોરા કચ્છ ભાજપ ના આગેવાનો જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, વરિષ્ઠ નેતા તારાચંદભાઈ છેડા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર, ભરત શાહ, દેવાંગ દવે સહિતના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા સ્મશાનગૃહમાં સદગત જેન્તીભાઈના ભાઈ શંભુભાઈ ભાનુશાલી સુનિલની સાથે જેન્તીભાઈની પુત્રી ખુશાલીએ અગ્નિદાહ આપ્યો હતો પોતાના વહાલસોયા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરી ખુશાલી અગ્નિદાહ આપતી વેળાએ આઘાત થી બેભાન થઈ ગઈ હતી સમગ્ર ભાનુશાલી પરિવાર જેન્તીભાઈની હત્યાના આઘાતમાં હતપ્રભ બની શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ગાંધીધામ રેલવે પોલીસે આ 6 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો

તારીખ ૭ મી જાન્યુઆરીની મધરાતે સયાજીનગરી ટ્રેનમાં જેન્તીભાઈ ભાનુશાલીની ક્રૂરતા પૂર્વક કરાયેલી હત્યાના બનાવમાં ગાંધીધામ રેલવે પોલીસે ગઈકાલે ૮ મી જાન્યુઆરીએ વિધિવત ગુનો દાખલ કર્યો છે આ અંગે ગાંધીધામ રેલવે પોલીસે આપેલી સતાવાર પ્રેસનોટ મુજબ સુનિલ વસંતલાલ ભાનુશાલીની ફરિયાદના આધારે તેમના કાકા જેન્તીભાઈ ભાનુશાલીની બંદૂકથી હત્યા કરવાનું કાવતરું રચી હત્યા કરવા બદલ (૧) છબીલ નારાણભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય) અને તેમને સાથ આપનાર (૨) મનીષા ગોસ્વામી (વાપી), (૩) જેન્તીલાલ જેઠાલાલ ઠક્કર (ડુમરા), (૪) ઉમેશ પરમાર (પત્રકાર), (૫) સિદ્ધાર્થ પટેલ (છબીલભાઈ નો પુત્ર), (૬) સુર્જિતભાઉ (વાપી) અને અન્ય મળતીયાઓ વિરુદ્ધ કલમ ૩૦૨, ૧૨૦ (બી), ૩૪ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે આ કેસની તપાસ ડીવાયએસપી પી. પી. પીરોજીયા ચલાવી રહ્યા છે.