છેલ્લા 15 દિવસથી રાજ્યના વિવિધ કર્મચારી મંડળોએ સરકાર સામે બાંયો ચડાવી છે પહેલા રાજ્યના હેલ્થ વર્કરો અને હવે એસ.ટી વિભાગ તથા શિક્ષકોએ પોતાની જુની પડતર માંગણીઓને લઇને વિરોધ શરૂ કર્યો છે ત્યારે આજે હડતાળના બીજા દિવસે એસ.ટી કર્મચારીઓએ અનોખી રીતે સરકારનો વિરોધ કર્યો હતો કચ્છમાં તમામ એસ.ટી મથકોએ આ વિરોધ કરાયો હતો જેમાં મોટી સંખ્યામા કર્મચારીઓ જોડાયા હતા તો બીજી તરફ રાજ્ય સરકારી શિક્ષણ સંઘના નેજા હેઠળ રાજ્યના શિક્ષકોએ આજે ગાંધીનગર ખાતે ઘેરાબંધી કરી હતી જેમાં કચ્છમાંથી પણ મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા અને પોતાની માંગણી અને વિરોધને સમર્થન આપ્યુ હતુ તો બીજી તરફ 15 તારીખથી હડતાળ પર બેઠેલા રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળે પણ ગઇકાલે રેલી બાદ આજે વિરોધ ચાલુ રાખ્યો હતો જેને લઇને કચ્છની વિવિધ સેવાઓને અસર પહોંચી હતી એક તરફ દેશમાં આંતકી હુમલા પછી તણાવપુર્ણ સ્થિતી ઉભી થઇ છે તે વચ્ચે કર્મચારીઓના આ વિરોધને કેટલાક બુધ્ધીજીવીઓ અયોગ્ય ગણાવી રહ્યા છે પરંતુ કર્મચારીઓ તેમની માંગણીઓને લઇને અડગ છે.
શોષણનુ સત્ય સમજાવવા કર્મચારીઓનો અર્ધનગ્ન વિરોધ
આમતો સાતમા પગારપંચ સહિતના લાભો માટે સમંયાતરે એસ.ટી કર્મચારી યુનીયન દ્વારા વિવિધ કાર્યક્રમો અપાય છે પરંતુ રાજ્યવ્યાપી જ્યારે બંધનુ એલાન ગઇકાલ રાત્રથી અપાયુ છે તેનો વિરોધ આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો આજે ભુજ,નખત્રાણા,માંડવી અને ભચાઉમા કર્મચારીઓ કામથી અળગા રહેવા સાથે પોતાના શર્ટ ઉતારી વિરોધમા જોડાયા હતા અને સરકાર વિરોધી સુત્રોચાર સાથે તેમની માંગણીઓ દોહરાવી હતી તો બીજી તરફ રાપરમા અનોખો વિરોધ કરાયો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટો પર હાર પહેરાવી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને સરકારના છાજીયા લીધા હતા.
શિક્ષકો આરોગ્ય કર્મચારીઓની લડત પણ ચાલુ
એક તરફ એસ.ટી સેવા બંધ રહેતા લોકો મુશ્કેલીમા મુકાયા છે ત્યા બીજી તરફ શિક્ષણ વિભાગે પણ સમયનો તકાજો જોઇ વિરોધની બાંયો ચડાવી છે આજે ગાંધીનગર ખાતે આયોજીત કાર્યક્રમમા ભાગ લેવા માટે અનેક કર્મચારીઓ જોડાયા હતા તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ પણ હડતાળમા 15 તારીખથી તેમની માંગણીઓને લઇને વિરોધમા ઉતર્યા છે ગઇકાલે ભુજમાં વિશાળ 800થી વધુ કર્મીઓએ રેલી સાથે સંગઠન શક્તિ દેખાડી હતી અને આજે પણ તેઓ વિરોધમા જોડાયા હતા જેને લઇને શિક્ષણ અને આરોગ્ય સેવા પર અસર પડી હતી
આમતો દર વર્ષે વિવિધ યુનીયન અને સંગઠનો સરકાર સામે ચુંટણી સમયે બાંયો ચડાવે છે અને પોતાની પડતર માંગણીઓ સદંર્ભે સરકારનો વિરોધ કરે છે. ત્યારે શિક્ષણ,આરોગ્ય અને એસ.ટી વિભાગના ત્રણે યુનીયનો એકસાથે વિરોધમા ઉતરતા રાજ્યમાં આમપ્રજા મુશ્કેલીમા મુકાઇ છે જો કે સરકારની આ અંગે વાટાઘાટો ચાલુ છે અને પ્રજાહીતમા સુખદ સમાધાન થાય તેવી પુરી શક્યતા છે પરંતુ આજનો દિવસ ગુજરાતમાં વિરોધનો દિવસ રહ્યો હતો અને તેની કચ્છમા પણ મોટી અસર જોવા મળી હતી.