Home Current ભુજ પાલિકાના પ્રમુખ-કારોબારી ચેરમેન પદ પર રહેવાને લાયક નથી – ૧૧ પાનાની...

ભુજ પાલિકાના પ્રમુખ-કારોબારી ચેરમેન પદ પર રહેવાને લાયક નથી – ૧૧ પાનાની નોટિસ સાથે કોર્ટમાં જંગ છેડવાની ચીમકીથી રાજકીય ખળભળાટ

1842
SHARE
લાગે છે કે વહીવટના મામલે ભુજ નગરપાલિકા સાથે કાયમી વિવાદ જોડાઈ ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરતા હોય પણ ભુજ પાલિકાના ભાજપના શાસનનો ભ્રષ્ટાચાર હટાવવામાં સાંસદ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ નિષફળ રહ્યા છે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ હોદ્દેદારોની નારાજગી અને ટીકા છતાંયે શાસનમાં સુધારો નથી,નવા નગરસેવકો જુનાને સારા કહેવડાવે એવી હાલત છે કર્મચારીઓની મનમાનીથી અને શાસકોના ભ્રષ્ટાચારથી રગડદગડ ચાલતા ભુજ પાલિકાના વહીવટ સામે ફરી એકવાર વિપક્ષ કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે, એટલું જ નહીં પણ કાયદાની કલમો ટાંકીને શાસક પક્ષના મુખ્ય પદાધિકારીઓની ખુરશીના પાયા ડગમગાવી નાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

વિપક્ષ કોંગ્રેસની ૧૧ પાનાની નોટિસથી ભાજપના નગરસેવકોનું એક જૂથ હરખમાં, જાણો શું છે નોટિસમાં

કચ્છના જાણીતા ધારાશાસ્ત્રી અવનીશ ઠક્કર તથા એસ.એસ.ચાકી મારફતે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કારોબારી ચેરમેનને આ નોટિસ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આપી છે જેમાં ભુજ પાલિકા શહેરના નાગરિકોની જાહેર સુખાકારી માટેની સુવિધમાં નિષફળ ગઈ હોવાનો ઉલ્લેખ છે રાજસ્થાન હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાઓ ઉપરાંત મ્યુનિસિપાલટીના એકટ હેઠળ આવતી ફરજો બજાવવામાં ભુજ પાલિકા અને તેના સતા સ્થાને બેઠેલા પ્રમુખ/કારોબારી ચેરમેન પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ ગયા હોવાનું જણાવાયું છે, એટલે તેમને સત્તા સંભાળવાનો કોઈ અધિકાર રહેતો નથી ૧૧ પાનાની નોટિસમાં એડવોકેટ અવનીશ ઠક્કરે કાયદાની વિવિધ જોગવાઈઓ ટાંકી છે, તો વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ભુજ પાલિકાની નિષફળતાઓનો હવાલો આપ્યો છે જેમાં  ★ ભુજની રેલવે કોલોની, બેંકર્સ કોલોની, કોર્ટ સંકુલ સહિતના જાહેરમાર્ગો ઉપર ઉભરાતા ગટરના પાણી ★ સ્ટ્રોમ વોટરના નામે વરસાદી પાણીના નિકાલમાં ભ્રષ્ટાચાર છતાંયે કોન્ટ્રાક્ટરને સ્ટ્રોમ વોટર માટેની લાખો રૂપિયાની રકમનું ચુકવણું કરી દેવાયું, આ રકમ ફરી વસુલવાની માંગ કરાઈ છે. ★ સ્ટ્રોમ વોટર માટે ભુજના જાહેર રસ્તાઓ ખોદાઇ ગયા પછી ખાડા ટેકરાવાળી હાલતમાં પડ્યા છે, લોકો પરેશાન છે, નિયમ પ્રમાણે તે ફરી રીપેર કરવાની જવાબદારી પાલિકાની હોવા છતાંયે એક વર્ષ થયું હજી રીપેર થયા નથી ★ ચોમાસું ઉપર છે, ત્યારે નાળા સફાઈના કામો થતા નથી ★ કૃષ્ણાજી પુલ જર્જરિત થઈ ગયો છે, ચોમાસા દરમ્યાન હમીરસરમાં જો નવું પાણી આવે તો કૃષ્ણાજી પુલને નુકસાન પહોંચી શકે તેમ છે, તો તેને તાત્કાલિક રીપેર કરવા ★ નિયમ પ્રમાણે ફૂટપાથ ખોદી શકાતી નથી પણ વી.ડી. હાઈસ્કૂલ થી જ્યૂબીલી ગ્રાઉન્ડ સુધી ફૂટપાથ ખોદીને પાઇપ, ફાઇબરના વાયર નખાયા છે, ખોદાયા પછી ફૂટપાથ ફરી રીપેર કરાઈ નથી ★ રખડતાં ઢોરોની સમસ્યા વકરી છે, ઢોરોએ હડફેટે લેતાં નિર્દોષ નાગરિકોના મૃત્યુના અને ઇજાઓના બનાવો બની ચુક્યા છે, છતાંયે કંઈ થયું નથી ★ ભુજમાં દબાણો વધી રહ્યા છે, તેની સામે કોઈ કાર્યવાહી કરાતી નથી ★ ભૂકંપ ઝોનમાં આવતું હોવા છતાંયે ભુજ શહેર જાણે નધણીયાતું હોય તેવી હાલત છે, નિયમ વિરુદ્ધ નવા બાંધકામો થઈ રહ્યા છે, અંડર ગ્રાઉન્ડ થતા બાંધકામો જોખમી છે ★ જૂની જર્જરિત બહુમાળી ઇમારતો જોખમી હાલતમાં ઉભી છે, જો આ જોખમી ઇમારતોથી કોઈ દુર્ઘટનાઓ સર્જાય તો કોણ જવાબદાર? ★ ભુજમાં ઘણો લાંબો સમય થયો મુખ્ય રસ્તાઓ નવા બન્યા નથી તેમ જ અનેક શેરીઓના રસ્તાઓ પણ નવા બન્યા નથી તે કામો શરૂ કરવા જોઈએ ★ હમીરસરના બ્યુટીફિકેશનનું કામ શરૂ કરાયું, કરોડો રૂપિયા ફળવાયા પણ હવે એકાએક એ કામ બંધ કરી દેવાયું છે, તો તેના માટે ફળવાયેલ રકમ ક્યાં ગઈ? ★ મેડિકલ વેસ્ટ શહેરમાં જ્યાં ત્યાં ફેંકી દેવાય છે, તેનો યોગ્ય નિકાલ કરાતો નથી, જર લોકોના આરોગ્ય માટે હાનિકારક છે.
આવા અનેક મુદ્દાઓ સાથે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ૩૦ દિવસમાં આ અંગે કાર્યવાહી કરવા અથવા તો કાયદાકીય જંગનો સામનો કરવા ચીમકી આપી છે ભુજના નગરજનો વતી અપાયેલ આ નોટિસમાં જિલ્લા કલેકટરને પણ તેમની સતા હોવા છતાંયે કોઈ કામગીરી નહીં કરાતાં તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવા જણાવાયું છે આ નોટીસની કોપી ગાંધીનગર, રાજકોટ સ્થિત નગરપાલિકા નિયામકને પણ મોકલાઈ છે જોકે, એકબાજુ ભુજ પાલિકાના ભાજપના એક જૂથમાં આ નોટિસે હરખ સર્જ્યો છે, તો બીજી બાજુ લોકોમાં એ ચર્ચા પણ જગાવી છે કે, શું વિપક્ષ કોંગ્રેસ પ્રમુખ/કારોબારી ચેરમેનની ખુરશીના પાયા ડગમગાવવામાં સફળ થશે? ભુતકાળમાં પણ વિપક્ષે અનેકવાર સામાન્ય સભામાં ઉપરાંત કલેકટર , નગરપાલિકા નિયામક સમક્ષ ઉગ્ર લેખિત રજૂઆતો કરી છે, કાયદાકીય ચીમકી પણ આપી છે, પણ ભુજ પાલિકાનો નથી વહીવટ સુધર્યો કે નથી વિપક્ષે કોઈ કાયદાકીય લડાઈ શરૂ કરી પણ, આ વખતે ૧૧ પાનાની નોટીસ સાથે કોંગ્રેસે વિપક્ષ તરીકે લોકોની સમસ્યાઓ માટે આકરો મિજાજ બતાવ્યો છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે, આગળ શું થાય છે.