કચ્છ અને કચ્છ બહાર રહેતા હજારો કચ્છી માડુઓ માટે માઠા સમાચાર છે કે, હવે ઇમરજન્સીના સમયમાં હવાઈયાત્રા દ્વારા ભુજથી મુંબઈ જવું હોય કે પછી મુંબઈથી ભુજ આવવું હોય તો તેઓ હવાઈ મુસાફરી કરવાનું હાલના તબક્કે અનિશ્ચિત સમય માટે મુશ્કેલ બન્યું છે. છેલ્લા ઘણા સમય થી અનિયમિત રીતે ચાલતી જેટની વિમાની સેવામાં હવે મોટો બ્રેક આવ્યો છે. આજથી જેટ એરવેઝ દ્વારા ભુજ સાથેની વિમાનીસેવાઓ ૩૧ માર્ચ સુધી સ્થગિત કરી દેવાઈ છે અને એપ્રિલ મહિનાની ટિકિટો બ્લોક કરી દેવાઈ છે. એટલે,કે ટિકિટ ઇસ્યુ થતી નથી. પરિણામે, ભુજ-મુંબઈ અને મુંબઈ-ભુજ વચ્ચેની હવાઈસેવા ખોરવાઈ જવાનો ભય ઉભો થયો છે. . દરરોજની બે ફલાઇટ માંથી એક ફ્લાઇટ ચાલુ રાખનાર જેટ એરવેઝ હવે બન્ને ફલાઈટો ૩૧ માર્ચ સુધી બંધ કરવાની જાહેરાત કરીને ટિકિટ બુકીંગ કરાવનાર પ્રવાસીઓને પૈસા પાછા આપવાનું શરૂ કરી.દીધું છે. ગઈકાલે શનિવારે એકાએક ફ્લાઇટ રદ્દ કરાયા પછી રખડી પડેલા પ્રવાસીઓને પ્રવાસ માટે અન્ય વિકલ્પ આપવાને બદલે હાથ ઊંચા કરી દેવાયા હતા. જોકે, ભુજ એરપોર્ટ ઉપર ડખ્ખો કરાયા બાદ પ્રવાસીઓને પોતાના ખર્ચે રાજકોટ અથવા તો અમદાવાદ પહોંચવાનું જણાવી ત્યાંથી મુંબઈ પહોંચવાની વ્યવસ્થા માંડ માંડ કરાઈ હતી. પણ, આજથી તો હવે વિમાની પ્રવાસની ટિકિટ બુક કરાવનાર પ્રવાસીઓને પરત ટિકિટના રૂપિયા આપવાનું અથવા તો સ્વખર્ચે રાજકોટ/અમદાવાદ પહોંચીને ત્યાંથી મુંબઈની ટિકિટ એડજેસ્ટ કરવા માટે ની સૂચના અપાઈ રહી છે. જેટ એરવેઝની આર્થિક હાલત ખરાબ છે અને તે પણ કિંગફિશર એરલાઇન્સની જેમ દેવાળું ફૂંકી રહી છે. કોર્પોરેટ વર્તુળોના જણાવ્યા પ્રમાણે જેટ એરવેઝનું દેવું વધીને ૮ હજાર કરોડ ₹ થઈ ગયું છે. કંપનીના ૧૧૯ વિમાનો પૈકી ૫૩ વિમાનો ગ્રાઉન્ડ થઈ ગયા છે, એટલે કે જમીન ઉપર જ રાખી દેવાયા છે. આર્થિક હાલતને કારણે જેટ એરવેઝના ભવિષ્ય સામે સવાલ હોઈ અત્યારના તબક્કે તો ભુજ સાથેની વિમાનીસેવાઓ શરૂ કરવા ઉપર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
વર્ષો બાદ ભુજ હવાઈસેવાથી કટઓફ થઈ જવાનો ભય છે, ત્યારે ઇમરજન્સીના સમયમાં વધી શકે છે મુશ્કેલી
અત્યારે જેટ એરવેઝની વિમાની સેવા અનિશ્ચિત સમય માટે બંધ થયા બાદ ભુજમાં હવે દર સોમવારે એર ઇન્ડિયાની વિમાની સેવા જ ચાલુ રહેશે. અઠવાડિયામાં માત્ર એક જ દિવસ આવતું એર ઇન્ડિયાનું પ્લેન માત્ર ૬૫ સીટર છે. લોકોની સુવિધા માટે હવે એર ઇન્ડિયા પહેલાની જેમ જ દરરોજ વિમાની સેવા શરૂ કરે તેવી માંગણી ઉઠી રહી છે. તો, સાંસદ, ધારાસભ્યો અને વ્યાપારી સંસ્થાઓ તેમ જ રાજકીય સામાજિક આગેવાનો પણ નિયમિત વિમાની સેવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરે તે જરૂરી છે. ઔદ્યોગિક વિકાસ અને પ્રવાસન ક્ષેત્રના વિકાસ પછી જે ભુજ એરપોર્ટ ઉપર દરરોજના બબ્બે બોઇંગ વિમાન આવતા હતા તે ભુજ એરપોર્ટ હવે વિમાનીસેવાઓ થી વંચિત થઈ જતાં લોકોની મુશ્કેલી વધશે. વિમાનીસેવાઓના ઇતિહાસમાં ભુજના હવાઈભાડા ઊંચા રહ્યા છે ત્યારે પ્રવાસીઓની અવરજવરને ધ્યાને લઈને એર ઇન્ડિયા સિવાય અન્ય ઈન્ડિગો કે સ્પાઇસ જેટ જેવી અન્ય કંપનીઓ કે ટાટા દ્વારા સંચાલિત એર એશિયા જેવી એરલાઇન્સને પણ વ્યાજબી હવાઈભાડા સાથે ભુજ માટે લાંબાગાળાના આયોજન માટે વિમાનીસેવાઓ શરૂ કરવા સમજાવવું જોઈએ. આઝાદી પૂર્વે જ્યારે ઇસ ૧૯૨૩ થી (૯૬ વર્ષ પહેલાં) ભુજના ટપકેશ્વરી ઉપર એરોડ્રામ (અત્યારે એરપોર્ટ કહેવાય છે) હતું ત્યારે ટાટા કંપની નું પ્લેન મુંબઈ થી ભુજ થઈને કરાંચી અને પરત એજ રસ્તે કરાંચી થી ભુજ થઈ ને મુંબઈ અવરજવર કરતું હતું. ૯૬ વર્ષો થી હવાઈસેવા ધરાવતા કચ્છ અને તેના પાટનગર માટે વિમાનીસેવા બંધ થવાનો ઝળુંબતો ભય દૂર થાય તે જરૂરી છે. પણ, મૂળ વાત અહીં ઇમરજન્સીના સમયમાં મુશ્કેલીને ટાળવાની છે. કારણ કચ્છ માં મોટાભાગે વડીલો રહે છે અને તેમના સંતાનો કચ્છ બહાર દેશ દેશાવર માં રહે છે, તેમને ઇમરજન્સીના સમયમાં ઝડપથી પહોંચવાનો પ્રવાસનો આધાર બંધ થઈ રહ્યો છે.