પોલીસને કહ્યું જો હું પાછો ન આવું તો મારા પરિવારને કહેજો હું ફરજ દરમ્યાન શહીદ થઈ ગયો…
ગુજરાતમાં પૂરના પાણીના પ્રકોપ દરમ્યાન પોલીસ જવાનો દ્વારા પોતાની જાનને જોખમમાં મૂકીને માનવ જિદગીઓ બચાવવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે ત્યારે કચ્છના સામખીયાળીમાં ફરજ પરસ્તી સાથે પોલીસ જવાને દર્શાવેલી જવાંમર્દી નો કિસ્સો બહાર આવ્યો છે. સામખીયાળી ગામે શનિવારે તળાવના પાણી ઓવરફ્લો સાથે બહાર નીકળ્યા બાદ રેલવે સ્ટેશન પાસે પુર જેવી પરિસ્થિતિ સર્જાતાં ટ્રેનને રોકી દેવાઈ હતી આ ટ્રેનમાં રેલવે પોલિસ આરપીએફના જવાન શિવચરણ ગુર્જર પણ મહેસાણાથી કચ્છ સુધીના રેલવે પેટ્રોલિંગની ફરજ ઉપર હતા દરમ્યાન ટ્રેન સામખીયાળી રોકાઈ જતાં બહાર નીકળેલા શિવચરણ ગુર્જરની નજરે પાણીના પૂર વચ્ચે ઝાડ ઉપર ચડી ગયેલા લોકો દેખાયા એક બાજુ ૨૦ ફૂટથી પણ વધુ પાણી ભરાયેલા હતા બીજી બાજુ પોતાની જિંદગી બચાવવાની મથામણ હતી એક મહિલા સહિત ફસાયેલા ૮ જેટલા આ લોકોને બચાવવા પોલીસ જવાન શિવચરણે પહેલ કરી અને ત્યાં રહેલા પોલીસ સ્ટાફ તેમજ ડિઝાસ્ટરની ટીમ પાસેથી રેસ્ક્યુ માટે દોરડું માંગ્યું જોકે, ૨૦ ફૂટ ઊંડા પાણીમાં પડીને એક સાથે ૮ વ્યક્તિઓને બહાર કાઢવા એ ખુદ જવાન શિવચરણ માટે પણ જાન ઉપર જોખમ સમાન હતું પણ, તેણે અન્ય લોકોની ચેતવણીને અવગણીને કહ્યું જો, હું આ દરમ્યાન જીવતો પાછો ન આવું તો મારા પરિવારને કહેજો કે, ફરજ બજાવતા બજાવતા શહીદ થઈ ગયો આટલું કહીને દોરડા સાથે પાણીમાં કૂદીને જવાન શિવચરણે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કવાયત આદરી કામ મુશ્કેલ હતું, કારણ એક જ દોરડું પકડીને એક સાથે ૮ લોકોને ૨૦ ફૂટ ઊંડા પાણીમાંથી બહાર કાઢવા મુશ્કેલ હતા સામે પાર સામખિયાળી પોલીસની ટીમે દોરડું પકડી રાખ્યું અને શિવચરણે એક મહિલા સહિત ૮ લોકોને એક એક કરીને વારાફરથી રેસ્ક્યુ કર્યા એક પછી એક એમ ૮ વાર ઊંડા પાણીમાં પડીને રેલવે પોલીસના જવાન શિવચરણ ગુર્જરે ૮ માનવ જિદગીઓ બચાવી. ફસાયેલા તમામ ખાનગી ફેકટરીમાં કામ કરતા મજદૂરો હતા રેલવે પોલીસના જવાન શિવચરણની બહાદુરીને બિરદાવને પૂર્વ કચ્છના પોલીસ વડા પરીક્ષિતા રાઠોડે જણાવ્યું છે કે, કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તરફથી શિવચરણનું ૧૫ મી ઓગસ્ટના રોજે સન્માન કરાશે.