ભુજ નગરપાલિકા ની કારોબારી બેઠક અને વિવાદ જાણે એકબીજાનો પર્યાય બની ગયા છે. અનેક ચડાવ ઉતાર વચ્ચે આ વખતે મળેલી કારોબારી બેઠક વિવાદ થી પર રહી અને નવા નિર્ણયો પણ લેવાયા. કારોબારી ચેરમેન ભરત રાણા ની અધ્યક્ષતામાં મળેલી કારોબારી બેઠક માં શું થયું તે વિશે જાણીએ.
ભૂકંપ ના ૧૯ વર્ષ પછી ફરી એક વખત નવા પાલિકા ભવન નો મુદ્દો ચર્ચામાં રહ્યો. કારોબારીમાં ભુજ નગરપાલિકાનું જૂનું ભવન અત્યારે જે સ્થળે છે, તે તોડીને ત્યાં જ નવું પાલિકા ભવન રૂપિયા ચાર થી સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાની દરખાસ્ત કરાઈ છે. એ વાત અલગ છે કે આથી અગાઉ ભૂતકાળમાં બે વખત પાલિકાના નવા બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય થઈ ચુક્યો છે,પણ તે વખત કરતા હવે બજેટ ડબલ થઈ ગયું છે. નવું બિલ્ડીંગ બનાવવાની દરખાસ્ત સરકાર મંજૂર કરે એટલે નવા પાલિકા ભવનનું કામ શરૂ થશે. પાલિકા ભવન શરૂ થશે તે દરમ્યાન ભુજ નગરપાલિકાની કચેરી હંગામી રીતે ખેંગાર પાર્કના બાલભવનમાં ચાલુ રહેશે, એટલે નાગરિકોને ભુજ નગરપાલિકાના વહીવટી કામ માટે ખેંગારપાર્કના બાલભવનમાં ધક્કો પડશે. આ સિવાય હવે ભુજમાં સાઇકલ ચલાવવી સરળ બનશે. ભુજ નગરપાલિકા દ્વારા સાઇકલ ટ્રેક બનાવવા માટે બે વિકલ્પો વિચારાયા છે, (૧) ભુજ હાટ થી મિરઝાપર રોડ ઉપર પ્રિન્સ રેસિડેન્સી હોટલ સુધી અથવા (૨) પ્રમુખસ્વામીનગર થી જયનગર સુધી આ બન્ને પૈકી કોઈ એક જાહેરમાર્ગ સાઇકલ ટ્રેક તરીકે વિકસાવવામાં આવશે. તો, રાજાશાહી ના સમયના રાજેન્દ્રપાર્ક અને ખેંગારપાર્કને પણ નવા બનાવવામાં આવશે. સાઇકલ ટ્રેક અને બગીચાના નવીનીકરણ માટે ભુજ પાલિકા અંદાજે ચાર થી પાંચ કરોડ રૂપિયા ખર્ચશે.
વિવાદાસ્પદ વોક વે માં ફરી મોટો ખર્ચ ?
આ કારોબારી બેઠકમાં સૌથી ચર્ચાસ્પદ બને તેવો નિર્ણય વોક વે માં મોટા ખર્ચ નો કરાયો છે. એક વખત ભ્રષ્ટાચારના કારણે ચર્ચામાં રહેલા વોક વે માં ફરી એક વખત બે થી અઢી કરોડ રૂપિયાના ખર્ચનો નિર્ણય કરાયો છે. વોક વે નો મુદ્દો ફરી એક વખત વિપક્ષના નિશાને આવી શકે તેમ છે.