Home Current ભુજ પાલિકાના કોંગ્રેસના નેતાએ કચ્છ ભાજપ પ્રમુખને લખેલા પત્ર એ સર્જી શહેરમાં...

ભુજ પાલિકાના કોંગ્રેસના નેતાએ કચ્છ ભાજપ પ્રમુખને લખેલા પત્ર એ સર્જી શહેરમાં ચર્ચા – જાણો શું લખ્યું?

2284
SHARE
લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ભુજ નગરપાલિકાના કોંગ્રેસના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલને લખેલા પત્રએ શહેરમાં રાજકીય હલચલ સાથે ચર્ચા સર્જી છે. રાજેન્દ્રસિંહ જાડેજાએ લખેલા આ પત્રમાં પેવર બ્લોકના કામને કારણે ભુજ નગરપાલિકાની તિજોરીને ૧ કરોડ ₹ નો ધુંબો લાગ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને છેલ્લી કારોબારી બેઠકમાં લોકસભાની ચૂંટણી ને કારણે ઝડપભેર પેવર બ્લોકના મંજુર કરાયેલ ૩ કરોડ ₹ ના ટેન્ડર ની તપાસ કરવાની માંગ કરી છે. ૪ એજન્સી દ્વારા અપાયેલા ટેન્ડરના ભાવોની ટકાવારી સંદર્ભે કરેલા આક્ષેપ પ્રમાણે ભુજની બે એજન્સીઓના ટેન્ડર અધુરાશોના કારણે રદ્દ કરાયા, પણ ભુજ બહારની બીજી બે એજન્સીઓના કામો મૂળ અંદાજના ભાવ કરતા ૮ % અને ૧૫ % જેટલા ઊંચા હતા. ઊંચા ભાવ આપનાર એજન્સીઓ સાથે વાટાઘાટ કરીને મૂળ અંદાજ ના ભાવો નક્કી કરી કામ અપાયું. પણ, જો ભુજ પાલિકાએ સહેજ તકેદારી રાખી હોત તો ૨૦ થી ૨૫ % નીચા ભાવ થી પેવર બ્લોકનું કામ કરનાર એજન્સી મળી જાત. ભુજ પાલિકાના ઘણા ટેન્ડરો ૨૦ થી ૨૫ % નીચા ભાવે જાય છે. ત્યારે પેવર બ્લોક ના કામ માં બીજી વાર ટેન્ડર બહાર પાડીને અથવા તો ટેન્ડર મંજુર કરાયું તે એજન્સી સાથે વધુ વાટાઘાટ કરીને મૂળ અંદાજ કરતા ભાવો નીચા લાવી શકાયા હોત. ભુજ શહેરના વિકાસ કામોને નામે ચૂંટણીના નામે જો ઝડપભેર મંજુરી આપવાની ભુજ પાલિકાની કારોબારીને ઉતાવળ હોય તો પીવાના પાણી અને જાહેર બિસમાર રસ્તાઓ રીપેર કરવાની જરૂરત ને પ્રાયોરિટી આપવાની જરૂર હતી. પણ,પેવર બ્લોક ના કામ માં ૧ કરોડ ₹ ના ભ્રષ્ટાચાર માટે ઉતાવળ કરાઈ છે. જેને કારણે ભુજ પાલિકાની તિજોરીને ૧ કરોડ ₹ નું આર્થિક નુકસાન થયું છે. પોતાના પત્રની સાથે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને તેમણે (રાજેન્દ્રસિંહે) ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને આ જ સંદર્ભે લખેલ પત્રની નકલ પણ મોકલી છે.