દિલીપ પટેલ દ્વારા : ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાને જાહેર કર્યું હતું કે 31 ડિસેમ્બર 2018 સુધીના બે વર્ષમાં નર્મદા નહેર તૂટવાના 194 બનાવો બન્યા છે પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પૂછેલા પ્રશ્નનો તેઓ 20 ફેબ્રુઆરી 2019ના રોજ જવાબ આપી રહ્યા હતા તેમણે પહેલી વખત કબૂલ કર્યું હતું કે નહેર નબળી બની હોય ત્યાં તૂટે છે. પરંતુ તેમણે નહેર તૂટવાના વિચિત્ર કારણો આપ્યા હતા.
ખેડૂતો નહેરોમાંથી પાણી ઉપાડતાં ન હોવાથી નહેર છલકાવા લાગે છે અને તૂટે છે. ભારે વરસાદ, નોળીયા કે ઉંદર દર બનાવતાં હોવાથી, જમીન પાછળથી મળી હોય ત્યાં નવું અને જુનું કામ જોડતી વખતે નબળું કામ થવાથી તૂટે છે. નહેરમાં પાણી રોકવા ખેડૂતો આડસ મૂકે છે નહેરમાં છેડછાડ કરવાથી સાયફનમાં મરેલા પ્રાણી ફસાઈ જવાથી કે સાયફનમાં ફેરફાર કરવાથી નહેર તૂટે છે નહેરનું ઝમણ – લીક થવાથી, નહેરના દરવાજાના સંચાલનમાં ખામી સર્જાતા નહેર તૂટે છે.પણ સરકાર એ ભૂલી ગઈ કે નહેર તો સીમેંટ કોંક્રીટથી બનેલી છે તેથી આમાના અડધા કારણો તો એમને એમ નિકળી જાય છે ખરેખર તો નહેર તૂટવાનું મુખ્ય કારણ નબળી નહેર છે અને તેમાં વપરાતાં સિમેન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે પણ સરકારે ક્યાંય એવું નથી કહ્યું કે ભ્રષ્ટાચાર થવાના કારણે નહેર નબળી બની છે.
કેનાલના બાંધકામની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ?
સૌથી વધુ બનાસકાંઠામાં ૧૪૩ વાર કેનાલો તૂટી, ઉંદર, નોળિયાના દરો પણ જવાબદાર પરિબળ જણાવે છે પણ ખરેખર તો ભ્રષ્ટાચારનો ઉંદર નહેર તોડી ગયો છે. એક તરફ, હજુ ઘણા વિસ્તારોમાં નર્મદા કેનાલોનું બાંધકામ બાકી છે તો,બીજી તરફ,જયાં નર્મદા કેનાલો છે ત્યાં સતત તૂટવાનો સિલસીલો રહ્યો છે છેલ્લા પાંચ વર્ષમાં 2018 સુધી નર્મદા કેનાલોમાં ૨૦૫ વાર ગાબડાં પડયાં છે આ કારણોસર કેનાલોના બાંધકામની ગુણવત્તા સામે સવાલો સર્જાયા છે.
વિધાનસભામાં સરકારે રજૂ કરેલી વિગતો અનુસાર,બનાસકાંઠામાં સૌથી વધુ કેનાલો તૂટી છે પાંચ વર્ષમાં માત્ર બનાસકાંઠામાં જ ૧૪૩ વાર કેનાલોમાં ગાબડાં પડયા હતાં જેના કારણે હજારો લિટર પાણી વેડફાયુ હતું પાટણ જિલ્લામાં ૨૭ વાર કેનાલો તૂટતા સમારકામ કરવુ પડયુ હતું . અમદાવાદ જિલ્લામાં ૧૩ વખત અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૪ વાર કેનાલો તૂટવાની ફરિયાદો મળી હતી. જોકે સરકારે એવોય દાવો કર્યો છે કે નબળા બાંધકામને લીધે કેનાલોમાં ભંગાણ થતા કોન્ટ્રાકટરો પાસે જ સમારકામ કરવામા આવે છે પરંતુ કેનાલો તૂટતા બાંધકામની ગુણવત્તા કેવી છે તેનો અંદાજ આવી શકે તેમ છે.