આજે સવારથી જ કચ્છ અને કચ્છ બહારના કચ્છી માડુઓ ના સોશ્યલ મીડિયામાં બે સમાચારો સતત ચર્ચામાં રહ્યા હતા. એકબાજુ ભુજમાં ભાજપના ઉમેદવાર ભૌમિક વચ્છરાજાની ભુજ પાલિકાની પેટા ચૂંટણીમાં વિજયી થયાના સમાચાર અને બીજી બાજુ રાપરના કોંગ્રેસી ધારાસભ્ય સંતોકબેનના ભાજપમાં જોડાયાના સમાચાર!! જોકે, જે રીતે અત્યારે સોશ્યલ મીડિયામાં રાજકીય સમાચારો ઝડપભેર વ્યક્તિગત રીતે અને ગ્રુપમાં એકબીજાને ફોરવર્ડ થઈ રહ્યા છે. તે વિશે વર્તમાન માહોલને જોતાં સોશ્યલ મીડિયાના દરેક સમાચારની ખરાઈ કરવી જરૂરી બની ગઈ છે. ભુજની મામલતદાર કચેરીમાં પાલિકાની પેટા ચૂંટણીના કવરેજ માટે એકઠા થયેલા ભુજના પ્રિન્ટ અને ઈલેટ્રોનિક મીડિયાના પ્રેસ રિપોર્ટરોને પણ સોશ્યલ મીડીયા મારફતે કચ્છમાં રાજકીય નવાજુની થઈ હોવાના અને રાપરના કોંગ્રેસી ધારાસભ્ય સંતોકબેન પટેલ ભાજપ માં જોડાયાના સમાચારો મળ્યા હતા. જોકે, કચ્છનું મીડીયા જગત સમાચારોની ખરાઈ માટે એલર્ટ રહ્યું છે. એટલે, ભુજની મામલતદાર ઓફિસમાં મતગણતરી દરમ્યાન જ અલગ અલગ પત્રકાર મિત્રોએ ધારાસભ્ય સંતોકબેન પટેલ કોંગ્રેસ છોડીને ભાજપ માં જોડાયા હોવાના સમાચારોની ખરાઈ કરવા રાપરનાધારાસભ્ય સંતોકબેન પટેલની તમામ રાજકીય બાબતો સંભાળતા તેમના પતિ ભચુભાઈ આરેઠીયાને ફોન કર્યો હતો.
જાણો ભચુભાઈ અરેઠીયાએ શું કર્યો ખુલાસો?
ભુજના મીડિયાના પત્રકાર મિત્રો સમક્ષ ફોન ઉપર ભચુભાઈ અરેઠીયાએ જણાવ્યું હતું કે તેઓ અત્યારે ગાંધીનગરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓ,આગેવાનો સાથે કચ્છ સહિત ગુજરાતના અન્ય કોંગ્રેસી ધારાસભ્યો પણ છે. જેમાં તેમના ધારાસભ્ય પત્ની સંતોકબેન પટેલ પણ હાજર છે. એટલે ભાજપ માં જોડાવવાની વાત અફવા છે. તેઓ હજી કોંગ્રેસમાં જ છે.
શા માટે ફેલાય છે આવી વાત?
સંતોકબેન પટેલના પતિ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે. પણ, ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ભાજપ તરફ થી તેમને રાપર વિધાનસભાની ચૂંટણી લડવા નહીં મળે એવું લાગતા ચૂંટણીની પહેલાં થી જ કોંગ્રેસ તરફી ચૂંટણી લડવા મન મનાવી લીધું હતું. તેમના અને ભાજપના ઉમેદવાર વચ્ચેના રાજકીય યુદ્ધમાં કાનૂની રીતે મુશ્કેલી આવતા ભચુભાઈ એ તેમબ પત્ની સંતોકબેન ને મેદાનમાં ઉતારીને રાપરની બેઠક ભાજપ પાસે થી આંચકી લીધી હતી.