નાનકડું એવું ગામ, જ્યાં સામાન્ય તબીબ પણ માંડ માંડ મળે ત્યાં ગાયનેક ડોકટર ક્યાંથી હોય? પણ, આવા સંજોગોમાં સરકાર દ્વારા ચલાવાતી 108 એમ્બ્યુલન્સ સેવા કેવી રીતે એક સાથે ત્રણ ત્રણ માનવ જિદગીઓ માટે દેવદૂત સમાન બની છે, તેનો કિસ્સો ભુજ ભચાઉ હાઇવે ઉપર આવેલા ધાણેટી ગામમાં બન્યો !! ધાણેટી ગામના મહિલા રેખાબેન રાકેશભાઈ મેડાને પ્રસૂતિનું વેણ ઉપડતાં 108 ને જાણ કરાઈ।… નજીકના દૂધઈ ગામેથી તરત જ દોડી આવેલી 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રસૂતા માતા રેખાબેનને ભુજ ની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, રસ્તામાં પ્રસૂતા મહિલાની હાલત નાજુક બની હતી. પ્રસૂતિના દર્દથી પીડાતા રેખાબેન સમયસર હોસ્પિલ સુધી પણ માંડ માંડ પહોંચી શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ધીરે ધીરે સ્થિતિ વધુ નાજુક બનતા કોઈ પણ સમયે પ્રસુતિ થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાતાં પ્રસૂતા માતા અને નવજાત બાળકને જોખમથી બચાવવા સમય પારખીને 108 ના સ્ટાફ ઈએમટી વિજય કામળીયા અને પાયલોટ શબ્બીર નારેજાએ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો. જોખમની આ ક્ષણો વચ્ચે દરેકના જીવ પડીકે બંધાયા હતા. પણ, જોખમની આ ક્ષણોમાંથી પાર ઉતરીને ઈએમટી વિજય કામળીયા અને પાયલોટ શબ્બીર નારેજા નોર્મલ ડીલીવરી કરાવવામાં સફળ બન્યા અને એમ્બ્યુલન્સ એક સાથે બબ્બે બાળકોના અવાજથી ગાજી ઉઠી. દરેકના ચહેરા ઉપર હર્ષની લાગણી હતી, જોડીયા બાળકો (ટ્વીન્સ) જન્મ્યા હતા. તરત જ બન્ને નવજાત બાળકો તેમજ માતાને તુરત જ ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. અત્યારે બન્ને સ્વસ્થ છે. પ્રસૂતા મહિલાના પરિવારે 108 એમ્બ્યુલન્સ સેવા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. સરકાર દ્વારા પ્રસુતિ દરમ્યાન માતા અને બાળકોનું સ્વાસ્થ્ય બરાબર રહે અને તેમના ઉપરનું જોખમ ઘટે એવા પ્રયાસો ગાયનેક તબીબોની સેવાનો અભાવ ધરાવતા કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ સેવાના કારણે સફળ થયા છે.