Home Current કચ્છમાં મેઘમહેર – ભચાઉ અઢી ઇંચ, મુન્દ્રા, માંડવી ગ્રામ્ય વિસ્તાર, નખત્રાણા એક...

કચ્છમાં મેઘમહેર – ભચાઉ અઢી ઇંચ, મુન્દ્રા, માંડવી ગ્રામ્ય વિસ્તાર, નખત્રાણા એક ઇંચ, ભુજમાં બે ઇંચ સાથે મોટા બંધ,હમીરસરમાં પાણીની આવ

3251
SHARE
કચ્છમાં ફરી મેઘરાજાએ મહેર કરી છે. વરસાદ ઝંખતા ખેડૂતો અને પશુપાલકો મેઘરાજાની મહેરથી ખુશખુશાલ છે. બે દિવસ પહેલાંજ ધોમધખતા તાપ વચ્ચે કચ્છમાં વરસાદની આગાહી કરાઈ હતી અને આગાહી પ્રમાણે જ એકાએક હવામાનમાં ગઈકાલે પલટો આવ્યો અને આજે ભચાઉ, ભુજ અને મુન્દ્રા, માંડવી તેમજ નખત્રાણાના ગ્રામીણ વિસ્તરોમાં મેઘ મહેર થઈ ગઈ તો અન્યત્ર ઝરમર ઝરમર છાંટા પડ્યા. જોકે, હજીયે સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ છે. આજે તા/૨૮/૮/૧૯ ના સવારના ૬ થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન કલેકટર કચેરીના સત્તાવાર આંકડા અનુસાર અબડાસા ૨ મીમી, લખપત ૮ મીમી, માંડવી- ૧૭ મીમી, મુન્દ્રા ૮ મીમી, નખત્રાણા- ૨૪ મીમી, ભચાઉ- ૬૩ મીમી, રાપર- ૧૨ મીમી, ગાંધીધામ- ૦ , ભુજ- ૪૯ મીમી,  અંજાર- ૭મીમી વરસાદ નોંધાયો છે
જોકે, મુન્દ્રા અને માંડવીના ગ્રામીણ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ૧ ઇંચ જેટલો વરસાદ પડયાનાં સમાચારો છે તો, નખત્રાણાના નાની બન્ની આસપાસ ૨ ઇંચ જેટલો વરસાદ પડયાનાં સમાચાર છે જોકે, મેઘ મહેરનો બીજો રાઉન્ડ ભુજ શહેરમાં જોરદાર રહ્યો અને બપોરે અઢી વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં તો બે ઇંચ વરસાદ પડી ગયો. ઉપરવાસમાં પણ સારો વરસાદ હોઈ ભુજના મોટા બંધમાં જોશભેર પાણી વહી નીકળતા નયનરમ્ય નઝારો સર્જાયો હતો તો, હમીરસરમાં પાણીની આવ શરૂ થતાં ભુજના નગરજનોના હૈયા પુલકિત થઈ ઉઠ્યા હતા. ભચાઉમાં પણ વરસાદ સારો રહ્યો હતો, અઢી ઇંચ વરસાદે વાગડ વાસીઓને ખુશ ખુશ કરી દીધા હતા રાપરમાં અડધો ઇંચ, જ્યારે અબડાસા, લખપત, અંજારમાં ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો.