કચ્છ લોકસભા બેઠક માટે યોજાયેલી ભાજપના નિરીક્ષકોની બેઠક દાવેદારો ના બાહ્ય અને આંતરિક રાજકારણને કારણે ચર્ચામાં રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ એનડીએ ગઠબંધન માટે ૨૦૧૯ની આ બીજી ટર્મમાં જીતવુંએ અગ્નિ પરીક્ષા સમાન છે. તેમ છતાંયે ભાજપમાં હજીયે મોદી મેજિકને આધારે ચૂંટણી જીતી જવાશે એવી આશા સાથે ચૂંટણી લડવા ઇચ્છનારાઓની સંખ્યા ગત ચૂંટણીની અપેક્ષાએ વધુ છે. કચ્છની જ વાત કરીએ તો લોકસભાની એક બેઠક માટે ૪૧ જેટલા રેકર્ડબ્રેક દાવેદારોએ જો પોતાને ટીકીટ મળે તો ચૂંટણી લડવા તૈયારી દર્શાવી હતી.
એક બાજુ નિરીક્ષકોની બેઠક ચાલતી રહી બીજી બાજુ કચ્છ ભાજપમાં આંતરિક ‘રાજરમત’ ચાલતી રહી
કચ્છ લોકસભાની ચૂંટણીમાં આમ તો ભલે ભાજપના ઉમેદવારનો સીધો જંગ કોંગ્રેસના ઉમેદવાર સામે હોય પણ તે પહેલાં ચૂંટણીની ટીકીટ મેળવવા માટે ભાજપના ઉમેદવારોની આંતરિક લડાઈ ભારે ખેંચતાણભરી રહી હતી. ન્યૂઝ4કચ્છ એ આ તમામ ગતિવિધિ નજીકથી નિહાળી છે. કોઈની સામે નહીં અને કોઈની સાથે નહીં એ સિદ્ધાંત સાથે કામ કરનાર ન્યૂઝ4કચ્છ વેબ પોર્ટલને ટૂંક સમયમાં એક વર્ષ પૂર્ણ થવામાં છે અને અમારી આ ન્યૂઝ વેબ સાઈટના વિઝીટરોની સંખ્યા પણ ૨૫ લાખની નજીક પહોંચવામાં છે. કોઈની તરફેણમાં કામ કરવું કે કોઈને ઉતારી પાડી સનસનાટી મચાવવાથી ન્યૂઝ4કચ્છ દૂર રહ્યું છે એટલે જ વિવાદિત રહેવાને બદલે અમે અમારી વેબ સાઈટના ૨૫ લાખ વિઝીટરોનો ‘વિશ્વાસ’ સંપાદન કરી શક્યા છીએ. ફરી પાછા રાજકીય સમાચારો તરફ પાછા વળીએને વાત કરીએ તો, દાવેદારોની રજુઆત સાંભળ્યા પછી ભાજપના ત્રણે નિરીક્ષકો વતી રણછોડભાઈ રબારીએ પત્રકારો સાથે દાવેદારોની રજુઆત, નામ અને જુથબંધી તેમ જ ભાજપની જીત વિશે વાત કરી હતી. આપ પણ એ ઇન્ટરવ્યૂ ધ્યાન થી સાંભળો
રણછોડભાઈ રબારીએ પત્રકારોને જ્યારે કહ્યું કે, તેમને દાવેદારોની રજુઆત દરમ્યાન કચ્છ ભાજપમાં ક્યાંયે જુથબંધી દેખાઈ નથી ત્યારે તમામ પત્રકારો હસી પડ્યા હતા, જોકે, નિરીક્ષકો પૈકી કચ્છના પ્રભારી એવા બિપિન દવે નું સૂચક હાસ્ય અને વસુબેન ત્રિવેદીનું મંદમંદ હાસ્ય જોયા બાદ રણછોડભાઈ રબારી પણ મલકયાં હતા. વાત તો એ જ હતી કે, જૂથબંધીની અસર વિશે કોઈએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. પણ, મીડિયાએ તે જોયું હતું.
પોતાના શક્તિ પ્રદર્શન માટે એક નેતાએ ભુજની સમાજવાડીમાં તો એક નેતાએ એરપોર્ટ રોડ ઉપર ખાનગી હોટેલ માં બેઠક બોલાવી
એકબાજુ નિરીક્ષકો ખાનગી હોટેલની અંદર ‘સેન્સ’ લઈ રહ્યા હતા. બીજી બાજુ બહાર શક્તિ પ્રદર્શન થઈ રહ્યું હતું. મહિલા દાવેદારની રજુઆતના સમર્થન માટે દરિયાઈ વિસ્તારના એક નેતાએ ભુજના એરપોર્ટ રોડ ઉપર ખાનગી હોટેલમાં બેઠક બોલાવી હતી. તો પૂર્વ કચ્છના એક નેતાએ ભુજની સમાજવાડીમાં કાર્યકરોને એકઠા કરી પૂર્વ કચ્છ, વિકસિત દરિયાઈ પટ્ટીના તાલુકાઓની સાથે ભુજમાં પણ પોતાના સમર્થકો હોવાનો સંદેશ આપ્યો હતો. તો, આ બધા વચ્ચે જિલ્લા સંગઠન, સૌરાષ્ટ્ર ને જોડતા વિસ્તારો ઉપરાંત પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના વિસ્તારો તેમજ શહેરના સંગઠનો, યુવા કાર્યકરોએ બધાને સાથે લઈને ચાલનાર પાર્ટી લાઇનના ઉમેદવારની તરફેણ કરીને પોતાના સમર્થન દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું હતું. જોકે, કચ્છ ભાજપના નેતાઓની રાજકીય ‘હલચલ’ તેમજ દાવેદારોની દિવસભરની આ ચહેલપહેલ ઉપર ભાજપના સમર્પિત કાર્યકરો અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા આગેવાનોની ઝીણી નજર રહી હતી.
જાણો દાવેદારી કરનારા જાણીતા નામો
ચૂંટણી લડવા ઇચ્છતા પાર્ટીના કાર્યકરો પોતાની ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી દાવેદારી નોંધાવી શકે છે. પણ, અંતે તો તેમના નામ ઉપર મંજુરી પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ મારે છે. કચ્છ લોકસભા બેઠકની વર્તમાન ચૂંટણી લડવા માટે કુલ ૪૧ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમાં વર્તમાન સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ગાંધીધામના કાઉન્સિલર જે. પી. મહેશ્વરી, જિલ્લા પંચાયત સદસ્ય નરેશ મહેશ્વરી, ગોધરા (માંડવી) ગ્રામ પંચાયતના વર્ષાબેન કન્નર એ પ્રથમ ચાર નામોની સૌથી વધુ ચર્ચા વચ્ચે અન્ય દાવેદારોમાં ગાંધીધામ પાલિકાના પ્રમુખ કાનજી ભર્યા, ભુજ પાલિકાના પૂર્વ પ્રમુખ અશોક હાથી, એડવોકેટ પી. એસ. કેનિયા, પૂર્વ સમાજસુરક્ષા અધિકારી અર્જુન મહેશ્વરી, પચાણ વીરા (ભુજ), રામજી મેરિયા (ચોબારી, ભચાઉ), આ ઉપરાંત પણ અન્ય દાવેદારો એ પોતાની દાવેદારી નોંધાવી હતી. એકંદરે આખા દિવસનો રાજકીય માહોલ ગરમ રહ્યો હતો અને હજી પણ એ ઉમેદવારનું નામ ફાઇનલ થાય ત્યાં સુધી આ રાજકીય ગરમી રહેશે.
૧૯/૩/૧૮ના દિલ્હી મધ્યે નરેન્દ્ર મોદી, અમિત શાહ ની હાજરીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ કચ્છ ના ઉમેદવારની ચર્ચા કરશે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ, જિલ્લાના મહામંત્રીઓ, ધારાસભ્યો ની હાજરી રહેશે. આમ કચ્છ લોકસભા બેઠક ના ઉમેદવાર માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજર માં થી ઉમેદવારે ખરા ઉતરવાનું રહેશે.