Home Social શ્રાવણ માસમાં ભુજના યુવાનોની અનોખી શિવભક્તિ – શિવાલયોને બીલીપત્રમય બનાવવાનું અનોખું અભિયાન

શ્રાવણ માસમાં ભુજના યુવાનોની અનોખી શિવભક્તિ – શિવાલયોને બીલીપત્રમય બનાવવાનું અનોખું અભિયાન

1031
SHARE
પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શિવભક્તિનો મહિમા સમગ્ર કચ્છમાં અનુભવાઈ રહ્યો છે. પણ, ભક્તિના આ માહોલ વચ્ચે હૃદયને સ્પર્શી જાય અને તેનું અનુકરણ દરેક જગ્યાએ કરવાની ઈચ્છા થાય એવા ત્રિવેણી સંગમની વાત આજે કરવી છે. આ ત્રિવેણી સંગમ એટલે ભગવાન શિવ, તેમને પ્રિય એવા બીલીપત્ર અને પર્યાવરણની રક્ષા સાથે વૃક્ષ ભક્તિનો અનોખો સંદેશ!!  આ વિશે ન્યૂઝ4કચ્છને વધુ વિસ્તૃત માહિતી આપતા લાયન્સ કલબ ભુજના પ્રમુખ પ્રફુલ શાહ અને મહામંત્રી શૈલેષ રાવલ કહે છે કે, લાયન્સ કલબ ભુજની ટીમ તેમ જ ભુજમાં ‘વન ડે વન ટ્રી’ અભિયાન ચલાવનાર યુવાનોની ટીમ સાથે મળીને નક્કી કર્યું છે કે, શ્રાવણ મહિના દરમ્યાન અને દરરોજ ભુજના એક શિવમદિરના દર્શન કરીને એ શિવ મંદિરમાં બીલીપત્રના એક વૃક્ષનું વાવેતર કરી રહ્યા છીએ. આમેય બીલીપત્ર ભગવાન શિવને પ્રિય છે, એટલે અમે વૃક્ષ ભક્તિના માધ્યમ સાથે પર્યાવરણની રક્ષાનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. બીલીપત્ર ના આ વૃક્ષના વાવેતર પછી એનો પૂરતો ઉછેર થાય તે માટે શિવ મંદિરની સાથે લાયન્સ તેમ જ વન ડે વન ટ્રી ની ટીમ સયુંકત રીતે જાગૃત છે. જોકે, બીલીપત્રની વૃક્ષભક્તિનો વિચાર કેમ આવ્યો? એ વાત વૃક્ષના વાવેતર તરફ આવી રહેલી જાગૃતિ દર્શાવે છે. લાયન્સ કલબ ભુજના શૈલેષ ઠકકર અને અભય શાહ કહે છે કે, અમારી સંસ્થાના સદસ્ય સંજય ઠકકરે પોતાની રીતે એક ઝુંબેશ શરૂ કરી છે, દરરોજ સવારે ભુજના અલગ અલગ મંદિરે જઈ ત્યાં દેવદર્શન કરીને તુલસીના રોપાનું વાવેતર કરવું. આમ, સંજયભાઈને તેમની વૃક્ષ ભક્તિ દરમ્યાન એક નવો વિચાર સ્ફુર્યો કે, લાયન્સ કલબ ભુજના તેમના મિત્રો સાથે મળીને શ્રાવણ મહિનાની ઉજવણી વૃક્ષ ભક્તિ સાથે કરીએ તો? અને, તેમણે ભુજમાં ‘વન ડે વન ટ્રી’ અભિયાન ચલાવતી ટીમનો સંપર્ક કર્યો તો સુઝાવ મળ્યો કે, આપણે સાથે મળીને ભગવાન શિવને પ્રિય એવા બીલીપત્રના વૃક્ષનું વાવેતર કરીએ તો? સૌએ સાથે મળીને આ વિચાર વધાવી લીધો એટલું જ નહીં વૃક્ષનું વાવેતર પણ શરૂ કરી દીધું. ‘વન ડે વન ટ્રી’ ની ટીમનું કહેવું છે કે, વૃક્ષ માં પણ ભગવાન છે એ આપણા શાસ્ત્રો તેમ જ વડીલોનો સંદેશ આપણે ભૂલી ગયા છીએ. પાદરે પીપળો, શેરી એ લીમડો અને આંગણે તુલસી હોય એવી આપણી પર્યાવરણની સંસ્કૃતિ ને આપણે સૌ સાથે મળીને ફરી જીવંત બનાવીએ. આ શરૂઆત ‘વન ડે વન’ ટ્રી અભિયાન પણ એક ત્રિવેણી સંગમ છે, જેમાં વૃક્ષ વાવવા ઇચ્છનારા વૃક્ષ પ્રેમી પરિવારનો ‘વન ડે વન ટ્રી’ ની ટીમ સંપર્ક કરે છે, વૃક્ષ વનતંત્ર દ્વારા અપાય છે, પણ આ આખા ત્રિવેણી સંગમમાં આચમન કરવા જેવી વાત એ છે કે, વૃક્ષ પ્રેમી પરિવાર જાતે ટ્રી ગાર્ડ તૈયાર કરે છે, તો, વન ડે વન ટ્રી ની ટીમ જાતે વૃક્ષારોપણ કરવા જાય છે, ત્યાર બાદ પણ વૃક્ષની જાળવણી વિશે જાત માહિતી મેળવે છે. આ શરૂઆત ભુજથી થઈ હોય પણ, ‘વન ડે વન ટ્રી’ ના આ વિચારનો અમલ આપણા કા મલકને હરિયાળો બનાવી શકે તેમ છે. વાત માત્ર એક પરિવાર, એક વૃક્ષના સંકલ્પની છે, આપણા ગામ, આપણા શહેર અને આપણા વતન માટે માત્ર એક વૃક્ષ વાવવાનો સંકલ્પ તો આપણે કરી શકીએ તેમ છીએ. આ વિશે જે કોઈ વ્યક્તિ , પરિવાર કે સંસ્થા માહિતી મેળવવા ઇચ્છતા હોય તેઓ ‘વન ડે વન ટ્રી’ ટીમનો સંપર્ક 968760559, 9909757657, 8758125116 કરી શકે છે. તો, આવો આપણે સૌ સાથે મળીને ‘વન ડે વન ટ્રી’ ના આ સંદેશને ઘેર-ઘેર, શેરીએ-શેરીએ, ગામે-ગામ પહોંચાડીએ અને આપણા કચ્છને હરિયાળું બનાવીએ. લીલુંછમ કચ્છ બનશે તો મેઘરાજાની કૃપાથી વરસાદ પણ નિયમિત આવશે, પર્યાવરણને કારણે પ્રદુષણ પણ હળવું થશે.