Home Current મેડિકલ વેસ્ટ અને જનઆરોગ્ય સેવામાં બેદરકારી બદલ વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ પણ થઈ...

મેડિકલ વેસ્ટ અને જનઆરોગ્ય સેવામાં બેદરકારી બદલ વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ પણ થઈ શકે છે બંધ? –  જાણો, પ્રદુષણ બોર્ડે શું આપી આકરી નોટિસ?

1123
SHARE
દર્દીઓના, હોસ્પિટલ સ્ટાફના અને લોકોના જાહેર આરોગ્યના ભોગે થતાં બાયોમેડીકલ વેસ્ટના નિકાલ અને આરોગ્ય સેવામાં રહેલી ખામીઓ બાબતે પ્રદૂષણ બોર્ડે ભુજની બીજી હોસ્પિટલને પણ આકરી નોટિસ ફટકારી છે ગુજરાત પ્રદૂષણ બોર્ડના મેમ્બર સેક્રેટરી કે.સી. મિસ્ત્રીની સહી સાથે ભુજની વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલને તા/૨૦/૭/૧૯ ના આકરી નોટિસ પાઠવાઈ છે જેમાં વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ સામે બાયો મેડિકલ વેસ્ટના નિકાલની બેદરકારી બદલ તેમજ આરોગ્ય સેવામાં રહેલી ખામીઓ તરફ ગંભીર ક્ષતિઓ દર્શાવાઇ છે તેની સાથે આ નોટિસમાં આકરી ચેતવણી પણ અપાઈ છે, જો ૩૦ દિવસમાં હોસ્પિટલની આરોગ્યસેવા, સ્ટાફ સંબંધીત જાગૃતિ, બાયોમેડીકલ વેસ્ટના નિકાલ બાબતે યોગ્ય વ્યવસ્થા નહિં કરાય તો વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરવાની, ચેકઅપ કરવાની મનાઈ ઉપરાંત વીજ પુરવઠો કાપી નાખીને હોસ્પિટલની સેવાઓ બંધ કરી દેવા ની આકરી ચેતવણી અપાઈ છે.
આ છે વાત્સલ્ય હોસ્પિટલની આરોગ્યસેવામાં રહેલી ખામીઓ
ગુજરાત પ્રદૂષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલને અપાયેલી નોટિસમાં જણાવાયું છે કે, તા/૮/૭/૧૯ ના આરોગ્યની ટીમે લીધેલ મુલાકાત દરમ્યાન
અનેક ખામીઓ જોવા મળી હતી આરોગ્યસેવાની આ ખામીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક કાયદાઓનો ભંગ કરે છે, આ કાયદાઓની વિવિધ કલમો અને તેની જોગવાઈઓ વિશે નોટિસમાં ઉલ્લેખ કરેલો છે
વાત્સલ્ય હોસ્પિટલ દ્વારા નગરપાલિકાની કચરાપેટી દ્વારા બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરાય છે જે ગેરકાનૂની હોઈ પ્રદૂષણ નિકાલની જોગવાઈનો ભંગ થાય છે.
બાળકોની સારવારની ફાઇલ તૈયાર કરતી વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે જ દર્દીઓની સારવારનો કોઈ રેકોર્ડ નથી.
ઓપીડી અને હોસ્પિટલમાં દાખલ બાળ દર્દીઓની સારવારના પૂરતા પૈસા વસુલ કરનાર વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ તાલીમ વગરનો જોવા મળ્યો હતો.
મેડિકલ વેસ્ટને અલગ અલગ રંગની ડોલમાં ભેગો કરવાનો હોય છે, તેને બદલે સામાન્ય કચરાપેટીમાં મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો.
મેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર સ્ટાફને તેમની આરોગ્ય સુરક્ષા માટે હિપેટાઇટિસ બી ની  કે ટીટનસની રસી અપાઈ નહોતી.
વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલમાં IEV સેટ અને નિડલ અનકટ જોવા મળ્યા હતા.
આ બધી જ અધૂરાશો જો એક મહિનામાં દૂર નહીં કરાય તો વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલની સેવાઓ ચાલુ રાખવા સામે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનઆરોગ્ય સામે સર્જાતાં જોખમ અંગે વિવિધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ પગલાં ભરવા ગુજરાત પ્રદૂષણ બોર્ડે ચેતવણી આપી છે.

વાયેબલ હોસ્પિટલ વતી ડો. માધવ નાવલેકરે ન્યૂઝ4કચ્છ સમક્ષ જાણો શું કર્યો ખુલાસો?

ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ભુજની વાયેબલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને અપાયેલ કડક નોટિસના અહેવાલ સંદર્ભે ડો. માધવ નાવલેકરે ન્યૂઝ4કચ્છને ફોન કરીને ટેલિફોનિક ખુલાસો કર્યો હતો ડો. માધવ નાવલેકરે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરની સૂચના, મેડિકલ સર્ચ કમિટી દ્વારા રૂબરૂ મુલાકાત દરમ્યાન વાયેબલ હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટના નિકાલ અને આરોગ્ય સેવામાં રહેલી ક્ષતિઓ અંગેની તાકીદ, અને તે અંતર્ગત ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા અપાયેલી આકરી નોટીસને અમે ગંભીરતાથી લીધી છે વાયેબલ હોસ્પિટલ દ્વારા હવે તમામ નિયમોનું પૂર્ણ પાલન કરાઇ રહ્યું છે.
જોકે,  મેડિકલ વેસ્ટ ખાઈ રહેલી ગૌમાતાના વાયરલ થયેલા વીડિયોને પગલે વાયેબલ હોસ્પિટલ ચર્ચામાં આવી હતી નિષ્પક્ષ અને સ્પષ્ટ સમાચાર આપવાની ન્યૂઝ4કચ્છની પરંપરા પ્રમાણે જે તે સમયે ડો. મિલિંદ જોશીનો સંપર્ક કરાયો હતો, ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપતાં જણાવ્યું હતું કે આ મેડિકલ સ્ટાફની ભૂલ છે જોકે, બાદમાં પ્રદૂષણ બોર્ડ દ્વારા બાયો મેડિકલ વેસ્ટ અને આરોગ્ય સેવાની ક્ષતિઓ સંદર્ભે આકરી નોટિસ અપાઈ ત્યારે એ ધ્યાને આવ્યું હતું કે, હોસ્પિટલ સેવામાં પણ મેનેજમેન્ટ દ્વારા ખામીઓ રહેલી હતી.