કચ્છમાં ફરી એક વાર હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી અપર સાયકલોનીક સિસ્ટમને પગલે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આગામી ત્રણ થી ચાર દિવસ દરમ્યાન કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડશે. તો ક્યાંક ક્યાંક છૂટો છવાયો ભારે વરસાદ પણ પડી શકે છે.
દરમ્યાન આજે રવિવારે નખત્રાણામાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. તો, લખપત તાલુકામાં પણ માતાના મઢ દયાપર વિસ્તારમાં બે ઇંચ વરસાદને પગલે એ વિસ્તાર ફરી પાણી પાણી થઈ ગયો હતો. જોકે, લખપતમાં માત્ર ૮ મીમી વરસાદ નોંધાયો હતો. એજ રીતે મુન્દ્રામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો પણ ગ્રામ્ય વિસ્તાર કુંદરોડીમાં ધુંવાધાર બે ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો. માંડવીમાં ગઈકાલે શનિવારે મેઘરાજાની ત્રણ ઇંચ વરસાદની તોફાની બેટિંગ બાદ રવિવારે માંડવીના ગ્રામ્ય વિસ્તાર ગઢશીશા, દેવપર વિસ્તારમાં મેઘરાજાએ જમાવટ કરી ત્રણ થી ચાર ઇંચ પાણી વરસાવીને સૌને ખુશ ખુશ કરી દીધા હતા. તો, માંડવી શહેરમાં ૮ મીમી જેટલો વરસાદ પડ્યો હતો એક ઇંચ વરસાદ પડ્યો હતો પણ, ભુજના ગ્રામ્ય વિસ્તાર કેરા અને માધાપર કુકમામાં દોઢ થી બે ઇંચ વરસાદ પડી ગયો હતો પૂર્વ કચ્છના વાગડ વિસ્તાર ભચાઉમાં એક ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી હતી.
ભુજમાં આશાપુરા રિંગ નજીક રહેતા હિતેશ ચૌહાણને ઘર ઉપર વીજળી પડી હતી. જોકે, એ સમયે ઘરમાં બેઠેલા પરિવારનો બચાવ થયો હતો પરંતુ વીજ ઉપકરણો બળી ગયા હતા ઘરમાં વીજળી પડતાં આ પરિવાર ડરી ગયો હતો.