વર્તમાન અછત અને દુષ્કાળ ના સમયમાં કચ્છ માં મુશ્કેલ પરિસ્થિતિ હોઈ અનેક માલધારીઓ પોતાના પશુઓ સાથે હિજરત કરી ને અન્ય જિલ્લાઓ માં ગયા છે. આ સંદર્ભે કચ્છના વરિષ્ઠ કોંગ્રેસી અગ્રણી આદમ ચાકી, પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહિમ મંધરા અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ડો રમેશ ગરવા ગાંધીનગર મધ્યે વિધાનસભા ના વિપક્ષી નેતા પરેશ ધાનાણી ને મળ્યા હતા. કચ્છ કોંગ્રેસના આ આગેવાનોએ નખત્રાણા, બન્ની પચ્છમ, અબડાસા, લખપત, રાપરના પશુઓ સાથે માલધારીઓ અન્ય જિલ્લા ઓ માં સ્થળાંતર થયા છે, તે જિલ્લા માં ઢોરવાડા શરૂ કરવા અને ઘાસ તેમ જ પીવાના પાણી ની વ્યવસ્થા કરવા રજુઆત કરી હતી. કચ્છ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી આદમ ચાકી એ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ૨૦ થી ૨૫ હજાર જેટલા પશુઓ સાથે કચ્છના માલધારીઓ એ અત્યારે સુરેન્દ્રનગર તેમ જ અમદાવાદ ના ગ્રામ્ય વિસ્તાર માં આશ્રય લીધો છે. આ પશુઓની હાલત અત્યારે કફોડી છે. તેમની વ્હારે આવીને સરકાર તાત્કાલિક ઘાસ, પીવાના પાણીની વ્યવસ્થા કરી ઢોરવાડા શરૂ કરે તે જરૂરી છે. વિધાનસભા ના વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ કચ્છ ના માલધારીઓ ની મુશ્કેલ પરિસ્થિતિ વિશે જાણી ને રાજ્યના રાહત કમિશનર શ્રી મુગલપરાને ફોન કરીને તાત્કાલિક ધોરણે મુંગા પશુઓને બચાવવા ઘાસ પાણી ની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.