મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરી સાથે જ કચ્છ-મોરબી લોકસભા બેઠકના ચૂંટણી જંગે ઉનાળાની ગરમી જેવો જ જોરદાર રાજકીય ગરમાવો પકડી લીધો છે. ઉમેદવારી પત્ર ભરવા સમયે ભુજમાં ધોમધખતા તાપ વચ્ચે વિશાળ સંખ્યામાં ઉમટી.પડેલા ભાજપના કાર્યકર્તાઓનો ઉત્સાહ ખુદ મુખ્યમંત્રી ની હાજરીને કારણે બેવડાયો હતો. કચ્છ ભાજપના મીડીયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કરે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોઈ ઉમેદવારનું નામાંકન પત્ર ભરાતું હોય ત્યારે તે ઉમેદવારની સાથે રાજ્યના મુખ્યમંત્રી જાતે જાય તે ઘટના કચ્છના રાજકીય ઇતિહાસમાં સૌ પ્રથમ છે. વિનોદ ચાવડાની સાથે ઉમેદવારી પત્ર ભરવા સમયે ભુજની કલેકટર કચેરીએ પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ચૂંટણીની આચારસંહિતાનો અમલ કરવો પડ્યો હતો. ૧૦૦ મીટર દૂર જ તાલુકા પંચાયત પાસે CM ના કાફલાને રોકી દેવાયો હતો. તો, કલેકટર રેમ્યા મોહન દ્વારા ચૂંટણી આચારસંહિતા અંતર્ગત અપાયેલા નિર્દેશ મુજબ CM વિજય રૂપાણી, રાજયમંત્રી વાસણભાઈ આહીર, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિત માત્ર પાંચ જ ટેકેદારોને ઉમેદવાર વિનોદ ચાવડાના નામાંકન સમયે પ્રવેશ અપાયો હતો. ભારતીય લોકશાહીની આદર્શ આચારસંહિતાનું પાલન દર્શાવતી તસ્વીરમાં પણ જોઈ શકાય છે કે, નામાંકન ભરતી વેળાએ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સામે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી બેઠા હતા અને તમામ જરૂરી વિધિઓ પૂર્ણ કરી હતી. કલેકટરની સાથે અધિક કલેકટર શ્રી ઝાલા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ ઉમેદવારી પત્રના નામાંકનની સરકારી કાર્યવાહી કરી હતી. જોકે, કલેકટર કચેરીની બહાર મીડિયાના પ્રતિનિધિઓ CM નો ઇન્ટરવ્યૂ લેવા ઉતાવળ અને ઉત્સુક હતા. પોલીસની સામે આચારસંહિતાનું પાલન કરાવવાની જવાબદારી હતી. ડીએસપી સૌરભ તોલુંબિંયા અને ડીવાયએસપી જે.એન. પંચાલે મીડિયાને સમજાવ્યું હતું કે, નિયમ પ્રમાણે ૧૦૦ મીટર દૂર ઇન્ટરવ્યૂ કરી શકાશે. એટલે મીડિયાના પ્રતિનિધિઓ તાલુકા પંચાયત કચેરીની સામે પહોંચ્યા હતા. જોકે, નામાંકન ભરીને કલેકટર કચેરીની બહાર નીકળેલા CM વિજય રૂપાણીએ મીડીયા સાથે ઇન્ટરવ્યૂ માટે નજર ફેરવી હતી. એટલે, પોલીસે CMને સૂચન કર્યું હતું કે, મીડીયાને આચારસંહિતા અંતર્ગત ૧૦૦ મીટર દૂર ઇન્ટરવ્યૂ આપી શકાશે. તરત જ CM વિજય રૂપાણી, ઉમેદવાર વિનોદ ચાવડા, પ્રમુખ કેશુભાઈ પટેલ કલેકટર કચેરીએ થી ધોમ ધખતા તાપમાં પગે ચાલીને મીડીયાના પ્રતિનિધિઓ સુધી પહોંચ્યા હતા. CM વિજય રૂપાણીએ તરબૂચ વેંચતા શ્રમજીવીના બાંધેલા કાચા મંડપ નીચે ઊભીને મીડીયાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આમ, રાજ્યના મુખ્યમંત્રીએ નામાંકન સંબધિત કલેકટર, ડીએસપી ના સૂચન અનુસાર ચૂંટણી પંચની આચારસંહિતાનું પાલન કર્યું હતું.
મીડીયાને નામાંકન સમયે દૂર રખાયું,અરજદારો,નાના ધંધાર્થીઓ,વાહનચાલકો પરેશાન થયા
જોકે, પ્રથમ વખત જ નામાંકન સમયે પત્રકારોને કલેકટર કચેરી થી દુર રખાયા હતા. નામાંકન સમયે સુરક્ષાના કારણોસર કલેકટર કચેરી ના દરવાજા બંધ કરાતા બપોર સુધી અરજદારોને મુશ્કેલી થઈ હતી. રોડ શો દરમ્યાન સભા સ્થળ મિરઝાપર રોડ થી કલેકટર કચેરી વચ્ચે નાના ધંધાર્થીઓ ના ધંધા બંધ કરાવાયા હતા. તો, વાહનચાલકોને પણ થોડીવાર ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.
૧૯૭૭ થી ૨૦૧૯, જાણો અનંત દવે સાથે સંકળાયેલ કચ્છ ભાજપના સંસ્મરણો
વ્યસ્તતા અને ગરમી વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ ભાજપના દિવંગત નેતા અનંત દવેને યાદ કર્યા હતા. તેમની પ્રતિમાને ફુલહાર સાથે તેમણે શ્રદ્ધાંજલિ અર્પી હતી. ૧૯૭૭ માં કટોકટી દરમ્યાન અનંત દવે સાથે પોતે જેલમાં હતા એ વાતનો મુખ્યમંત્રી એ ઉલ્લેખ કર્યો હતો. અનંત દવે ૧૯૭૭ માં રાજ્યસભામાં ચૂંટાનાર કચ્છ ભાજપના પ્રથમ સાંસદ હતા. એટલે એમ કહી શકાય કે, કચ્છ ભાજપમાં સાંસદ બનનાર અનંત દવે પ્રથમ કાર્યકર હતા. આમ વર્તમાન ૨૦૧૯ માં ૧૯૭૭ ના ભૂતકાળને ભાજપે યાદ કર્યો હતો.