પોતાને ઘેર આવતા શુભ પ્રસંગની ઉજવણીની હોંશ દરેકને હોય જ!! પણ, પરિવારનો શુભ પ્રસંગ માનવીય સંવેદનાના કાર્ય સાથે ઉજવવાનો વિચાર જૂજ પરિવારો અમલમાં મૂકે છે. આવોજ એક ઉમદા પ્રયાસ કચ્છના જૈન રાજકીય આગેવાન દ્વારા દીકરીના શુભ લગ્ન પ્રસંગે અમલમાં મુકાયો છે. આ વિચાર સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.
તબીબ દીકરીની ઈચ્છા હતી અને પિતાએ તેને અમલમાં મૂકી
કચ્છના જાણીતા રાજકીય આગેવાન, જીએમડીસીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય મુકેશ ઝવેરી પરિવારે આ પહેલ કરી છે. પોતાની તબીબ પુત્રી ડો.ક્રિષમા ને ઇચ્છા હતી કે માનવતાના કાર્ય દ્વારા તેના લગ્ન પ્રસંગની ઉજવણી કરવી. દીકરીની આ ઈચ્છા પિતા મુકેશભાઈ અને માતા રેશ્માબેન ઝવેરીએ વધાવી લીધી. શુક્રવાર ૧૫ ફેબ્રુઆરીના યોજાનાર લગ્ન પ્રસંગે પોતાની વ્હાલસોયી દીકરીની ઈચ્છા અનુસાર મુકેશભાઈ ઝવેરી પરિવાર ભુજના સુપાર્શ્વ જૈન સેવા મંડળને ૧૫ લાખ નું અનુદાન આપશે. માનવીય સંવેદનાના આ કાર્ય અંગે સુપાર્શ્વ જૈન સેવા મંડળના પ્રમુખ કૌશલ મહેતાએ ન્યૂઝ4કચ્છને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ઝાકઝમાળના આજના આ જમાનામાં નવી પેઢીની એક યુવાન દીકરીને આવેલો વિચાર ખુબજ ઉમદા અને પ્રેરણાદાયી છે. પશુરક્ષા સાથે જીવદયા ની આ ભાવના સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે.