Home Current પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષપદે સોનલબેન પણિયા – પ્રથમ જ વાર...

પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષપદે સોનલબેન પણિયા – પ્રથમ જ વાર જાગીરનું સુકાન મહિલાને, જાણો સોનલબેન વિશે વિશેષ

1539
SHARE
હિન્દુ ધર્મ પરંપરામાં અતિ પવિત્ર મનાતા નારાયણ સરોવર તીર્થધામના અધ્યક્ષપદે રાજ્ય સરકાર દ્વારા સોનલબેન પણિયાની નિયુક્તિ કરાઈ છે નારાયણ સરોવર જાગીરની પરંપરામાં ૧૩ માં ગાદીપતિ તરીકે કાર્યભાર સંભાળનાર સોનલબેન પણિયા (જોષી) આ જાગીરના ગાદીપતિ બનનાર પ્રથમ મહિલા છે. નારાયણ સરોવર એ હિન્દુ ધર્મના પાંચ પવિત્ર સરોવરો બિંદુ સરોવર, પંપા સરોવર, કૈલાસ માન સરોવર, પુષ્કર સરોવર માં ધાર્મિક મહાત્મ્ય ધરાવતા સરોવર પૈકીનું એક સરોવર છે. નારાયણ સરોવરમાં પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુજીની ૬૩ મી બેઠક આવેલી છે. નારાયણ સરોવરને અડીને જ આવેલું કોટેશ્વર મહાદેવનું મંદિર રામ અને રાવણના પૌરાણિક ધાર્મિક મહાત્મ્ય સાથે સંકળાયેલું છે.  નારાયણ સરોવર જાગીરના ૧૨ મા ગાદીપતિ આનંદલાલજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ કલેકટરના આદેશથી આ વહીવટ લખપત મામલતદાર હસ્તક હતો. પણ હવે ગાદીપતિ તરીકે સોનલબેને કાર્યભાર સંભાળ્યો છે.  પોતાની નિયુક્તિ બાદ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા સોનલબેને સહયોગ આપનાર તમામ સમાજના આગેવાનો, સાધુ સંતો , જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ તેમની નિયુક્તિ કરનાર રાજ્ય સરકાર તરફ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

બેસ્ટ એનસીસી કેડેટ તરીકે નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપનાર ઇતિહાસના સ્કોલર સોનલબેન બ્રહ્મચારિણી છે

ઇતિહાસના સ્કોલર અને પત્રકાર તરીકે સરહદની સંવેદનશીલતા અંગેના અહેવાલોનુ જાગૃતિ સાથે કવરેજ કરનાર સોનલબેન પણિયા મૂળ નારાયણ સરોવરના જ વતની છે. જોકે, બેસ્ટ એનસીસી કેડેટ રહી ચૂકેલા સોનલબેન માટે ગ્રેજ્યુએશન કર્યા બાદ.નારાયણ સરોવર જેવા છેક છેવાડાના ગામ કરતાં ભુજ કે અન્ય સ્થળોએ તેમને કારકિર્દી માટેની અનેક તક હતી, તેમને સગા સબંધીઓ તેમજ પરિવારજનોએ પણ આ બાબતે ટકોર કરી હતી. પણ, સોનલબેન કહે છે, મારા મનમાં પહેલાથી જ રાષ્ટ્ માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી. એટલે જ એનસીસી માં પોતે જોડાયા, બેસ્ટ કેડેટ તરીકેનું સન્માન પણ મેળવ્યું અને એનસીસી કેડેટ તરીકે પોતાને નરેન્દ્ર મોદી સાહેબને ગાર્ડ ઓફ ઓનર આપવાની તક મળી હતી. પોતાની ઈચ્છા ડિફેન્સમાં અથવા તો પોલીસમાં જોડાવવાની હતી. આગળ શું કરવું એ વિશે મનોમંથન ચાલતું હતું. કાકા નારાયણ સરોવર જાગીરમાં કારભારી હતા. તેમનું નિધન થયું. એ દરમ્યાન એક દિવસ બ્રહ્મલીન ગાદીપતિ આનંદલાલજી મહારાજે સોનલબેનને કહ્યું કે,  તમે નારાયણ સરોવરમાં રહીને પણ રાષ્ટ્રની સેવા કરી શકો છો. અહીં જાગીરમાં કારભારી તરીકેની જવાબદારી સંભાળો. બસ, ત્યારથી નક્કી કર્યું કે હવે નારાયણ સરોવરમાં જ રહેવું છે. અહીં કામ કરતા કરતા પત્રકારત્વના ક્ષેત્રમાં ઝપલાવ્યું. નારાયણ સરોવર અને કોટેશ્વર એ પાકિસ્તાન સાથે દેશને જોડતી દરિયાઈ અને ક્રિક બોર્ડરનો છેવાડાનો એરિયા છે,  અત્યંત સંવેદનશીલ એવા આ સરહદી વિસ્તારમાં કચ્છમાં મહિલા પત્રકાર તરીકે કામ કરનાર સોનલબેન પ્રથમ છે, તેમણે ખૂબ જ સફળતાપૂર્વક આ ક્ષેત્રમાં કામ કરીને રાષ્ટ્રભક્તિનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાના પરિવારને સોનલબેને કહી દીધું હતું કે, પોતે લગ્ન કરવા માંગતા નથી. આમ ધીરે ધીરે તેઓ ધર્મના રંગે રંગાતા રહ્યા. હવે, પોતાના ખભા ઉપર જ્યારે નારાયણ સરોવર જાગીર ટ્રસ્ટની જવાબદારી આવી છે, ત્યારે હવે શું છે આયોજન? સોનલબેન કહે છે, પોતાની પ્રથમ પ્રાથમિકતા નારાયણ સરોવરની પવિત્રતા જળવાઈ રહે તે માટે સરોવરની સ્વચ્છતા રહેશે. તે ઉપરાંત અહીં લોકો પિતૃ તર્પણ માટે આવે છે, તેમને અહીં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે જરૂરી આયોજન કરાશે અને હવે નારાયણ સરોવર જાગીર ટ્રસ્ટના મુખ્ય મંદિર શ્રી ત્રિવિક્રમરાયજીના મંદિરના જીર્ણોદ્ધારનું આયોજન છે. આ માટે રાજ્યસરકાર દ્વારા રૂપિયા ૪ કરોડ ૮૫ લાખ ફાળવી દેવાયા છે.