ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ તેમ જ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સંદર્ભે મહત્વની જાહેરાત કરાઈ છે. માર્ચ ૨૦૧૯ માં ચાલુ વર્ષે લેવાયેલી ધોરણ ૧૦ SSC બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ ૨૧ મી મે મંગળવારે જાહેર કરાશે. ધોરણ ૧૦ ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ૨૧ મીના સવારે ૮ વાગ્યાથી પોતાનું પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર નિહાળી શકશે. જ્યારે માર્કશીટ ૨૧ મીએ શાળામાં ૧૧ વાગ્યાથી ૫ વાગ્યા દરમ્યાન મળી શકશે. સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું રિઝલ્ટ પણ ૨૧ મીએ બોર્ડની વેબસાઈટ ઉપર મુકાશે.
૧૨ મા વિજ્ઞાન પ્રવાહમાં પેપર રીઓપન માટે તેમ જ ગુજકેટ omr શીટ માટેની સૂચના
જે વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી છે, તેમની omr માર્કશીટ મેળવવા માટે તેમ જ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી છે અને પરિણામ જાહેર થયા બાદ ફરી પેપર ઓપન કરીને ગુણ ચકાસણી કરાવવા માંગે છે તેમના માટે બોર્ડે મહત્વની સૂચનાની જાહેરાત કરી છે. તારીખ ૧૫ મી મે ના ૪ વાગ્યાથી તારીખ ૨૨ મી મે ના સાંજે ૫ વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર નિયત ફીની રકમ ભરીને અરજી કરવાની રહેશે.