લોકસભા ૨૦૧૯ની ચૂંટણી જીતવા ભાજપ એડીચોટીના જોર સાથે પોતાની રણનીતિ સાથે આગળ વધી રહ્યો છે ગુજરાત અને ખાસ કરીને કચ્છ ભલેને ભાજપનો ગઢ ગણાતું હોય પણ ભાજપ પોતાની આક્રમક રણનીતિ સાથે કોઈ કચાશ રાખવા માંગતું નથી ત્યારે આજે ભુજ એકાએક આવેલા ભાજપના શીર્ષસ્થ નેતાઓ ઓમ માથુર અને ભીખુભાઇ દલસાનણીયા એ ભુજમાં કચ્છ ભાજપના આગેવાનો સાથે બંધ બારણે યોજેલી બેઠકે રાજકીય હલચલ સર્જી છે.
કચ્છ ભાજપમાંથી કોણ કોણ રહ્યું હાજર?
ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ આજે ખાસ વિમાનમાં ભુજ આવીને કચ્છ લોકસભાની બેઠક સંદર્ભે ચર્ચા કરી હતી કચ્છ ભાજપ વતી આ બેઠકમાં પ્રદેશ ભાજપ દ્વારા ખાસ આમંત્રિત તરીકે વરિષ્ઠ નેતા તારાચંદભાઈ છેડા, કચ્છ જિલ્લા રાજયમંત્રી વાસણભાઇ આહીર, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, કાંતિભાઈ અમૃતિયા, કચ્છ લોકસભા બેઠકના ઇન્ચાર્જ દિલીપ ત્રિવેદી, જિલ્લા મહામંત્રીઓ અનિરુદ્ધ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દરમ્યાન આ બેઠકમાં કચ્છ લોકસભા બેઠક જીતવા માટે મહત્વની ચર્ચાઓ અને સૂચનો વિશે વિચાર વિમર્શ કરાયો હતો જો, ક્યાં કોઈ આગેવાનો કે કાર્યકરો વચ્ચે નાનો મોટો મનભેદ કે મતભેદ હોય તો તે નિવારવા માટે ચર્ચા પણ કરાઈ હતી.
જાણો ઓમ માથુરે શું કહ્યું?
બેઠક પૂર્ણ કર્યા બાદ ઓમ માથુરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપે ૨૬ લોકસભા બેઠક જીતવાના ભાગ રૂપે દરેક જિલ્લા સંગઠન સાથે શરૂ કરેલી બેઠકોની શરૂઆત અમે કચ્છ થી કરી છે ભુજમાં મોરબી કચ્છ લોકસભા બેઠકના સાત વિધાનસભા વિસ્તારો વિશે ચર્ચા કરી હોવાનું અને બુથના માઈક્રો લેવલ મેનેજમેન્ટ અંગે સંગઠનના આગેવાનો સાથે ચર્ચા કરાઈ હોવાનું ઓમ માથુરે જણાવ્યું હતું જોકે, કચ્છ ભાજપમાં ક્યાંયે જૂથવાદ કે અસંતોષ હોવાની વાતને ઓમ માથુરે રદિયો આપીને સૌ એક થઈ ને લડી રહ્યા હોવાનું જણાવ્યું હતું ભુજ બાદ ઓમ માથુર અને ભીખુભાઇ દલસાણીયા રાજકોટ તેમજ અમરેલી જવા રવાના થયા હતા.