Home Current અદાણી જીકે હોસ્પિટલમાં આગેવાનોને ‘નો એન્ટ્રી’થી દર્દીઓ પરેશાન – પોલીસ, કલેકટર અદાણી...

અદાણી જીકે હોસ્પિટલમાં આગેવાનોને ‘નો એન્ટ્રી’થી દર્દીઓ પરેશાન – પોલીસ, કલેકટર અદાણી સાથે, કોંગ્રેસનો બળાપો – પત્રકાર પરિષદમાં કચ્છ કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ? 

940
SHARE
અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીઓની ભલામણ માટે પ્રવેશવા માંગતા રાજકીય અને સામાજિક આગેવાનો માટે ‘નો એન્ટ્રી’ જાહેર કરવાના મુદ્દે આજે કચ્છ કોંગ્રેસના આગેવાનો એ બળાપો વ્યક્ત કરીને અદાણી મેનેજમેન્ટ તેમજ વહીવટી તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. ભુજના ઉમેદભવન મધ્યે કચ્છ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના પ્રદેશ મંત્રી રફીક મારા અને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલે મીડીયા સમક્ષ કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ અદાણી ગ્રુપને સોંપાયા બાદ કચ્છી પ્રજાની મુશ્કેલીઓ વધી હોવાનું અને સરકાર તેમજ અન્ય સરકારી વ્યવસ્થા દ્વારા આર્થિક ફંડ મેળવીને અદાણી ગેઇમ્સ દ્વારા ઉભી કરાયેલ મેડિકલ સુવિધાનો લાભ પણ કચ્છના દર્દીઓને અપાતો ન હોવાનો આક્ષેપ કરાયો હતો જોકે, સમગ્ર પત્રકાર પરિષદનો દોર કોંગ્રેસના પ્રદેશ મંત્રી રફીક મારાએ સંભાળ્યો હતો અદાણી જીકે હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓ વિશે રફીક મારાએ એક પછી એક મુદ્દાઓ રજૂ કર્યા હતા તેમજ અત્યારે જીકેમાં સિક્યોરિટીના નામે બાઉન્સર રાખીને કચ્છના સામાજિક તેમજ રાજકીય આગેવાનો માટે ‘નો એન્ટ્રી’ કરવાના નિર્ણયને અદાણી ગ્રુપની દાદાગીરી સમાન ગણાવીને આ નિર્ણયમાં પોલીસ દ્વારા પણ અદાણી ગ્રુપની તરફાદારીને ઉગ્ર શબ્દોમાં વખોડી કાઢી હતી. સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય દર્દીઓને મદદરૂપ બનતાં આગેવાનોને અટકાવવાનો નિર્ણય અયોગ્ય હોવાનું કહેતા રફીક મારાએ આક્ષેપ કર્યો હતો કે દર્દીઓની સારવારમાં રહેલી ત્રુટીઓ અને અધુરશોને છુપાવવા માટે અદાણી મેનેજમેન્ટ દ્વારા હુમલાના બનાવ બાદ જુનિયર તબીબોની હડતાલના મુદ્દાને આગળ કરીને સામાજિક રાજકીય આગેવાનો માટે જીકેમાં ‘નો એન્ટ્રી’ કરી દેવાઈ છે. તો, પોલીસે પણ આગેવાનો સામે પગલાં ભરવાનું કહીને અદાણીને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ મદદ કરવાનું કાર્ય કર્યું છે. કચ્છમાં પોર્ટ, કોલસા આધારિત પાવર પ્લાન્ટ, સોલાર સહિત એસઇઝેડ સહિત અન્ય ઉધોગ સ્થાપીને કરોડો રૂપિયા કમાનાર અદાણી ગ્રુપ દ્વારા સીએસઆર ફંડ ના રૂપિયા પણ જીકે જનરલ હોસ્પિટલમાં સુવિધા માટે વાપરવામાં આવતા નથી. પોતે અદાણી દ્વારા સીએસઆરના કેટલા રૂપીયા કચ્છમાં વપરાયા તે અંગે.કલેકટર સમક્ષ માહિતી માંગી પણ વહીવટીતંત્ર દ્વારા પણ સીએસઆરની માહિતી અપાતી ન હોવાનો આક્ષેપ રફીક મારાએ કર્યો હતો.

અદાણી ગ્રુપ મેડિકલ કોલેજમાં વર્ષે ૧૦૦ કરોડથી વધુ કમાય છે પણ સારવાર માટે ડોક્ટરો રાખતા નથી, ભુજના ૧૫ તબીબો માત્ર કાગળ ઉપર જાણો ચોંકાવનારા આક્ષેપો

કોંગ્રેસના પ્રદેશ મંત્રી રફીક મારાએ સ્પષ્ટ શબ્દો સાથે અદાણી જીકે જનરલ હોસ્પિટલના મેનેજમેન્ટ ઉપર કચ્છના દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરવાનો આરોપ મૂક્યો હતો. એમઓયુ પ્રમાણે સરકારે જ્યારે અદાણીને જીકે જનરલ હોસ્પિટલનો વહીવટ સોંપ્યો ત્યારે ટ્રોમા સેન્ટર (અકસ્માતના કેસમાં દર્દીઓની સારવાર માટેનું યુનિટ) બનાવવાની વાત હતી. પણ, ટ્રોમા સેન્ટર હજી પણ બન્યું નથી. ઘણી રજૂઆતો પછી માંડ માંડ એક ન્યુરોસર્જન રાખ્યા છે, પણ કાર્ડિયોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ નથી. ભુજના ૧૫ જેટલા તબીબો માત્ર બાયોમેટ્રિક દ્વારા અંગૂઠો મારીને પોતે સેવાઓ આપે છે એવું બતાવે છે. પણ, સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોની સેવાઓ માટે ભાગે કાગળ ઉપર છે. કચ્છના ગંભીર દર્દીઓને સારવાર આપવાને બદલે અમદાવાદ રાજકોટ રીફર કરી દેવાય છે, પણ, અડધા થીયે વધુ દર્દીઓ આને કારણે અધરસ્તે જ મૃત્યુ પામે છે. જો નિષ્ણાત તબીબોને અદાણી રાખે તો કચ્છના દર્દીઓને અમદાવાદ કે રાજકોટ રીફર ન કરવા પડે. ઊલટું અદાણીએ જિલ્લા આયોજન ભવન, કચ્છ જિલ્લા પંચાયત, રાજ્યના આરોગ્ય વિભાગમાંથી ૪ કરોડથી વધુ રકમની ગ્રાંટ મેળવીને ડાયાલીસીસ યુનિટ, લેબોરેટરી વસાવી. પોતાના પૈસા બચાવી સરકારી ખર્ચે ઉભી કરાયેલી આ સુવિધાઓનો લાભ બહારના દર્દીઓને અપાતો નથી. મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, બીપીએલ કાર્ડ ધરાવતા બહારના દર્દીઓ જો ચેક અપ માટે આવે તો તેમને લેબોરેટરી રિપોર્ટ, એક્સ રે, સીટી સ્કેન અને એમઆરઆઈ રિપોર્ટ કરી આપવાને બદલે ના પાડી ને તેમને દોડાવી દેવાય છે. માત્ર અદાણી જીકે હોસ્પિટલના દર્દીઓને એ સુવિધાનો લાભ અપાય છે. જે દર્દીઓ દાખલ હોય છે, જેમની પાસે માં કાર્ડ કે સરકારી આરોગ્ય સેવાનું અન્ય કાર્ડ હોય છે, તેમની સારવાર દ્વારા પણ સરકાર પાસેથી રૂપિયા વસુલાય છે, ગત વર્ષે પોણા ત્રણ કરોડ રૂપિયા માં કાર્ડની સારવારના અદાણી જીકે ને ચૂકવાયા હોવાનું રફીક મારાએ જણાવ્યું હતું. ઇમરજન્સી વોર્ડ માત્ર તાલીમી જુનિયર દર્દીઓને હવાલે હોય છે, ત્યાં સરકારના નિયમ મુજબ નિષ્ણાત ડોક્ટરો હોવા જોઈએ. ઇમરજન્સી વોર્ડ અને બર્ન્સ વોર્ડમાં એસી નથી, પંખા બંધ છે, હોસ્પિટલમાં ગંદકી પુષ્કળ છે, એવું કહેતા રફીક મારાએ અદાણી કંપની સીઆરએસ ફંડ વાપર્યા વગર જ અદાણી ગેઇમ્સની મેડિકલ કોલેજમાં ભણતા ૭૫૦ વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફીની વસુલાતી ૧૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ રકમ માંથી જીકે હોસ્પિટલ ચલાવી શકે છે, પણ તેમની દાનત નથી એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.

કચ્છ કોંગ્રેસ અદાણી સામેના વિરોધને કારણે બે ભાગમાં વહેંચાઈ? જાણો અન્ય આગેવાનો શા કારણે ન આવ્યા?

આમ તો આજે ૨૯/૮ ગુરુવારે અદાણી જીકે હોસ્પિટલના મુદ્દે પ્રેસ કોંફરન્સ છે, એવું કહીને કચ્છ કોંગ્રેસ દ્વારા સતાવાર રીતે મીડિયાને ભુજના ઉમેદભવનમાં આમંત્રણ અપાયું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મંત્રીઓ નવલસિંહ જાડેજા,  ભરત ઠકકર, રવિન્દ્ર ત્રવાડી, અરજણ ભુડીયા, કલ્પનાબેન જોશી, રફીક મારા અને જિલ્લા પંચાયત વિપક્ષના નેતા વી.કે. હુંબલ ઉપસ્થિત રહેશે એવું જણાવાયું હતું. પણ, પ્રેસ કોંફરન્સમાં વી.કે. હુંબલ, રફીક મારા સિવાય રમેશ ગરવા, દિપક ડાંગર, ગની કુંભાર, માનસી શાહ અને ધીરજ રૂપાણી જ હાજર રહ્યા હતા. અદાણી જીકે જનરલ હોસ્પિટલનો મુદ્દો કચ્છના દર્દીઓને સ્પર્શે છે. જાહેર સમસ્યા છે, પ્રજાનો મુદ્દો છે. પણ, અન્ય આગેવાનો કેમ ન આવ્યા? મીડીયામાં આ મુદ્દે થયેલા સવાલો વચ્ચે રફીક મારાએ શું કહ્યું, આપ જાતે જ જાણો. રફીક મારાના કહેવા પ્રમાણે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાને લુઝ મોશન થયા હોઇ તબિયતને કારણે આવ્યા નથી. કોંગ્રેસના અન્ય પ્રદેશ મંત્રીઓ પૈકી નવલસિંહ જાડેજા બહારગામ ગયા છે, ભરત ઠક્કરની ગાડી ખરાબ થઈ ગઈ છે, રવિન્દ્ર ત્રવાડીની ફેકટરીમાં પાણી ભરાયા છે, અરજણ ભુડીયા માધાપરનું તળાવ વધાવવામાં રોકાયા છે, કલ્પનાબેન જોશી સંજોગોવશાત આવી શક્યા નથી. સ્વાભાવિક રીતે એક સાથે અનેક આગેવાનોની ગેરહાજરી કદાચ અદાણી જેવા ગ્રુપ સામેની પ્રેસ કોંફરન્સને કારણે હતી? સવાલો અનેક છે, ગેર હાજરીના કારણો સાચા પણ હશે, તો પછી કેમ બધા હાજર રહેશે એવું કહેવાયું? જો, ચર્ચાતો રાજકીય મુદ્દો માનીએ તો કચ્છ કોંગ્રેસ બે ભાગ માં વહેંચાયેલી જોવા મળી હવે તેનું કારણ અદાણી છે કે સંજોગો તે અંગે તમે વાંચકો રાજકીય તર્ક કરી શકો છો.