આજે આપણે સૌ સુરક્ષિત રહી શકીએ છીએ તેનું કારણ છે, પોતાની જાન ના જોખમે સરહદ ઉપર પહેરો ભરતા અને વતનની રક્ષા માટે દેશના દુશ્મનો સાથે લડી પોતાના પ્રાણ ની આહુતિ આપનાર શહીદ જવાનો ના કારણે!! મોટી નોકરીઓ કે મોટા શહેરોની વૈભવી લાઇફસ્ટાઇલ છોડીને ટાઢ, તડકા વચ્ચે સરહદે પહેરો ભરવો, આતંકવાદીઓ સામે અને નક્સલીઓ સાથે લડવાનો પડકાર ઉપાડવો એ કાચા પોચાનું કામ નથી. ઘર પરિવાર થી દુર રહીને વતન નું રખોપું કરતા આપણા આ વીર જવાનો માટે એક કચ્છી મહિલાએ માતબર રકમનું અનુદાન આપીને પોતાની અનોખી દેશદાઝ દ્વારા એક ભારતીય નાગરિક તરીકે સૌ ને રાહ ચીંધ્યો છે.
કોણ છે એ કચ્છી મહિલા?
આપણે સૌ આપણી સંપત્તિ માં થી મોટેભાગે સામાજિક, ધાર્મિક અને સેવાકીય કાર્યો માં અનુદાન આપતા રહીએ છીએ. એ પણ સારી અને અનુકરણીય બાબત છે. પણ, ભુજ તાલુકાના કોટડા(ચકાર) ગામ ના મહિલા વિમલબેન એ. અત્તેવારે ₹ ૧૦ લાખ નું દાન ભારતીય સૈનિકો માટે આપ્યું છે. પતિ ડો. અત્તેવાર સાહેબ ના સ્વર્ગવાસ બાદ તેમના વિધવા પત્ની વિમલબેને કચ્છ જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ માં ૧૦ લાખ ₹ નો ફાળો આપ્યો છે. જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ વતી ચેરપર્સન અને કલેકટર રેમ્યા મોહને કોટડા ગામના વકીલ ધવલ ભગત અને અન્ય આગેવાનો પાસે થી ચેક સ્વીકાર્યો હતો. આ પ્રસંગે સૈનિક કલ્યાણ બોર્ડ વતી પીઆઇ હરેશ ઠાકર અને અશોકસિંહ ઝાલા સહયોગી બન્યા હતા. કલેકટર રેમ્યા મોહને વિમલબેન અત્તેવાર ની દેશદાઝની ભાવનાને બિરદાવી ને સૈનિક કલ્યાણ બોર્ડ માં વધુ ને વધુ લોકો ફાળો આપે તેવી અપીલ કરી હતી. ૮૦ વર્ષીય વૃદ્ધ વિધવા વિમલબેન અત્તેવાર મૂળે મહારાષ્ટ્ર ના છે. પણ આ તબીબ દંપતીએ લગભગ ૫૦ વર્ષ થી કચ્છ ને પોતાનું વતન બનાવીને ગ્રામ્ય વિસ્તારો માં તબીબી સેવાઓ આપી છે. પતિ ડો.અત્તેવાર સાહેબ ના નિધન બાદ પણ વિમલબેને તેમની યાદ ને જીવંત રાખી છે. સરહદી વિસ્તાર ના એક ભારતીય નાગરિક તરીકે દેશ માટે પોતાનું ધન ન્યોછાવર કરનારા વિમલબેન અત્તેવાર ની દેશદાઝ ને, વતન પ્રેમ ને વંદન.. સાથે જય હિન્દ.