Home Current ભુજ: કોંગ્રેસના પૂર્વ નગરસેવક મહેન્દ્ર ઠક્કર ‘બલિયા માસ્તર’નું અવસાન

ભુજ: કોંગ્રેસના પૂર્વ નગરસેવક મહેન્દ્ર ઠક્કર ‘બલિયા માસ્તર’નું અવસાન

2807
SHARE
રાજકીય અને સામાજિક પ્રશ્નો તેમ જ પ્રજાકીય સમસ્યાઓને કારણે હમેંશા ચર્ચામાં રહેતા મહેન્દ્ર ડુંગરશી ઠક્કર નું આજે રવિવારે દુઃખદ નિધન થયું છે. ૫૪ વર્ષીય મહેન્દ્ર ડુંગરશી ઠક્કર ‘બલિયા માસ્તર’ તરીકે વધુ જાણીતા હતા. ભુજની લંઘા શેરી માંથી શૈક્ષણિક ક્ષેત્રે પોતાની કારકિર્દી શરૂ કરનાર ‘બલિયા માસ્તરે’ થોડો સમય ભણાવ્યા બાદ સામાજિક અને રાજકીય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. અખિલ કચ્છ લોહાણા મહાજન ના મહામંત્રી તરીકે, ભુજ કોમર્શિયલ બેંક માં ડાયરેકટર તરીકે, ભુજ નગરપાલિકામાં નગરસેવક તરીકે અને છેલ્લે હમણાં આપના બજારને ફરી શરૂ કરી તેના ચેરમેન તરીકે તેઓ રહી ચૂક્યા હતા. પોતાની કુશાગ્ર બુદ્ધિ અને લડાયક વલણને કારણે તેઓ સામાજિક, રાજકીય અને સહકારી ક્ષેત્રે હમેશા ચર્ચામાં રહેતા. પૂર્વ નાણાં મંત્રી બાબુભાઇ મેઘજી શાહના સાથીદાર તરીકે તેઓ ઘણો સમય રહ્યા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે પણ તેમની નિકટતા હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જાગુબેન શાહ સાથે પણ તેમણે કામ કર્યું હતું. ભુજના લોહાણા ભવન અને જલારામ ભોજનાલયમાં તેઓ અખિલ કચ્છ લોહાણા મહાજન વતી પોતાની સેવાઓ આપી રહ્યા હતા. હાઈ ડાયાબિટીસના કારણે તેમની તબિયત અવારનવાર નાદુરસ્ત રહેતી હતી. માત્ર ૫૪ વર્ષની નાની વયે તેમના દુઃખદ નિધનથી ભુજ શહેરે જાહેરક્ષેત્રે કાર્યરત એક ઝુઝારું આગેવાન ગુમાવ્યો છે. કચ્છના અનેક સામાજિક અને રાજકીય આગેવાનોએ તેમને અંજલી અર્પી છે.