પોતાના એક દિવસના કચ્છના પ્રવાસે આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભુજ મધ્યે કલેકટર ઓફિસના કોંફરન્સ હોલમાં પત્રકારો સાથે મુક્તમને વાતચીત કરી હતી. વિજયભાઈએ વર્તમાન સરહદી સુરક્ષા અને પાકિસ્તાન તરફથી વ્યક્ત કરાતાં આતંકી હુમલાના ઇનપુટ સંદર્ભે હાઈએલર્ટની પરિસ્થિતિ, નર્મદા, અછત-દુષ્કાળ, જળ સંચય, હાઇવે ઓવરબ્રિજ, જમીનની જંત્રી સહિતના મુદ્દાઓ સંદર્ભે કચ્છના પત્રકારોના તમામ પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. અત્યારે ગુજરાતમાં હાઇએલર્ટ છે અને જો કોઈ પણ તંગદિલી ભરી પરિસ્થિતિ પેદા થાય તો તેને પહોંચી વળવા ગુજરાત સજ્જ હોવાનું વિજયભાઈએ જણાવ્યું હતું. કચ્છની નર્મદા કેનાલ માં ૨૦ કીમી ના જમીન સંપાદનના અટકેલા કામને કારણે નર્મદાની સિંચાઇની કેનાલનું કામ આગળ વધતું ન હોવાનું તેમણે સ્વીકાર્યું હતું અને આ વર્ષના અંત સુધીમાં નર્મદા કેનાલનું અધૂરું કામ પૂરું થઈ જશે અને તે વિશે પોતે કચ્છના વહીવટીતંત્ર સાથે ચર્ચા પણ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. તો, કચ્છભરમાં બહુચર્ચિત બનેલા ભુજોડીના ઓવરબ્રિજનો પ્રશ્ન ગૂંચવાયો હોવાનું મુખ્યમંત્રીએ પરોક્ષ રીતે કબુલ્યું હતું. બ્રિજ બનાવનાર કંપની અને તે કંપનીએ બ્રિજ બનાવવા માટે મેળવેલ બેંક લોનના કારણે આ પ્રશ્ન તે કંપની અને બેંક વચ્ચે અટવાયો હોવાનું મુખ્યમંત્રીએ જણાવીને હવે આ મુદ્દે નિર્ણય આવી જશે, ભુજોડી ઓવરબ્રિજ નું કામ શરૂ થઈ જશે એવું આશ્વાસન વિજયભાઈએ આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ઘણો સમય થયો જંત્રીના ભાવો વધારાયા નથી. હવે જમીનના ભાવો પણ વધ્યા હોઈ રાજ્યસરકાર ટૂંક સમયમાં જમીનની જંત્રીના ભાવ વધારશે એવો નિર્દેશ તેમણે આપ્યો હતો. કચ્છમાં અછત અને દુષ્કાળની કામગીરી સંદર્ભે વિજયભાઈએ પોતાની સરકાર દ્વારા કરાયેલી કામગીરીને સતોષપૂર્ણ ગણાવી હતી. ૨૦ વર્ષ પહેલાં કચ્છમાં દુષ્કાળની ભીષણ પરિસ્થિતિ જેવી સ્થિતિ ગત વર્ષે કચ્છમાં હોવાનું અને અત્યારે આવા ત્રણ ત્રણ કપરાં અછતના વર્ષ હેમખેમ પસાર કર્યા બાદ કચ્છમાં મેઘરાજાની મહેર અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી. કચ્છમાં વર્તમાન દુષ્કાળની પરિસ્થિતિ દરમ્યાન તેમની સરકારે ઐતિહાસિક નિર્ણય કરીને આ વખતે પહેલી વખત ઓક્ટોબર મહિનામાં જ વહેલી અછત જાહેર કરીને ઢોરવાડાઓને સબસીડી આપવાનું શરૂ કરી અત્યાર સુધી ૫૫૦ કરોડ રૂપિયા કચ્છમાં ખર્ચીને લાખો પશુઓને બચાવી લીધા હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત સરકારે મનરેગા યોજના નીચે કચ્છમાં ૧૨૫ તળાવો બનાવ્યા છે અને જળસંચયની પણ સારી કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું. દુષ્કાળ અને અછત દરમ્યાન કચ્છના વહીવટીતંત્રએ કરેલી કામગીરીને પણ વિજયભાઈએ બિરદાવી હતી. મુખ્યમંત્રીના પ્રેસ બ્રિફિંગ દરમ્યાન રાજયમંત્રી વાસણભાઇ આહીર, કલેકટર રેમ્યા મોહન, ડીડીઓ પ્રભવ જોશી, ધારાસભ્યો, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.