Home Social પિતાની છત્રછાયા ગુમાવી તો માતાએ ખેતી કરી પુત્રને ભણાવ્યો – અંજારના કેતને CMA...

પિતાની છત્રછાયા ગુમાવી તો માતાએ ખેતી કરી પુત્રને ભણાવ્યો – અંજારના કેતને CMA એક્ઝામમાં ઓલ ઇન્ડિયામાં મેળવ્યો ૨૭ મો રેન્ક

1080
SHARE
હાલમાં જ જાહેર થયેલ કોસ્ટિંગ મેનજમેન્ટ એકાઉન્ટ (CMA) ની પરીક્ષામાં કચ્છના અંજારના યુવાન વિધાર્થી કેતન રાજેશ સોરઠીયાએ ઓલ ઇન્ડિયા રેન્કમાં (AIR) ૨૭ મો નંબર મેળવીને ઝળહળતી સફળતા સાથે કચ્છનું ગૌરવ વધાર્યું છે. કેતને મેળવેલી આ સફળતામાં વધારાની સિદ્ધિ એ પણ છે કે, તેણે CMA ની આ એકઝામમાં રાજ્યમાં ૪ થો અને વડોદરામાં ફર્સ્ટ (પ્રથમ) રેન્ક મેળવ્યો છે. વડોદરા શહેરમાં કેતનની સિદ્ધિની જોરદાર પ્રશંસા થઈ રહી છે જોકે, કેતન સોરઠીયાની આ સિદ્ધિમાં તેની માતાનું મહત્વનું યોગદાન છે. કેતન સોરઠીયાએ પોતાની માતા પ્રત્યેની આ લાગણી મીડીયા સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બે દાયકા પહેલાં ૧૯૯૮માં તેના પિતાનું મૃત્યુ થયું હતું પણ, તે સમયે પિતાની છત્રછાયા ગુમાવનારા નાનકડા કેતનને તેની માતા ગૌરીબેન સોરઠીયાએ ખેતી કરીને ભણાવ્યો ૧૨માં ધોરણ સુધી અંજારમાં અભ્યાસ કરનાર કેતન સોરઠીયાએ ઉચ્ચ શિક્ષણ માટે વડોદરાની વાટ પકડી. જોકે, કેતનના માતા ગૌરીબેને કેતનના ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ મેળવીને તેના અભ્યાસને આગળ વધાર્યો. માતાના સ્વપ્નને પુરા કરવા માટે કેતને પણ ખૂબ મહેનત કરી અને કોસ્ટીંગ મેનેજમેન્ટ એકાઉન્ટ CMA જેવી ઉચ્ચ કક્ષાની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલે ઝળહળતી ફતેહ મેળવી. હવે, મોટી કોર્પોરેટ કંપનીમાં સારી જોબ મેળવીને કેતન પોતાની વ્યવસાયિક કારકિર્દીને આગળ વધારી શકશે. તેનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. કેતન રાજેશ સોરઠીયાએ મેળવેલી આ ઝળહળતી ફતેહને પગલે અંજાર સોરઠીયા સમાજ દ્વારા તેનું સન્માન કરાયું હતું. કેતને એ દર્શાવ્યું છે કે, જો મનમાં કંઇક કરી બતાવવાની ધગશ હોય તો, પ્રતિકૂળ સંજોગો પણ નડતા નથી. પોતાની માતા ગૌરીબેનના સ્વપ્ન સાકાર કરીને સોરઠીયા સમાજ, અંજાર શહેર અને કચ્છને ગૌરવ અપાવનાર કેતન સોરઠીયાને અભિનંદન.